Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧૨

ભક્તિયોગ

યસ્માન્નોદ્વિજતે લોકો લોકાન્નોદ્વિજતે ચ યઃ ।
હર્ષામર્ષભયોદ્વેગૈર્મુક્તો યઃ સ ચ મે પ્રિયઃ ॥ ૧૫॥

યસ્માત્ ન ઉદ્વિજતે લોક: લોકાત્ ન્ ઉદ્વિજતે ચ યઃ

હર્ષ અમર્ષ ભય ઉદ્વેગૈ: મુક્ત: યઃ સ ચ મે પ્રિયઃ

અમર્ષ - મત્સર (પારકાની ઉન્નતિને સહન ન કરવી તે)

ભય - ભય (અને)

ઉદ્વેગૈ: - ઉદ્વેગથી

મુક્ત: - રહિત (છે)

સ: - તે (ભક્ત)

મે - મને

પ્રિયઃ - પ્રિય છે.

યસ્માત્ - જેનાથી

લોક: - કોઈ પણ પ્રાણી

ન ઉદ્વિજતે - સંતાપ પામતું નથી.

ચ - તથા

યઃ - જે (પોતે)

લોકાત્ - કોઈ પણ પ્રાણીથી

ન્ ઉદ્વિજતે - ઉદ્વેગ પામતો નથી

ચ - અને

ય: - જે

હર્ષ - હર્ષ

જેનાથી લોક ઉદ્વેગ પામતા નથી અને જે લોકથી ઉદ્વેગ પામતો નથી; તથા જે હર્ષ, ક્રોધ, ભય અને ઉદ્વેગથી રહિત છે, તે (ભક્ત) મને પ્રિય છે. (૧૫)

ભાવાર્થ:

પ્રત્યેક મનુષ્ય - સજ્જન અગર દુર્જન, આસ્તિક અગર નાસ્તિક બધા જ આનંદ (પરમાત્મા)ની ખોજમાં છે. પરંતુ દિશા ઉંધી છે અને ગતિ ધીમી છે. તેથી પરમાત્મા (આનંદ) અત્યંત દૂર પડી જાય છે. દિશા સાચી હોય અને ગતિ ઝડપી હોય તો પરમાત્મા (આનંદ) તમારી અત્યંત નજદીક છે. અમૃતાષ્ટક (શ્લોક - ૧૩ થી ૨૦) માં વર્ણવેલા ગુણો પરમાત્મા (આનંદ) તરફની દિશામાં લઈ જનારા છે. તે ગુણો જેટલી ઝડપથી વિકસે તેટલી ઝડપથી પરમાત્માની (આનંદની) પ્રાપ્તિ થાય. સૂર્ય તરફ પીઠ ફેરવીને તેનાથી ઉલટી દિશામાં ગમે તેટલી ઝડપથી દોડશો તો કરોડો વર્ષે પણ સૂર્યનો મેળાપ નહીં થાય. પરંતુ જો સૂર્યની સન્મુખ મોં કરીને માત્ર ઉભા જ રહેશો તો જ્યાં ઉભા છો ત્યા જ સૂર્યનો ભેટો થઇ જશે - Here and Now. રામ ભગવાન માનસ રામાયણમાં બોલ્યા છે કે -

સન્મુખ હોઈ જીવ મોહિ જબહિં, જન્મ કોટિ અઘ નાસહિ તબહિ. (સુંદરકાંડ - ૪૩-૪૪)

નજરો સે દેખ પ્યારે ક્યાં રૂપ હૈ તુમ્હારા

અપને કો ઢૂંઢ તનમેં મિથ્યા ફિરે ગમારા

કરમે કંગન છિપાવે ઢૂંઢને કો દૂર જાવે

ફિરકે સમીપ પાવે મનમેં કરો વિચારા

મૃગ નાભીમે સુગંધી, સૂંઘે વો ઘાસ ગંદી

દુનિયા સભી હૈ અંધી, સમજે નહીં ઈશારા

જિમી દૂધ કે મથનસે પાવોગે ઘી જતનસે

તિમી ધ્યાનકિ લગન સે પરબ્રહ્મ લે નિહારા

અમૃતાષ્ટકમાં વર્ણવેલ ગુણો તે તમારો સ્વભાવ જ છે. તમારી અંદર જ આ ગુણો પડેલા છે. ફક્ત આ ગુણોને વિકસાવવાની સાચી દિશા અને ઝડપની જરૂર છે.

યસ્માત્ ન ઉદ્વિજતે લોકો

જેનાથી કોઈને ઉદ્વેગ ના થાય તે. કૃષ્ણને માટે શિશુપાલને - કંસને ઉદ્વેગ થતો હતો, તેથી તેઓ કૃષ્ણને મારવા ફરતા હતા. જીસસ - ગાંધીજીથી લોકોને ઉદ્વેગ થયો તેથી જ લોકોએ તેમને મારી નાખ્યા. કૃષ્ણ - જીસસ - ગાંધીજી પોતાના તરફથી પોતે સામે ચાલીને કોઈને ઉદ્વેગ કરાવવા રાજી નહોતા. પરંતુ જે લોકો તેમનાથી ઉદ્વેગ પામતા હતા, તે તેમના પોતાના કારણે હાથે કરીને ઉદ્વેગ પામતા હતા. તેમાં કૃષ્ણ - ગાંધીજી - જીસસના કારણે નહીં અને તેથી તેમાં તેમની જવાબદારી નથી. કોઈને ઉદ્વેગ કરાવવાની આપણી દાનત ના હોવી જોઈએ. તેમ છતાં આપણા અસ્તિત્વથી - વ્યક્તિત્વથી બીજા કોઈને ઉદ્વેગ થતો હોય તો તે જાણે, તેની જવાબદારી આપણી નહીં. દૂધ ગરમ થતા પહેલા તપેલી ગરમ થઇ જાય તો તેને ગરમ થવા દો. તપેલીનો સ્વભાવ છે તેમાં તમારો દોષ નથી. વાતવાતમાં તપી જાય તેનું નામ તપેલી - તપેલો.

લોકાત્ ન્ ઉદ્વિજતે ચ યઃ

બીજાઓની ભૂલથી - અવળચંડાઈથી તમે ઉદ્વેગ ના કરો. તમને ના ગમતું હોય માટે બીજાઓએ પણ એવું ના કરવું એવો ખોટો દુરાગ્રહ - હઠાગ્રહ રાખશો તો ઉદ્વેગ થશે. બીજા જે કરે છે તે તેમની પ્રકૃતિ પ્રમાણે તેમની જવાબદારીથી કરે છે અને તેનું પરિણામ તેમને ભોગવવાનું છે. તેમાં તમારે કાંઈ લેવા - દેવા ના હોય અગર તો તેને માટે તમારી પાસે કોઈ ઈલાજ ના હોય તો નાહક ઉદ્વેગ કરવો નહીં. દુનિયા એની રીતે ચાલે છે.

પ્રકૃતિં યાન્તિ ભૂતાનિ નિગ્રહઃ કિં કરિષ્યતિ ॥ ( ગીતા - ૩/૩૩)

આખી દુનિયા તમારા કહેવા મુજબ અને તમારા સિદ્ધાંત મુજબ જ ચાલે તેવા હઠાગ્રહ - દુરાગ્રહથી કાંઈ ના બને - માત્ર ઉદ્વેગ થાય. બીજા લોકોને ટી.વી., રેડીઓ, સિનેમા, ક્રિકેટ, પત્તા, પતંગનો શોખ હોય જે તમને ના ગમતું હોય તો તેને માટે તમારે નાહકનો ઉદ્વેગ કરવો નહીં. દરેકની પ્રકૃતિ ભિન્નભિન્ન હોય છે. પરાઈ મૂર્ખતા કાજે મુખે ના ઝેર તું લેજે. આકડાના છોડને અત્તરથી સીંચો તો ય તેમાં ગુલાબના ફૂલ ના બેસે. સાપને ગમે તેટલું દૂધ પાઓ તો પણ તેનું ઝેર ઓછું ના થાય.

પય: પાનમ્ ભુજંગાનામ્ કેવલમ વિષ વર્ધનમ્ ||

એનો અર્થ એવો નથી કે તમારે ચૂપ બેસી રહેવું. ઘરમાં બૈરાં - છોકરાને સાડીઓ - કપડાં - પફ પાવડર - લિપસ્ટિક - અત્તર વગેરેનો શોખ હોય તો તેને માટે તમારે તેમને યોગ્ય શિખામણ અને માર્ગદર્શન આપવાની ફરજ બજાવવી. અહિંસક અસહકાર અને સવિનય કાનૂનભંગના હથિયારનો પણ યોગ્ય માત્રામાં ઉપયોગ થઇ શકે. આત્મકલ્યાણમાં ઘરના માણસ બાધક થતા હોય તો પ્રહલાદની માફક બાપનો પણ ત્યાગ થઇ શકે. ભરતની માફક માનો પણ ત્યાગ થઇ શકે. વિભીષણની માફક ભાઈનો પણ ત્યાગ થઇ શકે. નરસિંહની માફક ભાભીનો પણ ત્યાગ થઇ શકે. ભર્તૃહરિની માફક બૈરીનો પણ ત્યાગ થઇ શકે. અંગરાજાની માફક દીકરાનો પણ ત્યાગ થઇ શકે, પરંતુ તે ત્યાગમાં ઉદ્વેગ ના હોવો જોઈએ.

કેટલીક વખત ઘરમાં ઉદ્વેગ થતો હોય તો તેનો રોષ ઓફિસના કારકુન, પટાવાળા ઉપર ઠાલવે અને ઓફિસમાં બોસ તરફથી ઠપકો મળે તો તેનો રોષ નજીવા કારણો ખોળી કાઢીને પત્ની - બાળકો ઉપર ઠાલવે. આ ઉદ્વિગ્ન માનસનું પરિણામ છે. એટલો ખ્યાલ રાખવો કે તમે જાણી જોઈને કોઈના ઉદ્વેગના કારણભૂત ના બનો અને કોઈની મૂર્ખામીને તમારા ઉદ્વેગનું કારણ ના બનાવો. તો જ માનસિક શાંતિ - આનંદ મળે. તમારે માટે કોઈને નફરત થાય તેવું ના કરશો અને તમે કોઈના પ્રત્યે નફરત ના કરશો.

હર્ષ, આમર્ષ (ઈર્ષા - અદેખાઈ - ક્રોધ) ભય, ઉદ્વેગૈ: મુક્ત:

સમુદ્ર ગર્જના કરે તો પણ તેમાં રહેલા જળચર પ્રાણીઓને ભય ઉદ્વેગ થતો નથી. અને અસંખ્ય જળચર પ્રાણીઓ સમુદ્રમાં રહેવા છતાં સમુદ્રને હર્ષ - આમર્ષ - ભય - ઉદ્વેગ કાંઈ થતું નથી. તેવી રીતે ઉન્મત્ત જગતથી ભક્તને કદાપિ નફરત - ખેદ થતો નથી. અને આવા ભક્તથી જગતના લોકોને પણ ભય ઉદ્વેગ થતો નથી. જેમ શરીરમાં તમામ અવયવો એકબીજાને કષ્ટદાયી બનતા નથી. પરંતુ યથાશક્તિ મદદરૂપ થવા પ્રયત્ન કરે છે તે પ્રમાણે આખું જગત ભક્તને માટે પોતાના દેહરૂપ બની જાય છે. તેથી તે પ્રિય - અપ્રિય - ભય - ઉદ્વેગથી મુક્ત રહે છે. અભિજાતનું પહેલું લક્ષણ અભયં હોય છે. ભક્ત ભયભીત પણ નહીં - નિર્ભય પણ નહીં - અભય હોય છે. બે પ્રકારના માણસો હોય છે.

(૧) ભયભીત

(૨) નિર્ભય

બંનેને ભય તો હોય છે જ.

ભયભીત માણસ કાયર હોય છે, તે ભયને દેખીને ભાગે છે.

નિર્ભય માણસ બહાદુર હોય છે તે ભયને દેખીને સામો દોડે છે.

બંનેને ભય તો દેખાય જ છે. ભક્ત અભય છે તેથી તેને ક્યાંય ભય દેખાતો જ નથી. તેને ભય જ નથી તેથી તેને ભાગવાની અગર સામનો કરવાની જરૂર જ નથી.

1

2

3

11

12

13

4

14

5

15

6

16

7

17

8

18

9

19

10

20