શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૫

કર્મ સંન્યાસ યોગ

ઇહૈવ તૈર્જિતઃ સર્ગો યેષાં સામ્યે સ્થિતં મનઃ ।

નિર્દોષં હિ સમં બ્રહ્મ તસ્માદ્ બ્રહ્મણિ તે સ્થિતાઃ ॥૧૯॥

ઇહ એવ તૈ: જિત: સર્ગ: યેષામ્ સામ્યે સ્થિતમ્ મનઃ

નિર્દોષમ્ હિ સમમ્ બ્રહ્મ તસ્માત્ બ્રહ્મણિ તે સ્થિતાઃ

તે - તેઓ

બ્રહ્મણિ - પરમાત્મામાં

સ્થિતાઃ - સ્થિત છે, (અને)

તૈ: - તેમણે

ઇહ - અહીં (જીવંતદશામાં)

એવ - જ

સર્ગ: - જન્મમરણરૂપ સંસારને

જિત: - જીત્યો છે.

હિ - કેમ કે

બ્રહ્મ - પરમાત્મા

નિર્દોષમ્ - નિર્દોષ (તથા)

સમમ્ - વિષમભાવ રહિત (છે)

તસ્માત્ - તેથી

યેષામ્ - જેઓનું

મનઃ - મન

સામ્યે - સમભાવમાં

સ્થિતમ્ - સ્થિત (છે)

તેવા જ્ઞાનીઓ વિદ્યાવિનયયુક્ત બ્રાહ્મણમાં, ગાયમાં, હાથીમાં, કૂતરામાં તથા ચાંડાલમાં પણ સમાન દ્રષ્ટિવાળા હોય છે. (૧૮)

જેમનું મન આવા સમભાવમાં સ્થિત થયું છે તેમણે અહીં જ સંસાર જીત્યો છે; કારણ કે બ્રહ્મ નિર્દોષ અને સમાન છે; તેથી તે સમદર્શી મનુષ્યો બ્રહ્મમાં જ રહેલા છે. (૧૯)

ભાવાર્થ

તત્ત્વજ્ઞાની સિદ્ધ પુરુષનો વિષમભાવ સર્વથા નષ્ટ થઇ જાય છે.

મનુષ્યોમાં ઉત્તમમાં ઉત્તમ બ્રાહ્મણ અને નીચમાં નીચ ચંડાળ.

પશુઓમાં ઉત્તમમાં ઉત્તમ ગાય, મધ્યમ હાથી અને નીચમાં નીચ કૂતરા.

આ પાંચેય પ્રાણીઓનો દાખલા તરીકે ઉપયોગ કરીને જણાવ્યું કે તેમના પ્રત્યે વ્યવહારિક વિષમતા અનિવાર્ય છે છતાં પણ તેમનામાં જ્ઞાનીને આધ્યાત્મિક સમત્વનું દિગ્દર્શન થાય છે. તેમનામાં તેનો વિષમભાવ રહેતો નથી.

જેવી રીતે માથું, આંખ, ગુદા, ઉપસ્થ, જીભ વગેરેમાં વ્યવહારિક ભેદ હોવા છતાં તેમાં સુખદુઃખનો અનુભવ સમાનભાવે હોય છે. Organic unity હોય છે તેવી જ રીતે જ્ઞાનીને સર્વત્ર બ્રહ્મદૃષ્ટિ હોવાથી લોકદૃષ્ટિથી વ્યવહારમાં યથાયોગ્ય ભેદ રહેવા છતાં તેનામાં આત્મભાવ અને પ્રેમ સર્વત્ર સમાન રહે છે. સમભાવ રહે છે.

આત્મૌપમ્યેન સર્વત્ર સમં પશ્યતિ યોઽર્જુન ।

સુખં વા યદિ વા દુઃખં સ યોગી પરમો મતઃ ॥

(ગીતા - ૬/૩૨)

સમભાવ બ્રહ્મનું જ સ્વરૂપ છે.

સમોઽહં સર્વભૂતેષુ ન મે દ્વેષ્યોઽસ્તિ ન પ્રિયઃ ।

યે ભજન્તિ તુ માં ભક્ત્યા મયિ તે તેષુ ચાપ્યહમ્ ॥

(ગીતા - ૯/૨૯)

એટલા માટે જેનું મન સમભાવમાં સ્થિત છે તે બ્રહ્મમાં જ સ્થિત છે.

ઇહૈવ એટલે કે આ જીવનકાળ દરમિયાનમાં જ, આ મૃત્યુલોકમાં જ તે જ્ઞાનીઓએ (તૈ:) સંપૂર્ણ સંસારને (જન્મમરણને) જીતી લીધા છે (સર્ગ: જીત:)

પરમાત્માનું મૌલિક લક્ષણ છે સમતાની સ્થિતિ, સંતુલન, absolute balancing ની સ્થિતિ. જેને પરમાત્મા પ્રાપ્ત કરવા હોય તેને પરમાત્માની માફક 'સમોઽહં સર્વભૂતેષુ' થવું પડે. વિષમતા હોય ત્યાં સુધી પરમાત્માની પ્રાપ્તિ ના થાય. જેનામાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય વગેરે વિષમતાઓ હોય તે સમભાવવાળા નિર્દોષ બ્રહ્મમાં સ્થિત ના થઇ શકે.

અધર્મની એક કસોટી કે જેનાથી ઉત્તેજના અને વિષમતા પેદા થાય. ધર્મની એક કસોટી કે જેનાથી સમતા અને સંતુલન નિર્મિત થાય. આપણે તો સદાકાળ સતત કાં તો કોઈના પક્ષમાં અગર તો કોઈના વિપક્ષમાં ઝુકતા હોઈએ છીએ. કોઈના વિપરીતમાં અગર તો કોઈની અનુકૂળતામાં, કોઈના વિકર્ષણમાં અગર તો કોઈના આકર્ષણમાં ઝુકતા હોઈએ છીએ. ચોવીસ કલાક દરમિયાન આપણને ખાતરી નથી હોતી કે સાંજ સુધીમાં ઊંટ કઈ બાજુ ઢેકા ઢાળશે, જેને પરમાત્મા બાજુ યાત્રા કરવી છે તેણે ચોવીસે કલાક જાગ્રત રહેવું જોઈએ કે તેનું સમત્વ ખોવાય છે કે વધતું જાય છે. કૃષ્ણ ગોકુળમાં બંસી બજાવે અગર તો મથુરામાં જરાસંઘ સામે શંખ ફૂંકે અગર તો શિશુપાળ સામે ચક્ર ઉગામે છતાં સમત્વ ખોવે નહિ. કૃષ્ણ બંસીધારી, શંખધારી કે ચક્રધારી અગર તો ઘોડાના લગામધારી, બધી પરિસ્થિતિઓમાં તે આંતરિક સમત્વ - Inner Harmony ટકાવી રાખી શકે.

મને મારામાં જ પરમાત્મા ના દેખાતા હોય તો બીજાઓનામાં પરમાત્મા કેવી રીતે દેખાય? મને મારામાં જ હું જ ચોર બેઈમાન દેખાતો હોઉં તો બીજાઓમાં પણ મને બેઈમાન જ દેખાય. જેનામાં ચોર બેઈમાન જ દેખાતો હોય તેનામાં 'નિર્દોષમ્ હિ સમમ્ બ્રહ્મ' કેવી રીતે દેખાય? કદાપિ ના દેખાય.