(માટે) તું મારામાં જ મન ધારણ કર અને મારામાં બુદ્ધિ પરોવ; એ પછી તું મારામાં જ રહીશ; (એમાં) સંશય નથી. (૮)
ભાવાર્થ :
માણસ તેની ચારેકોરની અસ્મિતા - અહંકારની દીવાલો તોડી નાખે તે જ ક્ષણે તે જ્યાં હોય ત્યાં જ તેને મુક્તિનો - ઉદ્ધારનો અનુભવ થાય. અહંકાર છૂટે ત્યાં જ તે સંપૂર્ણપણે સમર્પિત થઇ જાય અને સમર્પણે માનવી દેવ થઇ શકે.
જે દિવસે ભક્તની તત્પરતા - ઉત્સુકતા જાગે તે દિવસે ભગવાન ભક્તના હૃદયમાં બિરાજમાન થાય. એટલું જ નહીં ભક્ત પણ ભગવાનના હૃદયમાં બિરાજમાન થાય.
કબીરે કહ્યું કે પહેલા હું "હરિ ક્યાં છે, હરિ ક્યાં છે' એમ હરિને ખોળવા હું હરિની પાછળ દોડતો હતો. પરંતુ હવે ઉલટી સ્થિતિ થઇ છે. "હરિ લાગૈ પીછે ફીરે કહત કબીર કબીર." હવે હરિ પોતે "કબીર ક્યાં છે કબીર ક્યાં છે" એમ કહેતા મારી પાછળ ફરે છે. શબરી ભગવાનને ખોળવા અયોધ્યા નહોતી ગઈ. ભગવાન શબરીને ખોળતા ખોળતા શબરીને ઘેર નંગા - ઉઘાડા પગે ગયા હતા.