જે સ્પૃહા વિનાનો, પવિત્ર, દક્ષ (ચતુર), પક્ષપાતરહિત, ગભરાટ વિનાનો અને સર્વ આરંભો છોડનારો છે, તે મારો ભક્ત મને પ્રિય છે. (૧૬)
ભાવાર્થ:
અનપેક્ષ: આકાંક્ષારહિત
જેને વાસનાની વ્યર્થતા સમજાઈ ગઈ છે તે અનપેક્ષ થઇ શકે. બંગલો, મોટર નથી મળ્યા ત્યાં સુધી તેની પ્રબળ વાસના જોર કરે છે પરંતુ મળી ગયા પછી તે વ્યર્થ લાગે છે - નથી મળ્યું ત્યાં સુધી નથી મળ્યાનું દુઃખ લાગ્યા કરે છે - પરંતુ મળી ગયા પછી મળ્યાના સુખનો રંગ ઉડી જાય છે - અપેક્ષા એટલે આકાંક્ષા એટલે જે નથી તેને માટે હડકવા અને અનપેક્ષા એટલે જે છે તેમાં તેટલામાં તૃપ્તિ - સંતોષ.
શુચિ:
બહાર અંદરથી ચારે બાજુથી જે શુદ્ધ છે તે "સબાહ્યાભ્યન્તર શુચિ:"
પાણીમાં પાણી સિવાય બીજું કાંઈ ના હોય તે શુદ્ધ પાણી.
દૂધમાં દૂધ સિવાય બીજું કાંઈ ના હોય તે શુદ્ધ દૂધ.
શુદ્ધ પાણીમાં શુદ્ધ દૂધ ભળે તો બંને અશુદ્ધ.
વિજાતીય વસ્તુ (Foreign Element) ભળે તો અશુદ્ધિ પેદા થાય. તમે જે છો તે - જેવા છો તેવા - બૂરા હો તો બૂરા - ભલા હો તો ભલા - જે છો તે, જેવા છો તેવા શુદ્ધ છો - પરંતુ અંદર બૂરા અને બહાર ભલા, અગર તો અંદર ભલા અને બહાર બૂરા તો તમે અશુદ્ધ. દુષ્ટ પણ પૂરેપૂરા દુષ્ટ હોય તો તે પૂરેપૂરા શુદ્ધ દુષ્ટ. રાવણ - કુંભકર્ણ - કંસ - શિશુપાળ પૂરેપૂરા શુદ્ધ દુષ્ટ તેવા તમે શુદ્ધ દુષ્ટ બની જાઓ તો તમે પણ પરમાત્માને પામશો. પૂરેપૂરો સદાચારી સારો - પૂરેપૂરો દુરાચારી પણ સારો. પરંતુ મિથ્યાચારી ભૂંડો - દંભી - hypocrite.
ભગવાન રામ કહે છે -
નિર્મલ મન જન સો મોહિં પાવા, મોહિં છલ છિદ્ર કપટ નહીં ભાવા. (સુંદરકાંડ - - ૪૩/૫)
અંદર બહાર સમરસતા - એકપણું તે શુદ્ધ - શુચિ.
બહાર અંદર એકપણું થઇ જાય, તેનામાંથી દ્વંદ્વ મટી જાય અને તે નિર્દ્વંદ્વ - અદ્વંદ્વ પરમાત્મામાં પ્રવેશ કરી શકે. પાપ છેડચોક કરો તો તમે પાપ કરી શકશો જ નહીં અને પાપી રહી શકશો જ નહીં. જેલમાં બધા કેદીઓએ (દોષિત હોવા છતાં) કહ્યું કે અમે નિર્દોષ છીએ, પરંતુ એક કેદીએ કબૂલ કર્યું અને કહ્યું કે હું ખરેખર દોષિત છું. Confession. તો રાજાએ તેને બીજા બધા કેદીઓ (કહેવાતા - So called) નિર્દોષોમાંથી અલગ કરીને છોડી મૂક્યો.
પરમાત્મા આગળ તમારા ગુના સાચા દિલથી કબૂલ કરો તો તમારું અંતઃકરણ તાત્કાલિક શુદ્ધ થઇ જશે - શુચિ થઇ જશે.
પાપ તારું પોકાર જાડેજા ધરમ તારો સંભાળ રે
તારી હોડલીને બૂડવા નહીં દઉં જાડેજા રે તોરલ કહે છે.
દક્ષ:
જે કામ માટે આવ્યો હતો અગર તો જે કાર્યક્રમ કર્તવ્યકર્મ માથે આવ્યું (વ્યવહારમાં અગર તો પરમાર્થમાં) તે કાર્ય કુશળતાપૂર્વક (નિષ્કામ ભાવે - કર્મફળની આસક્તિમાં ફસાયા વગર) પૂરું કરે તે દક્ષ કહેવાય. આત્માની અમરતા - દેહની ક્ષણભંગુરતા - ભોગોની નિરર્થકતા - નિષ્કામ કર્મની અનિવાર્યતા - સંસારની અનિત્યતા આ બાબતો સમજવા માટે માનવદેહ મળ્યો છે. તેનો પૂરેપૂરો ઉપયોગ કરે તે દક્ષ કહેવાય. જે કરવાનું હતું તે ના કર્યું અને જે નહોતું કરવાનું તે આખું જિંદગી કર્યા કર્યું તે મૂર્ખ કહેવાય.
ઉદાસીન: ઉદાસિનવત્ આસિન: (ગીતા - ૧૪/૨૩)
પક્ષપાતરહિત - તટસ્થ - અલિપ્ત
બંને પક્ષોનું ભલું ઈચ્છે તે ઉદાસીન.
ગતવ્યથઃ દક્ષ હોય - ઉદાસીન હોય તેને સુખ દુઃખની વ્યથા ના થાય.
સર્વારમ્ભ પરિત્યાગી - જ્યાંથી આસક્તિ (સંગ) શરુ થાય તે આરંભ.
સંગાત્ સંજાયતેકામઃ કામાત્ ક્રોધોઽભિજાયતે ॥ (ગીતા - ૨/૬૨)
ક્રોધાત્ ભવતિ સમ્મોહઃ સમ્મોહાત્ સ્મૃતિ વિભ્રમઃ ।
સ્મૃતિ ભ્રંશાત્ બુદ્ધિનાશો બુદ્ધિનાશાત્ પ્રણશ્યતિ ॥ (ગીતા - ૨/૬૩)
આરંભનો જ (આસક્તિનો જ) પરિત્યાગ કરે. આરંભનો (આસક્તિનો) ત્યાગ કરવાનું પહેલું પગથિયું ચૂકી ગયો તો તે તીર છૂટી ગયું પછી પાછું ના આવે. માટે આરંભનો (આસક્તિનો) પરિત્યાગ - પશ્રયેણ - પરિશ્રમેણ - હઠપૂર્વક પરિત્યાગ કરે.
(૧) કામ્યાનાં કર્મણાં ન્યાસ: (ગીતા - ૧૮/૨) કામ્ય કર્મોનો ન્યાસ (ત્યાગ) કરે. પરંતુ
(૨) કાર્યં કર્મ કરોતિ યઃ (ગીતા - ૬/૧) પ્રવાહપતિત ઈશ્વર પ્રેરિત કરવા યોગ્ય તમામ કર્મો કરે તે સંન્યાસી - યોગી કહેવાય. નવરો બેસી રહે તે નહીં.
માનસિક અગર શારીરિક તમામ કર્મોમાં અહંકાર યુક્ત અંગત તથા માનસિક ઉપક્રમનો (આરંભનો) ત્યાગ કરે તે "સર્વારંભ પરિત્યાગી" કહેવાય. આવો ભક્ત પોતાની સંકલ્પશક્તિને વૈશ્વિક સંકલ્પ શક્તિમાં વિલીન કરે અને દિવ્ય શક્તિને પોતાની મારફતે કામ કરવા દે. આવા ભક્તને પોતાની અંગત પસંદગી કે પોતાની ખાનગી ઈચ્ચ્છા - કામના હોતી નથી. દિવ્ય સંકલ્પ તેના દ્વારા ગતિશીલ રીતે કામ કરે છે, વિભીષણ રાવણને કહે છે
રામુ સત્ય સંકલ્પ પ્રભુ, સભા કાલબસ તોરી
મેં રઘુબીર સરન અબ, જાઉં દેહુ જનિ ખોરી. (સુંદરકાંડ - ૪૧)