Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧૨

ભક્તિયોગ

તેષામહં સમુદ્ધર્તા મૃત્યુસંસારસાગરાત્ ।
ભવામિ નચિરાત્પાર્થ મય્યાવેશિતચેતસામ્ ॥ ૭॥

તેષામ્ અહમ્ સમુદ્ધર્તા મૃત્યુસંસારસાગરાત્

ભવામિ નચિરાત્ પાર્થ મયિ આવેશિતચેતસામ્

અહમ્ - હું

મૃત્યુસંસારસાગરાત્ - મૃત્યુરૂપ સંસાર સાગરમાંથી

નચિરાત્ - તરત જ

સમુદ્ધર્તા ભવામિ - ઉદ્ધાર કરું છું.

પાર્થ - હે અર્જુન !

મયિ - મારામાં

આવેશિતચેતસામ્ - એકાગ્ર ચિત્તવાળા

તેષામ્ - તેઓનો

નિર્ગુણ બ્રહ્મમાં આસક્ત મનવાળા તેઓને પરિશ્રમ વધારે વેઠવો પડે છે. કેમ કે નિરાકાર બ્રહ્મનું જ્ઞાન દેહધારીઓ વડે મુશ્કેલીથી મેળવાય છે. પરંતુ જેઓ મારો આશ્રય કરીને સર્વ કર્મોને મારામાં અર્પણ કરીને મને જ અનન્ય ધ્યાનયોગથી ચિંતન કરતા ભજે છે. હે અર્જુન ! મારામાં એકાગ્ર ચિત્તવાળા તેઓનો હું મૃત્યુરૂપ સંસારસાગરમાંથી તરત જ ઉદ્ધાર કરું છું. (૫, ૬, ૭)

ભાવાર્થ :

શ્લોક ૫:

સચ્ચિદાનંદ નિરાકાર બ્રહ્મમાં આસક્ત થયેલા ચિત્તવાળા પુરુષોના સાધનમાં ક્લેશ અર્થાત વિશેષ પરિશ્રમ છે. કારણ કે દેહાભિમાનીઓમાં અવ્યક્ત વિષયક ગતિ દુઃખપૂર્વક પ્રાપ્ત કરાતી હોય છે. એટલે કે જ્યાં સુધી શરીરમાં અભિમાન છે - અધ્યાસ છે - ત્યાં સુધી શુદ્ધ સચ્ચિદાનંદઘન નિરાકાર બ્રહ્મમાં સ્થિતિ કરવી કઠણ છે. પરંતુ પરમાત્મા પરાયણ થયેલો ભક્તજન સંપૂર્ણ કર્મોને પરમાત્મામાં અર્પણ કરીને સગુણ સ્વરૂપ પરમાત્માને જ અનન્ય ભક્તિયોગથી નિરંતર ચિંતન કરતા ભજે છે. તેનો પરમાત્મા શીઘ્ર ઉદ્ધાર કરે છે.

જે નિર્ગુણ નિરાકાર શૂન્યની ઉપાસના કરે છે તે પણ પહોંચી જાય છે અને પરમશૂન્ય પરમાત્માને ઉપલબ્ધ થઇ જાય છે. પરંતુ તેમનો માર્ગ કઠણ છે - દુર્ગમ છે કારણ કે તે માર્ગની યાત્રામાં તે એકલો જ હોય છે અને માર્ગ ગહન - અંધારિયો હોય છે. તેમાં જગતનો કોઈ પ્રકાશ હોતો નથી. - કોઈ પરમાત્મા - કોઈ પરમાત્માની ધારણા પણ હોતી નથી. બધું જ abstract હોય છે. એકલો પડે ત્યારે જેને એકલતા ના લાગે પરંતુ એકતા લાગે તે જ જ્ઞાની ભક્ત થઇ શકે.

જયારે ભક્તિનો માર્ગ છે તેમાં પરમાત્માનો સાથ હોય છે. હું અને મારા ભગવાન - બે હોય છે. એકલો હોતો નથી.

નિરાકાર આત્યંતિક સાધનામાં તો ગુરુ પણ સાથી ના થાય. ગુરુ પણ બાધારૂપ થાય. આ માર્ગમાં પરમાત્મા પ્રત્યે સમર્પણ ના હોય તો તે એકલાપણામાં અહંકાર પેદા થવાની સંભાવના પણ ખરી અને આ અહંકારની અક્કડ મટાડનાર કોઈ હોતું નથી. મંજિલ ઉપર પહોંચતા પહેલા 'અહમ બ્રહ્માસ્મિ" બોલવા જતા કદાચ એવો અહંકાર આવી જાય કે બસ હું જ છું. હવે બ્રહ્મ વગર કોઈ છે જ નહીં. તો આ અહંકાર ખતરનાક બની જાય.

શ્લોક ૬

જયારે ભક્તિમાં એક સુવિધા છે. ભક્ત પહેલે જ પગથિયે અહંકાર છોડી દે છે. અને પરમાત્માની શરણાગતિ સ્વીકારી લે છે. જ્ઞાનીનો અહંકાર છેલ્લે પગથિયે છૂટી જાય છે. ભક્ત પોતાના તમામ કર્મો પરમાત્માને સમર્પિત કરી દે છે અને તેનો અહંકાર તે જ વખતે નષ્ટ થઇ જાય છે, અને જ્યાં અહંકારનો - અસ્મિતાનો બોજો હળવો થઇ જાય તે જ ક્ષણે તેનો ઉદ્ધાર શરુ થઇ જાય છે.

શ્લોક ૭

તેષામ્ અહમ્ સમુદ્ધર્તા - હું તેમનો ઉદ્ધાર કરું છું તેનો ખરો અર્થ એ છે કે અહંકારનો બોજો ખતમ થઇ જતાંની સાથે જ ભક્તનો ઉદ્ધાર આપોઆપ થઇ જાય છે - આ નિયમ છે. ભગવાન ક્યાંય ઉપર બેઠો નથી જે તમને કોઈ દોરડે બાંધીને તમને મૃત્યુ સંસારસાગરમાંથી બહાર ખેંચી કાઢે - ઉદ્ધાર કરે. અહંકારનું Gravitation છૂટે કે તરત જ પરમાત્માના પ્રેમનું Levitation નિયમ પ્રમાણે કામ કરે જ. ભક્તનો આપોઆપ જ ઉદ્ધાર થાય. તેથી તો ભગવાને કહ્યું છે કે -

ઉદ્ધરેત્ આત્મના આત્માનમ્ (ગીતા - ૬/૫)

તમારો ઉદ્ધાર તમે જ કરો - તમારા જ હાથમાં છે. તમે અહંકાર છોડી દો કે તરત જ તમારો ઉદ્ધાર આપોઆપ જ થાય - ન ચિરાત્ એટલે શીઘ્રતાથી કારણ કે પહેલા જ ચરણમાં ભક્તનો અહંકાર ગલિત થઇ જાય છે. જયારે જ્ઞાનીનો અહંકાર છેલ્લા ચરણમાં સમાપ્ત થાય છે. તમે જેટલી ઝડપથી અહંકાર છોડો તેટલી ઝડપથી તમારો ઉદ્ધાર થાય. તમારું આત્મિક ઉત્થાન તમારા અહંકારના બોજને લીધે જ અટક્યું છે.

મયિ આવેશિત ચેતસામ્

મારામાં ચિત્ત લગાડનાર ભક્તનો હું તાત્કાલિક ઉદ્ધાર કરું છું, પરંતુ મારામાં ચિત્ત લગાડે તો. સૂર્યનારાયણ કહે છે કે જે પોતાના ઘરની બારી ઉઘાડે છે તેના ઘરમાં હું તાત્કાલિક પ્રવેશ કરું છું. પરંતુ તમે બારી ઉઘાડો જ નહીં તો હું પ્રવેશ કેવી રીતે કરું? પરમાત્મા તો ઉદ્ધાર કરવા સદાકાળ ઘણા જ ઉત્સુક છે પરંતુ તમે પરમાત્મામાં મન લગાડવાને બદલે ચોવીસે કલાક સંસારમાં જ મન લગાડી રાખો તો પરમાત્મા કેવી રીતે ઉદ્ધાર કરે? પરમાત્મા તો ઉદ્ધાર કરવા માટે સામે જ ઉભા છે તેની કરુણા તો સતત ચોવીસે કલાક વરસતી જ હોય છે. પરંતુ તમારું તગારું જ ઊંધું છે. પછી પાણી કેવી રીતે ભરાય? તમારો ઉદ્ધાર અટક્યો છે તે પરમાત્માને કારણે નહીં, પરંતુ માત્ર તમારા જ કારણે. તમારો જ દોષ છે, પરમાત્માનો નહીં.

માણસ પોતાનો અહંકાર છોડી દે તો તાત્કાલિક પરમાત્મા ઉદ્ધાર કરવા તૈયાર છે. માણસ પંચકોષમાંથી અધ્યાસ - અહંકાર છોડી દે અને પંચકોષના આવરણમાંથી મુક્ત થાય તે જ ક્ષણે તેનો પરમાત્મા સાથે ભેટો થઇ જાય. અનાવરણ સ્થિતિ - દિગંબર સ્થિતિ થતાની સાથે જ તે પરમાત્મ-સ્વરૂપ થઇ જાય. માણસ નગ્ન થઇ શકે છે પરંતુ દિગંબર થઇ શકતો નથી. નગ્ન થવું સહેલું છે પરંતુ દિગંબર થવું મુશ્કેલ છે. નરસિંહ - મીરા - તુકારામ - દિગંબર થઇ શક્યા. વસ્ત્રાહરણલીલા તે ભક્તિમાર્ગની સંન્યાસિનીઓ - આચાર્યાઓ - ગોપીઓને નગ્ન કરવા માટે નહીં પરંતુ તેમને દિગંબર(દેહાધ્યાસથી મુક્ત) કરવા માટેની લીલા છે. ભક્ત દેહાધ્યાસ વગેરે પંચકોષના અધ્યાસ - અહંકારથી મુક્ત થાય તે ભક્તિમાર્ગનું પહેલું પગથિયું છે.

1

2

3

11

12

13

4

14

5

15

6

16

7

17

8

18

9

19

10

20