શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૫

કર્મ સંન્યાસ યોગ

ભોક્તારં યજ્ઞતપસાં સર્વલોકમહેશ્વરમ્ ।
સુહૃદં સર્વભૂતાનાં જ્ઞાત્વા માં શાન્તિમૃચ્છતિ ॥૨૯॥

ભોક્તારમ્ યજ્ઞતપસામ્ સર્વલોકમહેશ્વરમ્

સુહૃદમ્ સર્વભૂતાનામ્ જ્ઞાત્વા મામ્ શાન્તિમ્ ઋચ્છતિ

સુહૃદમ્ - સ્વાર્થરહિત પ્રેમી

મામ્ - (એવો) મને

જ્ઞાત્વા - જાણીને

શાન્તિમ્ - શાંતિને

ઋચ્છતિ - પામે છે.

યજ્ઞતપસામ્ - યજ્ઞ અને તપનો

ભોક્તારમ્ - ભોગવનાર,

સર્વલોકમહેશ્વરમ્ - સઘળા લોકોના ઈશ્વરનો પણ ઈશ્વર

સર્વભૂતાનામ્ - સઘળા પ્રાણીઓનો

(તે મનુષ્ય) યજ્ઞો અને તપના ભોક્તા, સર્વ લોકના મહેશ્વર અને સર્વ પ્રાણીના મિત્ર એવા મને જાણી શાંતિ પામે છે. (૨૯)

ભાવાર્થ

આ અંતિમ શ્લોકમાં ભગવાન પોતાની તાત્ત્વિક ઓળખાણ અલૌકિક શબ્દોમાં આપે છે.

ભગવાન અર્જુનને ગર્ભિત રીતે કહે છે કે હું માત્ર વસુદેવ - દેવકીનો દીકરો જ નથી. માત્ર નંદ - જશોદાનો લાલો જ નથી, માત્ર તારા મામાનો દીકરો જ નથી, માત્ર તારો સાળો જ નથી; પરંતુ હું તો -

૧. તમામ યજ્ઞોનો ભોક્તા છું.

૨. તમામ તપસ્વીઓની તપશ્વર્યાનો પણ હું ભોક્તા છું.

૩. વળી હું ત્રણે લોકનો તથા લોકપાળોનો તથા બ્રહ્મા, ઇન્દ્ર વગેરે તમામ ઇશ્વરોનો પણ હું ઈશ્વર, મહેશ્વર છું.

૪. હું અનંતકોટી બ્રહ્માંડનો એકમાત્ર માલિક છું તેમ છતાં હું એટલો બધો દુર્લભ અનુપગમ્ય (unapproachable, unaccessible) નથી. કારણ કે હું દરેક પ્રાણીમાત્રનો સુહ્રદ મિત્ર છું અને દરેક પ્રાણીમાત્ર મને પ્રેમથી મળી શકે છે.

યજ્ઞ કોને કહેવાય? રાગ-દ્વેષથી પ્રેરાયા સિવાય, કર્તાપણાના અહંકાર સિવાય, સમષ્ટિના કલ્યાણ માટે, ઈશ્વર પ્રીત્યર્થે પરમાત્માના રાજીપા માટે કરેલું એકેએક નિષ્કામ કર્મ તે યજ્ઞ કહેવાય. તે ઉપરાંત ગીતાના ચોથા અધ્યાયનાં ૨૮માં શ્લોકમાં જણાવેલ દ્રવ્યયજ્ઞ, તપયજ્ઞ, યોગયજ્ઞ, સ્વાધ્યાયયજ્ઞ અને જ્ઞાનયજ્ઞ - આ તમામ પ્રકારના યજ્ઞોના ભોક્તા પરમાત્મા છે એટલે કે આ તમામ યજ્ઞો ઈશ્વરાર્પણ બુદ્ધિથી કરવા.

તપસ્વીઓ જે તપ કરે છે તે તમામ પ્રકારના તપ તથા ગીતાના ૧૭માં અધ્યાયમાં શ્લોક ૧૪-૧૫-૧૬ મા કહેલા શારીરિક, વાચિક અને માનસિક તપના ભોક્તા પણ પરમાત્મા છે એટલે કે આ તમામ પ્રકારના તપ પણ ઈશ્વરાર્પણ બુદ્ધિથી કરવા.

ભગવાન કહે છે આ પ્રકારે મને

૧. ભોક્તારં યજ્ઞતપસામ્

૨. સર્વલોક મહેશ્વર અને

૩. પ્રાણીમાત્ર પ્રત્યે સુહ્રદય કરુણામય કલ્યાણકારી એવા મને જે પરમાત્મભાવે તત્ત્વે કરીને જાણે છે તે શાંતિને પ્રાપ્ત થાય છે.

આપણો 'હું' (ego) સદા 'તું' (પરમાત્મા)થી વિપરીત હોય છે. આપણા 'હું'નો તો એક જ અનુભવ છે જે 'તું' પરમાત્માથી વિરુદ્ધ, ભિન્ન અલગ. આપણા 'હું' માં 'તું' નો સમાવેશ (included) નથી. પરંતુ 'તું' અલગ (excluded) છે જયારે શ્રીકૃષ્ણના 'હું' મા બધા ભૂતપ્રાણી માત્રનો સમાવેશ (included) છે.

હું ઈશ્વરનો પણ ઈશ્વર હોવા છતાં મેં અર્જુનની ખાસદારી કરી, તેનો રથ હાંક્યો અને મેં યુધિષ્ઠિરના યજ્ઞમાં એંઠા પતરાળા ઉપાડવાની કામગીરી પણ બજાવી. કોઈ પણ અહંકારી વ્યક્તિ આવું કામ ના કરે.

"ૐ તત્સદિતિ શ્રીમદ્ ભગવદ્ ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે કર્મસંન્યાસ યોગો નામ પંચમો અધ્યાયઃ॥”