Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧૨

ભક્તિયોગ

શ્રેયો હિ જ્ઞાનમભ્યાસાજ્જ્ઞાનાદ્ધ્યાનં વિશિષ્યતે ।
ધ્યાનાત્કર્મફલત્યાગસ્ત્યાગાચ્છાન્તિરનન્તરમ્ ॥ ૧૨॥

શ્રેય: હિ જ્ઞાનમ્ અભ્યાસાત્ જ્ઞાનાત્ ધ્યાનમ્ વિશિષ્યતે

ધ્યાનાત્ કર્મફલત્યાગ: ત્યાગાત્ શાન્તિ: અનન્તરમ્

ધ્યાનાત્ - ધ્યાન કરતા

કર્મફલત્યાગ: - કર્મફળનો ત્યાગ (શ્રેષ્ઠ છે; કારણ કે)

ત્યાગાત્ - ત્યાગથી

અનન્તરમ્ - તત્કાલ જ

શાન્તિ: - શાંતિ (મળે જ)

હિ - કેમ કે

અભ્યાસાત્ - અભ્યાસ કરતા

જ્ઞાનમ્ - (પરોક્ષ) જ્ઞાન

શ્રેય: - શ્રેષ્ઠ (છે)

જ્ઞાનાત્ - જ્ઞાન કરતા

ધ્યાનમ્ - ધ્યાન

વિશિષ્યતે - શ્રેષ્ઠ છે; (તથા)

કેમ કે (પૂર્વોક્ત) અભ્યાસ કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે, જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ છે, ધ્યાન કરતા સર્વ કર્મોના ફળનો ત્યાગ શ્રેષ્ઠ છે; (એ કર્મફળનાં) ત્યાગથી શાંતિ પ્રાપ્ત થાય છે. (૧૨)

ભાવાર્થ:

(૧) મર્મને જાણ્યા વગર - મર્મને નહીં જાણીને કરેલો અભ્યાસ (શીર્ષાસન - પ્રાણાયમ વગેરે) તું જે કરું તેના કરતા

(૨) પરોક્ષ જ્ઞાન (શાસ્ત્રજ્ઞાન) શ્રેષ્ઠ છે.

(૩) પરોક્ષ જ્ઞાન (શાસ્ત્રજ્ઞાન) કરતા પરમાત્માના સ્વરૂપનું ધ્યાન શ્રેષ્ઠ છે.

(૪) સ્વરૂપના ધ્યાન કરતા તમામ કર્મોના ફળનો મારા માટે ત્યાગ કરવો તે શ્રેષ્ઠ છે.

(૧-૨) શ્રેયો હિ જ્ઞાનમ અભ્યાસાત

અષ્ટાંગયોગનો અભ્યાસ (શીર્ષાસન - પ્રાણાયામ વગેરે) ક્રિયાકર્મનો મર્મ સમજ્યા વગર તેમાં પ્રવૃત થવું તેના કરતા પરોક્ષ જ્ઞાન (શાસ્ત્રજ્ઞાન) વધારે શ્રેયસ્કર છે.

અષ્ટાંગયોગમાં શીર્ષાસન - પ્રાણાયામ વગેરે ક્રિયાઓ સમજીને કરે તો જ ફાયદો થાય. નહીં તો ઉલટું નુકસાન કરે. માત્ર આસનો જ કરે, પરંતુ તેનો મર્મ ના સમજે તો તે માત્ર અંગકસરત થઇ ગણાય અને આવી અંગકસરત તો સર્કસવાળા વધારે સારી રીતે કરી શકે છે. પરંતુ તેમાં ચિત્તની એકાગ્રતાનું ધ્યેય સમજાય નહીં તો ચૂકી જવાય. શીર્ષાસન જરૂરી પણ છે. અને બિનજરૂરી પણ છે. મગજને પૂરતું લોહી મળે તેટલા પૂરતું જરૂરી, પરંતુ વધારે પડતું લોહી મળે તો બરાબર ઊંઘ ના આવે અને ઇન્સોમનીયા - અનિદ્રાનો રોગ પેદા થાય.

રાત્રે સૂઈ જતી વખતે વધારે પડતું લોહી મસ્તિષ્કમાં ના જાય એટલા માટે માથાને ઊંચું ટેકવી રાખવા એક - બે ઓશિકા જરૂરિયાત મુજબ માથે મૂકવા પડે છે. એવી જ રીતે અષ્ટાંગયોગની તમામ ક્રિયાઓનો મર્મ સમજ્યા વગર તેનો અભ્યાસ કરવા કરતા પરોક્ષ જ્ઞાન (શાસ્ત્રજ્ઞાન) વધારે શ્રેયસ્કર છે. તમને પૂરેપૂરી જાણકારી અને સમજણ ના હોય તો તેવી અષ્ટાંગયોગની પ્રક્રિયાઓના અભ્યાસમાં પ્રવૃત થવું તે નુકસાનકારક છે. સમજ્યા વગર પ્રાણાયામ કરો અને વધારે પડતો ઓક્સિજન ફેફસામાં ભેગો થઇ જાય તો કદાચ મૂર્છા આવી જાય. જીવન એ એક અત્યંત બારીક સંતુલન છે. માટે વગર સમજ્યે શીર્ષાસન - પ્રાણાયામ વગેરેના અભ્યાસમાં પડવું નહીં.

તેના કરતા પરોક્ષજ્ઞાન (શાસ્ત્રજ્ઞાન) વધારે શ્રેયસ્કર છે. શાસ્ત્રનો અર્થ છે જેણે જાણ્યું - જેણે અનુભવ્યું - પ્રયોગ કર્યો - પ્રતીતિ કરી અને પામી ગયા અને પછી તેમણે પોતાના અનુભવને લિપીબદ્ધ કર્યા - ભાષાનિબદ્ધ કર્યા તેનું નામ શાસ્ત્ર. શાસ્ત્ર બહુ વૈજ્ઞાનિક આયોજન છે. જે અજ્ઞાનીઓને લક્ષ્યમાં રાખીને લખાયેલું છે. જેમાં અનેક કૂંચીઓ Riddles બતાવેલ હોય છે. જેનો માણસ બરાબર ઉપયોગ કરી શકે અને છતાં તે કૂંચીઓ એવી રીતે અંદર છુપાયેલી હોય છે કે જે ગલત આદમીના હાથમાં ના આવી જાય.

ગલત આદમીના હાથમાં શાસ્ત્રજ્ઞાન આવી જાય તો બાળકના હાથમાં તલવાર આપ્યા જેવી પરિસ્થિતિ સર્જાય. આઈન્સ્ટાઈનનું શાસ્ત્રજ્ઞાન સત્તાલાલચુ રાજપુરુષોના હાથમાં આવ્યું તો હીરોશીમાની ખરાબી થઇ. શાસ્ત્ર એટલે સાધારણ ચોપડી નહીં. શાસ્ત્ર એક વૈજ્ઞાનિક વ્યવસ્થા છે. અત્યારે તે કચરાપટ્ટી ચોપડીઓના ઢગલાઓમાં સાચું શાસ્ત્ર ખોવાઈ ગયું છે.

જ્ઞાનાત્ ધ્યાનમ્ વિશિષ્યતે

પરોક્ષજ્ઞાન (શાસ્ત્રજ્ઞાન) કરતા પરમાત્માના સ્વરૂપનું ધ્યાન (અપરોક્ષ અનુભૂતિ) શ્રેષ્ઠ છે. કારણ કે શાસ્ત્રમાંથી તમે ગમે તેટલું જાણો તો પણ તે તમારો નિજી અનુભવ નથી. શાસ્ત્રથી તમારી બુદ્ધિ થોડી વધી - સંગ્રહ વધ્યો - જાણકારી વધી - પરંતુ બોધ ના વધ્યો. બોધ તો સ્વાનુભવથી જ વધે.

માટે તું યોગાભ્યાસની ઉલઝનમાં ના પડીશ કારણ કે તેના મર્મને જાણ્યા વગર તેમાં ખતરો છે. શાસ્ત્રની સમજણમાં પણ ના પાડીશ કારણ કે તું ગમે તેટલું જાણીશ તો પણ તે બીજાનું જ્ઞાન છે. સેકન્ડહેન્ડ છે. બીજાના જ્ઞાનથી તારી આંખ કામ નહીં કરે. બીજાના પગથી તમે ચાલી નહીં શકો. બીજાની છાતીથી તમે શ્વાસ નહીં લઇ શકો. બીજાની પ્રજ્ઞા તમારી પ્રજ્ઞા ના બની શકે. તમારી પ્રજ્ઞા તો ત્યારે જ બને કે જયારે તમારું ધ્યાન સીધું પરમાત્મા તરફ લાગે - નહીં તો બહેતર છે કે તમામ શાસ્ત્રોના થોથા બંધ કરી દેવા.

શું થયું વેદ વ્યાકરણ ભણ્યે, શું થયું રાગ ને રંગ જાણ્યે

શું થયું ષડદર્શન સેવ્યા થકી, જ્યાં લગી પરબ્રહ્મને ન જાણ્યો

માટે જ્ઞાનાત્ (શાસ્ત્રાજ્ઞાનાત) ધ્યાનમ્ વિશિષ્યતે - પરંતુ પરમાત્માનું ધ્યાન - સ્મરણ કેવી રીતે કરશો. તેમાં શું કરશો? - શું કરવું પડે? તેની એક સહેલી રીત સમજો.

તેમાં કશુંય કરવાનું નથી. કરો છો તે પણ નહીં કરવાનું. માત્ર શરીર - મન - બુદ્ધિ બધું Relax કરી દો - શિથિલ કરી દો - Neutral કરી દો - જરાપણ શરીરનું હલનચલન નહીં - વિચારોનું Tension (તણાવ) નહીં - Nerves જરાપણ strained નહીં - સ્નાયુઓ તમામ ઢીલા - બુદ્ધિ બિલકુલ શાંત - શ્વાસ પણ તમે લેશો નહીં - એની મેળે શ્વાસ ચાલતો હોય તેટલો ચાલવા દો. તમે જાણે કે મડદું હો તેમ લેટી જાઓ. બિલકુલ શાંત થઇ જાઓ. જાણે કે તમે છો જ નહીં. આવી શૂન્યાવસ્થામાં પછી તમને જે ઇષ્ટ હોય તે મૂર્તિ અને મંત્રનું સ્મરણ રટણ કરો. બસ, એ મૂર્તિ અને એ મંત્રનું મનમાં સતત ગુંજન થયા કરે. જેટલો સમય મળે તેટલી વખત આવી પ્રેક્ટીસ કરો અને સમયનો ગાળો વધારતા જાઓ. આવી રીતે પ્રેક્ટીસ કરતા કરતા તમે ચિત્તને પરમાત્મામાં સહજ રીતે સ્થિર કરી શકશો ત્યારે તમને છેવટે અપરોક્ષાનૂભૂતિની ઝલક - રસાસ્વાદ આવશે.

ધ્યાનાત્ કર્મફલત્યાગ: (વિશિષ્યતે)

ઉપરોક્ત કોઈ ઉપાય ના કરી શકો તો છેવટે છેલ્લો ઉપાય છે. તમે સાંસારિક તમામ સકામ નિયત કર્મો કરતા રહો અને તેના ફળનો પરમાત્મા માટે ત્યાગ કરો - કારણ કે કર્મ કરવું તમારા હાથમાં છે. (કર્મણ્યેવાધિકારસ્તે) પરંતુ તેનું ફળ ક્યારે આપવું, કેટલું આપવું, કેવી રીતે આપવું, આપવું કે ના આપવું તે બધું ઈશ્વરના હાથમાં જ છે. તમારા હાથમાં છે જ નહીં. માટે ફળને માટે છાતી કૂટવી નહીં. છાતી કૂટશો તો ય કાંઈ વળશે નહીં. માટે ફળના પ્રદાતા ઈશ્વર જ છે તેમ માનીને તમારું નિયત કર્મ કર્યા કરો. તે જોનારો અને તેના લેખાજોખા કરનારો ઈશ્વર બેઠો છે.

તે ઘણો ન્યાયી અને દયાળુ છે. તે આપે ત્યારે તે આપે તેટલું ભગવદ્દપ્રસાદી માનીને પ્રેમથી સ્વીકારી લો. તો તમે જરૂરથી અનન્તરમ્ શાન્તિમ્ પામશો. In the end, the most important thing to attain in life is peace of mind. માનસિક શાંતિ ગુમાવીને તમે કરોડો પેદા કરો તે બધું તુચ્છ છે. બધો બોજો ઈશ્વરને માથે મૂકીને તમે શાંતચિત્તે તમારું કામ કરો.

અબ સૌંપ દીયા ઇસ જીવનકા સબ ભાર તુમ્હારે હાથો મેં.

ત્યાગાત્ શાન્તિ: અનન્તરમ્

ત્યાગનો અર્થ ફેંકી દેવું નહીં, ત્યાગનો અર્થ ભગવદ્પ્રીત્યર્થે - પરમાત્માના રાજીપા માટે હું મારુ જે નિયત કર્મ છે તે સ્વાન્તઃ સુખાય સંતોષકારક રીતે કર્યા કરું અને તેના બદલામાં મારી અપેક્ષા - ધારણા મુજબના કર્મફળની વાસના - કામના - સ્પૃહાનો ત્યાગ કરીને પરમાત્માને જો યોગ્ય લાગે તો, જયારે યોગ્ય લાગે ત્યારે, જેટલું યોગ્ય લાગે તેટલું, જેવી રીતે યોગ્ય લાગે તેવી રીતે - મને જે કાંઈ આપે - અપાવે તેટલામાં જ, ફળની મનમાં આસક્તિના ત્યાગ સહિત સંતોષ - શાન્તિ માનું.

આવી શાંતિ પ્રાપ્ત કરનાર કર્મયોગી ભક્તોના લક્ષણો શ્લોક ૧૩ થી ૨૦ - ૮ શ્લોકોમાં પરમાત્માએ બતાવ્યા છે. આ ૮ શ્લોકોને અમૃતાષ્ટક કહે છે.

1

2

3

11

12

13

4

14

5

15

6

16

7

17

8

18

9

19

10

20