Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧૨

ભક્તિયોગ

અથૈતદપ્યશક્તોઽસિ કર્તું મદ્યોગમાશ્રિતઃ ।
સર્વકર્મફલત્યાગં તતઃ કુરુ યતાત્મવાન્ ॥ ૧૧॥

અથ એતત્ અપિ અશક્ત: અસિ કર્તુમ્ મત્ યોગમ્

આશ્રિતઃ સર્વકર્મફલત્યાગમ્ તતઃ કુરુ યતાત્મવાન્

મદ્યોગમ્ આશ્રિતઃ - મારા યોગને આશ્રય કરીને (મારુ શરણ

લઈ સર્વકર્મો મને અર્પણ કરીને)

સર્વકર્મફલત્યાગમ્ - સર્વ કર્મોના ફળનો ત્યાગ

કુરુ - કર

અથ - અથવા

એતત્ - એ (ભાગવત ધર્મો)

અપિ - પણ

કર્તુમ્ - કરવાને (આચરવાને)

અશક્ત: અસિ - અશક્ત હોય,

તતઃ - તો

યતાત્મવાન્ - મન -ઇન્દ્રિયો જીતીને

જો એ કરવાને પણ તું અશક્ત છે, તો મારા (માટેના કર્મ) યોગનો આશ્રય કરી, વશ કરેલા ચિત્તવાળાઓ થઇ સર્વ કર્મફળનો ત્યાગ કર. (૧૧)

ભાવાર્થ:

(૧) મારામાં ચિત્ત સ્થિર ન કરી શકાય તો

(૨) યમ - નિયમ - આસાન - પ્રાણાયામ - શીર્ષાસન વગેરે અષ્ટાંગયોગના અભ્યાસ દ્વારા તું મને પ્રાપ્ત કરવાની ઈચ્છા કર (શ્લોક ૯)

(૩) તેમ ના કરી શકે તો તું માત્ર મારા માટે - મારા રાજીપા માટે તું મને પરાયણ થઈને કર્મ કર (શ્લોક ૧૦)

(૪) તેમ પણ ના કરી શકે તો તારા તમામ કર્મોના ફળનો ત્યાગ કરીને મને સમર્પિત થઇ જા. (શ્લોક ૧૧)

શ્લોક ૯

અથ ચિત્તં સમાધાતું ન શક્નોષિ મયિ સ્થિરમ્ ।

પરમાત્મામાં ચિત્ત કેમ સ્થિર રીતે પરોવાયેલું રહેતું નથી? સાંસારિક ભૌતિક ઇન્દ્રિયજન્ય વિષયોમાં કેવી રીતે પરોવાયેલું રહે છે? બાળકનું ચિત્ત રમતમાં કેમ પરોવાય છે? કોઈની નિંદા સાંભળવામાં કે સિનેમા જોવામાં કે ક્લબમાં પત્તાં રમવામાં ચિત્ત કેવી રીતે પરોવાય છે? કારણ કે તેમાં રસ પડે છે. પરમાત્મામાં તમને રસ નથી. કારણ કે એ રસ તમે ચાખ્યો જ નથી. ઇન્દ્રિયજન્ય સુખો અને વિષયોની નિરર્થકતા સમજાય અને તેને માટેની ભ્રમણા ભાગે ત્યારે પરમાત્મામાં ચિત્તની સ્થિરતા - સુરતા લાગે.

સુરતા લાગી રે જેની ભ્રમણાઓ ભાગી

સુરતા લાગી રે જેની ભ્રમણાઓ ભાગી - તેની સુરતા રે લાગી

મચ્છને જળની સાથે પ્રીત બંધાણી

મરતા લગી રે જેની તૃષ્ણા નવ ત્યાગી - તેની સુરતા રે લાગી

પતંગને દીપક સાથે પ્રીત બંધાણી

તન મન અર્પી જેણે દેહ દમી છે - તેની સુરતા રે લાગી

નટે રે ખેલ રચીયો - રચીયો ચોગાનમાં

દોર વિનાનું બીજું અવર નવ દેખે - તેની સુરતા રે લાગી

મરજીવા સંત જેણે મન વશ કીધા

પેસી સાગરમાં મોતી વીણીને લીધા - તેની સુરતા રે લાગી

તેમ છતાં જો તું મારામાં ચિત્ત ના પરોવી શકે તો પછી તું અભ્યાસરૂપ યોગ દ્વારા - અષ્ટાંગયોગની પ્રેક્ટીસ (અભ્યાસ) દ્વારા મને પ્રાપ્ત કરવા પ્રયત્ન કર.

ભક્ત તો અભ્યાસયોગ કર્યા વગર પણ પહોંચી જાય છે.

જે ભક્ત નથી થઇ શકતો તેને યોગાભ્યાસ દ્વારા જવું પડે. યોગનો અર્થ Technology - ટેકનિકનો ઉપયોગ કરવો પડે. એક બિંદુ અગર આકાર અગર મૂર્તિમાં ચિત્તની એકાગ્રતા કરવાની પ્રેક્ટીસ કરો. ધારણા - ધ્યાન વગેરેની પ્રેક્ટીસ કરો. સિદ્ધાસન - પદ્માસન વગેરે આસનો કરો. આ બધી ટેકનિક ગીતાના છઠ્ઠા અધ્યાયમાં બતાવી છે.

શ્લોક ૧૦

ઉપરોક્ત અભ્યાસયોગ કરવાનું ના ફાવે તો પછી માત્ર મારા માટે જ કર્મ કરવા મારા પરાયણ થઇ જા. "મત્કર્મ પરમો ભવ" - ભક્તિયોગ કઠણ પડે તો ધ્યાનયોગ કર. ધ્યાનયોગનો અર્થ છે - યોગની સાધના - અભ્યાસ. ધ્યાનયોગ કઠણ પડે તો - કર્મયોગ કર. એટલે કે નિષ્કામ કર્મમાં પ્રવૃત થઇ જા. પરંતુ કઠપૂતળી બનીને તમામ કર્મ કરવામાં અહંકાર આડો આવશે. કઠપૂતળી અહંકાર નથી કરતી. તેવી જ રીતે તારે પણ કર્તાપણાના અહંકાર સિવાય, રાગદ્વેષથી પ્રેરાયા સિવાય, નિષ્કામ કર્મ કરવા પડે. તું તારા બધા કર્મો મને સમર્પિત કરી દે એટલે કે માત્ર મારા રાજીપા માટે જ તમામ કર્મો કર. તું આમ માની લે કે તારી અંદર હું જ બધા કર્મો કરી રહ્યો છું. તું માત્ર કઠપૂતળી (દારૂ જોષીત) બની જા. તું એમ જ માન કે -

ઉમા દારૂ જોષીત કી નાઈ, સબહિ નચાવત રામ ગોસાઈ

નટ મર્કટ ઇવ સબહિ નચાવત, રામુ ખગેશ બેદ અસ ગાવત.

શ્લોક ૧૧

આવી રીતે નિષ્કામ કર્મ કરવાનું કઠણ પડે તો પછી ભલે સકામ કર્મ કર. પરંતુ તે તમામ સકામ કર્મોના ફળનો મારે માટે ત્યાગ કર. એટલે કે સકામ કર્મોના ફળમાં યોગ્ય લાગશે તે પ્રમાણે તારી લાયકાત મુજબ ફળનો દાતા હું છું. તેમ તું માનજે. કર્મના ફળ તો તને અવશ્ય મળશે પરંતુ તું તો માત્ર તારું નિયત કર્મ કરવામાં જ ધ્યાન રાખ. ફળ મળશે કે નહીં મળે અગર તો કેટલું મળશે તેની ચિંતા તું છોડી દે. કર્મનો ફળદાતા હું બેઠો છું તે હું તને તારી લાયકાત મુજબ યોગ્ય સમયે અને યોગ્ય સ્થાને હું તો આપીશ. તું ઉતાવળો ના થઈશ. તું માત્ર તારા નિયત કર્મમાં જ ધ્યાન રાખ.

નિયતં કુરુ કર્મ ત્વં કર્મ જ્યાયો હિ અકર્મણઃ ।

શરીરયાત્રાપિ ચ તે ન પ્રસિદ્ધ્યેત્ અકર્મણઃ ॥ (ગીતા - ૩/૮)

ગામઠી ગીતામાં એક સંત લખે છે -

કરમની વાત બધી આપણા હાથમાં, ને ફળની નહીં એક કણી

અરજણિયા ફળની નહીં એક કણી

ઈમના હોય તો બધાય થઇ બેહે, ઓલ્યા દિલ્લી (દિલ્હી) તે શહેરના ધણી

અરજણિયા મેલને મૂરખાવેડા

(માટે) ઊંધું ઘાલીને જા કર્મ ઠરઈડયને, ફળની કર મા ફકર

અરજણિયા ફળની કર મા ફકર

ફળનો દેનારો ઓલ્યો બેઠો પરભુડિયો, એ નથી તારા બાપનો નોકર

અરજણિયા મેલને મૂરખાવેડા

મોટા મોટા મહાતમા ને મોટા મોટા પુરષ (પુરુષ), જીણે વાસ્યનામાં મેલ્યો પૂળો

અરજણિયા વાસ્યના(વાસના)માં મેલ્યો પૂળો

અલ્યા એવા એ જગત હતું કરમ ઠહઈડે, પછે તું તે ચેઈ વાડીનો મૂળો

અરજણિયા મેલને મૂરખાવેડા

1

2

3

11

12

13

4

14

5

15

6

16

7

17

8

18

9

19

10

20