નિંદા અને સ્તુતિમાં સમાન રહેનારો, મનનશીલ, અનાયાસે જે કોઈ વસ્તુથી સંતોષ પામનારો (અને) ઘરમાં મમતારહિત છે, તે સ્થિરબુદ્ધિ ભક્ત પુરુષ મને પ્રિય છે. (૧૯)
ભાવાર્થ:
તુલ્ય નિંદા સ્તુતિ:
નિંદા કરનારા વગર પગારે ગાંઠના રોટલા ખાઈને તમારી નિંદા કરવા મળી રહે છે. તે ભગવદ્દકૃપા ગણાય. તમારા જ પડોસીઓ અને પિતરાઈઓ તમારી નિંદા કરવા તૈયાર છે તેમનો તમારે ઉપકાર માનવો જોઈએ. કારણ કે તે લોકો તમારા દોષો તમને તમારા માથામાંથી જૂ - લીખો વીણી વીણીને બતાવે તેવી રીતે બતાવશે તેથી તમને આત્મનિરીક્ષણ કરવાની તક મળશે અને તમારો અહંકાર ઘાયલ થશે. તેનાથી તમને ઘણો મોટો લાભ થશે.
સ્તુતિ સાંભળવી ગમે છે કારણકે તેનાથી અહંકાર પુષ્ટ થાય છે. નિંદા સાંભળવી નથી ગમતી કારણ કે તેનાથી અહંકાર ઘવાય છે. તમારા અહંકારને ફોસલાવીને તમને ફુલણજી બનાવીને પોતાનો સ્વાર્થ સાધી લેનારા લોકો તે તમારા સ્તુતિકારો નથી. પરંતુ ખુશામતખોરો - ચમચાઓ છે. તેઓનાથી ચેતતા રહેવું. આપણે ખુશામતને સ્તુતિ માની બેઠા છીએ. કાણાને કાણો કહેવો તે નિંદા નથી પરંતુ કાણાને કમલલોચન કહેવો તે નરાતર ખુશામત છે. અને તે ખુશામતખોર પોતે જ આંધળો હોવો જોઈએ - સ્વાર્થાંધ હોવો જોઈએ. કાણાને કાણો કહેવાથી તેને દુઃખ થાય છે. નિંદા સાચી હોવા છતાં દુઃખ થાય છે અને સ્તુતિ જૂઠી હોવા છતાં આપણને તે ગમે છે અને તેનાથી સુખ થાય છે. કારણ કે તેનાથી આપણો અહંકાર પુષ્ટ થાય છે. આ આપણી કમજોરી છે. કારણ કે તેના મૂળમાં આપણો અહંકાર છે. પરંતુ જેનામાંથી અહંકાર વિસર્જિત થઇ ગયો છે - જે નિરહંકારી છે - તેવા માણસને માટે તો તેની સ્તુતિ પણ વ્યર્થ છે અને તેની નિંદા પણ વ્યર્થ છે.
મૌની
વાણી ઉપર સંયમવાળો
જેની તમામ ઇન્દ્રિયો તેમના વિષયો પ્રત્યે મૌન (નિષ્કામ) થઇ ગઈ છે તે મૌની કહેવાય.
સંતુષ્ટો યેનકેનચિત્
યદૃચ્છાલાભસન્તુષ્ટો દ્વન્દ્વાતીતો વિમત્સરઃ ।
સમઃ સિદ્ધાવસિદ્ધૌ ચ કૃત્વાપિ ન નિબધ્યતે ॥ ( ગીતા - ૪/૨૨)
કહહુ ભગતિ પથ કવન પ્રયાસા, જોગ ન જપ તપ વ્રત ઉપવાસા.
સરલ સુભાવ ન મન કુટિલાઇ, જથા લાભ સંતોષ દ્રઢાઈ.
(ઉત્તર કાંડ - ૪૫/૧-૨)
જેહિ બિધિ રાખે રામ તેહિ બિધિ રહીએ
જેહિ જસ રઘુપતિ કરહિ જબ સો તસ તેહિ ક્ષણ હોઈ
(બાલકાંડ - ૧૨૪ (ક))
અનિકેત:
કોઈ એક સ્થાનમાં આસક્તિ નહીં.
આખી દુનિયાને પોતાનું ઘર માને અને પોતાના ઘરને પણ પરમાત્માનું ઘર માને.
સ્થિરમતિ:
જેની બુદ્ધિ ડામાડોળ નથી, જે સ્થિતપ્રજ્ઞ છે.
જેની વ્યવસાયાત્મિકા બુદ્ધિ છે તેવો ભક્ત.