બીજા જે કોઈ ઇન્દ્રિયોના સમૂહને બરાબર વશ કરીને સર્વમાં સમબુદ્ધિવાળા સર્વભૂતોનાં હિતમાં પ્રીતિવાળા થઇ સર્વવ્યાપી, મન અને બુદ્ધિથી શ્રેષ્ઠ, વર્ણવી ના શકાય એવા અને પ્રપંચના આધારરૂપ નિત્ય, વિકારરહિત, નિરાકાર, અવિનાશી બ્રહ્મસ્વરૂપને સર્વ ભાવે ભજે છે તે પણ મને જ પામે છે (૩,૪)
ભાવાર્થ:
નિરાકારની ઉપાસનાથી પણ ભગવદ્પ્રાપ્તિ થાય.
સગુણ - સાકાર, નિર્ગુણ - નિરાકાર એકબીજાથી વિપરીત નથી. બંને એક જ બ્રહ્મનાં બે સ્વરૂપો છે.
અગુણહિ સગુણહિ નહીં કછુ ભેદા | ઉભય હરહિ ભવ સંભવ ખેદા ||
અગુણ સગુણ દુઇ બ્રહ્મ સરૂપા
નિર્ગુણ સોઈ જો પિતા હમારે, સગુણ હૈ મહત્તારી
કિસકું નિંદું કિસકું બંદુ, દોનો પલડાં ભારી
નિરાકાર પાણી - સાકાર બરફ બંને તત્વે કરીને ભિન્ન નથી. સાકાર - નિરાકારના ઝગડા પંડિતોએ ઉભા કર્યા છે અને એકબીજાને ગલત ઠરાવવામાં મગજનું દહીં કરે છે. નિરાકારમાં માનનાર મુસલમાનો સાકારમાં માનનાર હિંદુઓની મૂર્તિઓ તોડે છે. એકબીજાને ગલત ઠરાવવા માટે શાસ્ત્રોના થોથા સાથે માથા પછાડે છે. દુનિયામાં લગભગ ૩૦૦ ધર્મના સંપ્રદાયો છે. એક સંપ્રદાયને ગલત ઠરાવવા બાકીના ૨૯૯ સંપ્રદાયો પોતાનું ભેજું બગાડે છે. એકબીજાના ભગવાનનું માથું ફોડે છે તેથી બધાયના પરમાત્માઓની લાશો પડી છે.
આકારમાં નિરાકાર ભરપૂર રીતે મોજુદ છે. સાકાર મરચામાં નિરાકાર તીખાશ ભરપૂર રીતે મોજુદ છે. સાકાર ગોળમાં નિરાકાર ગળપણ ભરપૂર રીતે મોજુદ છે. જેમાં સાકાર લીન થાય છે તે સ્ત્રોતનું નામ નિરાકાર છે. મોજા (સાકાર) સમુદ્રમાં (નિરાકારમાં) લીન થાય છે. મોજાની વિરુદ્ધ સાગર નથી. બરફથી વિરુદ્ધ પાણી નથી.
સત્યને સમગ્ર રીતે એકીસાથે જોઈ શકાય નહીં. કારણ કે આપણી ઇંદ્રિયોની એટલી ક્ષમતા નથી. એક કાંકરો પણ તમે એકીસાથે સમગ્ર રીતે જોઈ શકશો નહીં. ઉપરનો ભાગ જુઓ તો નીચેનો ભાગ દેખાય નહીં. આખો ઓરડો પણ આખેઆખો જોઈ શકાય નહીં. કીડીની આંખથી આખા નકશામાં ચીતરેલી આખી દુનિયા જોઈ શકાય નહીં. જે જેટલું જોઈ શકે છે તેટલું જ તે પોતાના મનથી સાચું માને છે અને બીજાનું જોયેલું ગલત સાબિત કરવામાં સમય બગાડે છે. પાંચ આંધળાઓએ જોયેલા partial હાથી જેવો ઘાટ છે. હાથી કહે કે બધું (આખો) હું જ છું તો હાથીને પણ તે આંધળાઓ ગાંડો ગણે.
શ્લોક ૪:
સન્નિયમ્ય ઈન્દ્રિયગ્રામમ્ |
સર્વત્ર સમબુદ્ધયઃ |
સર્વભૂતહિતે રત: |
નિર્ગુણ નિરાકારને માનનારા જ્ઞાનમાર્ગવાળાઓને શૂન્ય થઇ જવું પડે. સગુણ સાકારને માનનારા ભક્તિમાર્ગ - પ્રેમમાર્ગવાળાને પ્રેમથી પરિપૂર્ણ થઇ જવું પડે. શૂન્યતા અને પૂર્ણતા બંને એક જ ઘટનાના બે નામ છે. શૂન્યથી વધારે પૂર્ણ બીજી કોઈ ચીજ નથી. અને પૂર્ણથી વધારે શૂન્ય બીજી કોઈ ચીજ નથી.
શૂન્યનો અર્થ "કશું જ નહીં" એવો નહીં અને પૂર્ણનો અર્થ "બધું જ ભરપૂર" એવો નહીં. એ આપણી સમજણનો અવળો ઢંગ છે. જે શૂન્ય થઇ જાય છે તે તત્ક્ષણ પૂર્ણતાનો અનુભવ કરે છે.અને જે પૂર્ણ થઇ જાય છે તે તત્ક્ષણ શૂન્યતાનો અનુભવ કરે છે. શૂન્યતા અને પૂર્ણતા એક જ દરવાજાની બે બાજુઓ છે. એક બાજુ Push (અંદર ધક્કો મારો) અને બીજી બાજુ Pull (બહાર ખેંચો) છે. જે પહેલા Push કરે (શૂન્ય થઇ જાય), તે તુરત જ Pullની દિશામાં(પૂર્ણતાની દિશામાં) પ્રવેશ કરે છે અને જે પહેલા Pull કરે છે (પૂર્ણ થઇ જાય છે) તે તુરત જ Push ની દિશામાં (શૂન્યની દિશામાં) પ્રવેશ કરે છે. મહાવીર તમામ પ્રકારના પ્રેમથી શૂન્ય થઇ ગયા - ઈશ્વર પ્રત્યે પણ નહીં - ઈશ્વરનો પણ ઇન્કાર - તે જ ક્ષણે તે અત્યંત પ્રેમથી ઉભરી ગયા તે એટલી હદ સુધી કે તેના જેવા અહિંસક દુનિયામાં ખોળ્યા ના જડે. અહિંસકભાવ એ પ્રેમની પરાકાષ્ઠા છે.
અહિંસાનો અર્થ એટલો જ કે કોઈને દુઃખી ના કરવો. "બીજાને હું દુઃખી ના કરું" એવો ખ્યાલ રાખનાર માણસ તરફથી બીજાને સુખ મળે છે. પરંતુ "બીજાને હું સુખી કરું છું." એવો ખ્યાલ રાખનાર માણસ તરફથી કેટલીક વખત બીજો માણસ દુઃખી થઇ જાય છે બીજાને સુખી કરવા જતા કદાચ તમે તેને વધારે દુઃખી કરી નાખશો. (વાંદરાના ઘા જેવું થશે.) કોઈને સુખી કરવો તે તમારા સામર્થ્યની બહારની વાત છે. તમે માત્ર તેને જાણી જોઈને દુઃખી ના કરો એ જ તમારી કૃપા. સુખ તો એને એની મેળે એના પ્રારબ્ધમાં હશે તો મળી જ જશે. તમે એને દુઃખી ના કરો એટલે એને એની મેળે સુખી થવાનો મોકો મળી જશે. સુખી તો તે પોતે જ થઇ શકે. તમે ફક્ત તેને સુખી થવાનો ચાન્સ આપી શકો છો. કોઈને સુખી નહીં કરી શકો તો ચાલશે, તેને સુખી કરવા જતા કદાચ તમે એને દુઃખી કરી નાખશો અને સાથે તમે પણ દુઃખી થશો. (સરકારે હરિજનોને - ખેડૂતોને - ભાડુઆતોને સુખી કરવા માથા માર્યા પરંતુ પરિણામે તે લોકો વધારે દુઃખી થયા અને તેમના સવર્ણો - જમીનમાલિકો - મકાનમાલિકો સાથે બાપ - દીકરા જેવા મીઠા સંબંધો હતા તે ખાટા કરી નાખ્યા અને નાહકના વર્ગવિગ્રહ ઉભા કર્યા.)
સુખ કોઈ કોઈને આપી શકતું નથી તેથી મહાવીરે નકારાત્મક શબ્દ 'અહિંસા' વાપર્યો. મહાવીર શૂન્ય થઈને ચાલ્યા અને પ્રેમની પરાકાષ્ઠાએ પહોંચ્યા.
એથી ઉલટુ કૃષ્ણ પ્રેમથી ઉભરાઈને ચાલ્યા અને એના જેવો શૂન્ય આદમી ખોળવો મુશ્કેલ છે. અત્યંત પ્રેમ અસંખ્ય ગોપીઓ અને ૧૬૧૦૮ રાણીઓ તરફ હોવા છતાં અંતરમાં ગહન શૂન્ય - બિલકુલ અનાસક્ત - અસક્તં સર્વ ભૃચ્ચૈવ (ગીતા - ૧૩/૧૫) - ૧૬૧૦૮ રાણીઓના પ્રેમના બંધનમાં હોવા છતાં - તદ્દન મુક્ત - અત્યંત શૂન્ય.
ઉપરોક્ત જ્ઞાનમાર્ગ અને ભક્તિમાર્ગમાંથી કયો માર્ગ શ્રેષ્ઠ એ સવાલ જ નથી. તમને કયો માર્ગ અનુકૂળ છે તે જોવાનું. તમારો ઢાંચો - તમારી બનાવટ - તમારો નિજી ઝુકાવ - તમારું પોતાનું વ્યક્તિત્વ શું છે તે જાણીને, જોઈને માર્ગ પકડવાનો છે. પરંતુ માણસને પોતાનાથી વિપરીત સ્વભાવવાળી વ્યક્તિમાં આકર્ષણ માલૂમ પડે છે. આ વિપરીતનુ આકર્ષણ બધી જગ્યાએ હોય છે. ત્યાગીઓની પાસે મોટે ભાગે લોભિયાઓ એકઠા થઇ જાય છે. ક્રોધી લોકો હંમેશા અક્રોધી ગુરુની તલાશમાં હોય છે.
જો તમે કદાપિ કોઈની ઉપર પ્રેમ ના કર્યો હોય - જો તમને પ્રેમનો કોઈ અનુભવ જ ના હોય - અગર તો પ્રેમ કરનારાઓ જો તમને પાગલ લાગતા હોય તો ભક્તિનો માર્ગ તમારે માટે નકામો છે. પ્રેમની પાછળ તમે તમારું સર્વસ્વ ગુમાવવા તૈયાર હો - રાજી હો તો ભક્તિમાર્ગ તમારે માટે સરળ છે.
જો તમારો નિજી ઝુકાવ તમારી અંદર સાક્ષીભાવ તરફ હોય - તમારી અંદર કોઈ સાંસારિક ચિંતનની ધારા ના હોય - તમામ ઇન્દ્રિયો દ્રષ્ટાપદે - સાક્ષીભાવથી સંયમિત હોય - સર્વત્ર સમબુદ્ધિ કેળવાયેલી હોય - અને એક નહીં પરંતુ તમામ ભૂત પ્રાણીમાત્રના હિતમાં તમારું લક્ષ્ય હોય તો (સન્નિયમ્ય ઈન્દ્રિયગ્રામમ્ - સર્વત્ર સમબુદ્ધયઃ સર્વભૂતહિતે રત: હોય તો ) આવી નિર્વિકલ્પ - નિર્વિચાર સ્થિતિમાં તમારું નિર્ગુણ નિરાકાર સાથે મિલન થવામાં વાર નહીં લાગે - પરંતુ જો તમારી અંદર પ્રેમ જ પ્રેમ હોય - ઉન્મત્ત પ્રેમ - વિક્ષિપ્ત પ્રેમ - ઉબળતો પ્રેમ હોય તો તમારું સગુણ સાકાર સાથે મિલન થતા વાર નહીં લાગે.
મુખ્ય વાત તમે શું છો - તમે ક્યાં છો - તમારી શી કક્ષા છે - શું હેસિયત છે - તેનો પૂરો ખ્યાલ કરીને તેને અનુરૂપ તમે માર્ગ પકડો તો તે માર્ગ તમને પૂર્ણતા સુધી પહોંચાડી દેશે.
સંસારમાં નથી ફસાયો ત્યાં સુધી સંસારમાં સુખ દેખાય છે. સંસારમાં પડે ત્યારે અનુભવ થાય છે કે સંસાર દુઃખમય છે (દુઃખાલયમ્ અશાશ્વતમ્ અનિત્યમ્ અસુખં લોકમ્ છે) આ અનુભવ કરવા માટે પણ માણસે સંસારમાં પડવું ખાસ જરૂરી છે.