જે સર્વ ભૂતોનો દ્વેષ નહીં કરનાર, મિત્રભાવે વર્તનાર, દયાળુ, મમતા વિનાનો, અહંકારરહિત, સુખદુઃખ સમાન માનનારો, ક્ષમાવાળો, સદા સંતોષી, યોગનિષ્ઠ, મન વશ રાખનારો, દ્રઢ નિશ્ચયવાળો અને મારામાં અર્પણ કરેલા મન - બુદ્ધિવાળો હોય છે, તે મારો ભક્ત મને પ્રિય છે. (૧૩-૧૪)
ભાવાર્થ: (શ્લોક - ૧૩-૧૪)
આ બે શ્લોકોમાં ભક્તનાં ૧૨ લક્ષણો બતાવ્યા છે.
(૧) અદ્વેષ્ટા સર્વભૂતાનાં
તમામ પ્રાણી માત્રમાં દ્વેષભાવથી રહિત - જ્યાં સુધી કોઈનાય ઉપર દ્વેષભાવ હશે ત્યા સુધી શાંતિ નહીં અનુભવાય. સૃષ્ટિના તમામ જડ - ચેતન પદાર્થોમાં પરમાત્મા વ્યાપ્ત છે - એવી પરમાત્મદ્રષ્ટિથી સૃષ્ટિની સાથે વ્યવહાર કરો તો જ મનમાં દ્વેષભાવ પેદા નહીં થાય. કુટુંબમાં મમત્વને કારણે પ્રેમ પેદા થાય છે. પરંતુ વહેવાર કરતી વખતે સંબંધ બગડે ત્યારે દ્વેષભાવ પેદા થાય છે. કોઈ આપણી સાથે અન્યાય કરે છે ત્યારે દ્વેષભાવ પેદા થાય છે. સગા - સંબંઘી - પાડોશી - મિત્ર પ્રત્યે જયારે આપણો પોતાનો સ્વાર્થ ટકરાય છે અગર તો તેમના તરફથી જે કાંઈ અપેક્ષા રાખી હોય તે ફળીભૂત ના થાય ત્યારે દ્વેષભાવ પેદા થાય છે તેને માટે તમારે નિસ્વાર્થ - નિસ્પૃહી - નિરપેક્ષ થવું પડે.
ઉપકારીષુ ય: સાધુ સાધુત્વે તસ્ય કો ગુણ: |
અપકારીષુ ય: સાધુ: સ સાધુ: કથ્યતે બુધૈ: ||
ઉપકાર કરનાર ઉપર તો બધાય ઉપકાર કરે પરંતુ અપકાર કરનાર ઉપર પણ જે ઉપકાર કરે તે ખરો સાધુ કહેવાય.
દા.ત. પ્રહલાદે પિતાનો દ્વેષ ના કર્યો - અંબરીષે દુર્વાસાનો દ્વેષ ના કર્યો - દ્રૌપદીએ અશ્વત્થામાનો દ્વેષ ના કર્યો - પરીક્ષિતે ઋષિકુમાર શૃંગીનો તથા તક્ષક નાગનો દ્વેષ ના કર્યો. પરંતુ જન્મેજયે દ્વેષથી સર્પયજ્ઞ કર્યો, તેથી તેને શાંતિ ના મળી. આજે અણુબોમ્બ વગેરે શસ્ત્રોના કારખાના ચલાવનારા આધુનિક જન્મેજયો શાંતિ - સુખ - ભ્રાતૃભાવ - સંસ્કૃતિ - સદાચાર - માનવતાનો સર્પયજ્ઞ કરી રહ્યા છે તેમને કદાપિ શાંતિ નહીં મળે.
આરબ ભક્ત રાબીએ એક પ્રશ્નના જવાબમાં કહેલું કે હું ઈશ્વરને પ્રેમથી ચાહું છું. પરંતુ શેતાન ઉપર હું દ્વેષ કરતો નથી કારણ કે ઈશ્વર પ્રત્યેના પ્રેમથી મારુ હૃદય એટલું બધું ભરપૂર હોય છે અને ઉભરાતું હોય છે કે તેમાં શેતાન અગર બીજા કોઈપણ પ્રત્યે દ્વેષ કરવા માટે મારા હૃદયમાં જગ્યા જ નથી.
દ્વેષ ના કરવો તે નિષેધાત્મક લક્ષણ છે, એટલે દ્વેષ નહીં કરવામાં કાંઈ કરવાપણું નથી. તેથી તેનું વિધેયાત્મક લક્ષણ હવે સાંભળો.
(૨) મૈત્ર: - સ્વાર્થરહિત બધાય ઉપર પ્રેમ
સુરનર મુનિ સબકી યહ રીતિ | સ્વાર્થ લાગી કરહી સબ પ્રીતિ ||
સ્વાર્થ યાને મતલબ વગર કોઈ આપણી સાથે સ્મિત પણ કરતુ નથી. બોણી લેવી હોય તો જ કોઈ આપણને સલામ કરે - સ્મિત કરે. સલામ કરે તો સમજી લેવું કે કાંઈક મતલબ હશે.
આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયં ભવતિ |
મતલબ વગર કોઈ દયા પણ કરતુ નથી. ભિખારીને પાંચ પૈસા આપે છે તે પણ પોતાના અહંકારને પુષ્ટ કરવા આપે છે - દયા કરવા નહીં. - સહસ્ત્રગણું પુણ્ય કમાવાના સ્વાર્થમાં એકગણું દાન કરે છે.
(૩) કરુણ : હેતુરહિત દયાળુ.
દુઃખી માણસ ઉપર દયા રાખનાર અહૈતુકી કૃપાવાન. તે સર્વભૂત અભયપ્રદ: થાય. ભગવાન કહે છે કે આવા ભક્તો મને એટલા બધા વહાલા છે કે
અનુવ્રજામિ અહમ્ નિત્યં પૂયયેતિ અંઘ્રિયરેણુભિઃ (શ્રીમદ્ ભાગવત - ૧૧/૧૪/૧૬)
આવા ભક્તોની ચરણરજથી હું પાવન થાઉં છું.
કરુણાનો ગુણ ના હોય તો મિત્રતા સિદ્ધ થઇ શકતી નથી. અને દ્વેષ છોડવામાં સફળતા પણ મળતી નથી. તુકારામ કહે છે -
ચિત્ત શુદ્ધિ તરી શત્રુ મિત્ર હોતી
મિત્રતાનો ગુણ નિષ્ક્રિય નથી હોતો. મિત્રતાનું રૂપાંતર કરુણામાં - દયાભાવ પ્રગટ થવામાં થાય છે.
પરદુઃખ દ્રવહિ સંત સુપુનિતા |
(૪) નિર્મમ: - મમતારહિત
દેહભાવ નષ્ટ થાય તો મમતા નષ્ટ થાય. ગીતા - ૨/૭૧ ના નિર્મમ: શબ્દ છે, મમતાની શરૂઆત કુટુંબથી થાય છે.
કપિ કે મમતા પૂછ પર.
આપણને એમ લાગે છે કે પ્રેમી હોય તે મમતાથી ભરેલો હોય. પરંતુ મમતા પ્રેમ નથી. પ્રેમ અને મમતામાં ઘણો ફરક છે. વહેતી નદી પ્રેમ કહેવાય. પ્રેમ એક વહેતુ ઝરણું છે. બંધિયાર પ્રેમ - સડેલો પ્રેમ તે મમતા. બંધિયાર નદી (મમતા) તે સાગર (પરમાત્મા) સુધી ના પહોંચે. પ્રેમ સદા વહેતો રહે. જે તેની નજદીક આવે તેને નવડાવે. આપણે જેની ઉપર પ્રેમ કરીએ છીએ તેનામાં જ મમતાથી ફસાઈએ છીએ. અને મમતા છોડી દઈએ તો તેની સાથે પ્રેમ પણ છોડી દઈએ છીએ. આ આપણી મુશ્કેલી છે. માત્ર પોતાના દીકરા ઉપર પ્રેમ કરે અને પાડોશીના દીકરા ઉપર ના કરે તો તે મમતામાં ડૂબેલો ગંધાતો પ્રેમ છે. અગર તો મનુષ્ય ઉપર પ્રેમ કરે પરંતુ પશુપક્ષી ઉપર પ્રેમ ના કરે તો તે પણ મમતાથી ગંધાતો પ્રેમ છે. પ્રેમ બધે જ વહેતો હોય, તે કદાપિ બંધિયાર ના હોય. જયારે મમતા તે બંધીયાર પ્રેમ છે. જેનું ખરું સ્વરૂપ મોહ છે. જે દરેક વ્યાધિનું મૂળ છે.
મોહ સકલ બ્યાધિન્હ કર મૂલા | તિન્હ તે પુનિ ઉપજહિ સબ સૂલા ||
(માનસ - ઉત્તરકાંડ - ૧૨૦ - ૧૨૧)
(૫) નિરહંકાર
જેમ જેમ પ્રેમ વહેતો જાય તેમ તેમ અહંકાર વિસર્જિત થતો જાય. પ્રેમ વહેવા માંડે ત્યારે અહંકાર પીગળવા માંડે. પ્રેમ અને અહંકારમાં એક જ શક્તિ - ઉર્જા કામ કરે છે. પરંતુ દિશા જુદી છે. જેમ જેમ પ્રેમનો ફેલાવ વધતો જાય તેમ તેમ અહંકાર - એ જ શક્તિ ઉર્જાથી - ગળવા માંડે.
(૬) સમ દુઃખ સુખ:
સમ દુઃખ સુખમ ધીરમ (ગીતા - ૨/૧૫)
સુખ દુખે સમે કૃત્વા (ગીતા - ૨/૩૮)
સમ દુખે સુખ: સ્વસ્થ: (ગીતા - ૧૪/૨૪)
સુખ અને દુઃખ દ્વંદ્વ છે. દુઃખ એ સુખનો પડછાયો છે. તે સુખની પાછળ ને પાછળ આવે છે. સુખને ઝાલવા જાઓ તો દુઃખ વગર માગ્યે હાથમાં આવે જ. જેને સુખની લાલસા નથી તે કદાપિ દુઃખી થાય જ નહીં. વિજ્ઞાન જેટલું ભૌતિક સુખ જગતમાં વધારતું જશે તેટલું દુઃખ વધતું જવાનું - એટલી જ માત્રામાં. દુઃખથી બચવું હોય તો સુખની લાલસા છોડો. છ કલાક સુખેથી સૂઈ જવા અઢાર કલાક (સ્ત્રી - પુત્રાદિનો) ડામચિયો ઊંચકીને ફરવું પડે છે. નરસિંહ - મીરા - તુકારામને (દુનિયાની દ્રષ્ટિએ) ઘણું દુઃખ પડયું પરંતુ તેમને થયું નહીં. કારણ કે તેમણે સુખની લાલસા રાખી નહીં. આપણને દુઃખ પડયું નથી તો પણ સુખ જતું ના રહે તેની ચિંતામાં સતત દુઃખ થયા કરે છે.
‘નથી'ના દુઃખમાં 'છે' ના સુખનો સ્વાદ આવતો નથી. અહંકાર અને મમત્વને લીધે સુખ - દુઃખમાં સમત્વ આવતું નથી. સુખ જોઈએ છે પરંતુ દુઃખ નથી જોઈતું. એ બે વાતો એકીસાથે ના બને. તમારે પત્નીને અગર તો રામલાને તમારા ગુલામ તરીકે રાખવા હોય તો તમારે પણ તેમની ગુલામી સ્વીકારવી પડે.
નરસિંહ કહે છે -
સુખ દુઃખ મનમાં ન આણીએ ઘટ સાથે રે ઘડીયા
ટાળ્યા તે કોઈના નવ ટળે રઘુનાથના જડીયા.
(૭) ક્ષમી
ક્ષમાવાન - તિતિક્ષા - ક્ષમા વીરસ્ય ભૂષણમ્
ક્ષમા એટલે "અંતર્વિક્રિયાનુપપતિ: " અંતઃકરણમાં ક્રોધ વગેરે વિક્રિયા પેદા જ ના થાય તેનું નામ ક્ષમા. પૃથ્વીના જેવી ક્ષમા. બીજાનો દોષ નહીં જોતા પોતાના જ દોષો જોનાર માણસ ક્ષમી થઇ શકે.
રજસ્પર્શપમાત્રાણિ પરછિદ્રાણિ પશ્યતિ |
આત્મન: બીલ્વ માત્રાણી પશ્યન્નપિ ન પશ્યતિ ||
બીજાના રજ જેવડા નાના દોષો દેખાય પરંતુ પોતાના બીલા જેવડા મોટા દોષો દેખાતા હોવા છતાં ના દેખે તે માણસ ક્ષમી ના થઇ શકે.
(૮) સંતુષ્ટ: સતતમ
ભક્તિમાર્ગમાં સંતોષ મુખ્ય ગુણ છે. માનસ રામાયણમાં ગોસ્વામીજી લખે છે
કહહુ ભગતિ પથ કવન પ્રયાસા, જોગ ન જપ તપ વ્રત ઉપવાસા
સરલ સુભાવ ન મન કુટીલાઈ, જથા લાભ સંતોષ દ્રઢાઈ.
ભક્તિમાર્ગમાં નિર્મલ મન અને પ્રારબ્ધવશાત જે કાંઈ મળે તેમાં સંતોષ જોઈએ. ભગવાન રામ માનસ રામાયણમાં બોલ્યા છે કે -
નિર્મલ મન જન સો મોહિ પાવા, મોહિ છલ છિદ્ર કપટ નહીં ભાવા.
જો પે દુષ્ટ હૃદય સોઈ હોઈ, મોરે સન્મુખ આવ કિ સોઈ.
સન્મુખ હોઈ જીવ મોહિ જબ હિ, જન્મ કોટી અઘ નાસહિ તબહિ
પાપવઁત કર સહજ સુભાઉં, ભજન મોર તેહિ ભાવ ન કાઉ
(સુંદરકાંડ - ૪૩-૪૪)
(૯) યોગી
મારામાં મનને જોડી રાખે - યોજી રાખે - યુક્ત રાખે.
યોગીની વ્યાખ્યા ગીતામાં આપી છે.
અનાશ્રિતઃ કર્મફલં કાર્યં કર્મ કરોતિ યઃ ।
સ સંન્યાસી ચ યોગી ચ ન નિરગ્નિર્ન ચાક્રિયઃ ॥ (ગીતા- ૬/૧)
યોગી યુંજીત સતત આત્માનં રહસિ સ્થિતઃ ।
એકાકી યતચિત્તાત્મા નિરાશીરપરિગ્રહઃ ॥ ( ગીતા - ૬/૧૦)
કાયેન મનસા બુદ્ધ્યા કેવલૈરિન્દ્રિયૈરપિ ।
યોગિનઃ કર્મ કુર્વન્તિ સઙ્ગં ત્યક્ત્વાત્મશુદ્ધયે ॥ (ગીતા - ૫/૧૧)
જ્ઞાનવિજ્ઞાનતૃપ્તાત્મા કૂટસ્થો વિજિતેન્દ્રિયઃ ।
યુક્ત ઇત્યુચ્યતે યોગી સમલોષ્ટાશ્મકાઞ્ચનઃ ॥ (ગીતા - ૬/૮)
સર્વભૂતસ્થિતં યો માં ભજત્યેકત્વમાસ્થિતઃ ।
સર્વથા વર્તમાનોઽપિ સ યોગી મયિ વર્તતે ॥ (ગીતા - ૬/૩૧)
આત્મૌપમ્યેન સર્વત્ર સમં પશ્યતિ યોઽર્જુન ।
સુખં વા યદિ વા દુઃખં સ યોગી પરમો મતઃ ॥ (ગીતા - ૬/૩૨)
તપસ્વિભ્યોઽધિકો યોગી જ્ઞાનિભ્યોઽપિ મતોઽધિકઃ ।
કર્મિભ્યશ્ચાધિકો યોગી તસ્માદ્યોગી ભવાર્જુન ॥ (ગીતા - ૬/૪૬)
(૧૦) યતાત્મા
Self Controlled - મન અને ઇન્દ્રિયો સહિત શરીરને વશમાં રાખનાર
(૧૧) દ્રઢ નિશ્ચય
પરમાત્મામાં - મારામાં દ્રઢ નિશ્ચયવાળો - વ્યવસાયાત્મિકા બુદ્ધિવાળો.
(૧૨) મય્યર્પિતમનોબુદ્ધિ
જેણે પોતાનું મન અને બુદ્ધિ મારામાં અર્પણ કરેલા છે.
આ બધા ગુણો ભગવત્તાના ગુણો છે. આ ગુણો જેનામાં વિકસિત થયા હોય તો તે ભગવાનના જ ગુણધર્મોવાળો થઇ જાય. ત્યારે ભગવાન સાથેનું તેનું મિલન શક્ય બને.
મહાવીર ઈશ્વરને નથી માનતા. બુદ્ધ આત્મા - પરમાત્માને પણ નથી માનતા. છતાં બુદ્ધ જેવો વિશુદ્ધ પવિત્ર આત્મા આ પૃથ્વી ઉપર જડવો મુશ્કેલ છે. ઈશ્વરને નહીં માનનારા મહાવીર - બુદ્ધ ઉપરોક્ત ગુણોને લીધે ભગવત્તાને ઉપલબ્ધ થઇ ગયા અને લોકોએ તેમને ભગવાન કહ્યા.