શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૫

કર્મ સંન્યાસ યોગ

યુક્તઃ કર્મફલં ત્યક્ત્વા શાન્તિમાપ્નોતિ નૈષ્ઠિકીમ્ ।
અયુક્તઃ કામકારેણ ફલે સક્તો નિબધ્યતે ॥૧૨॥

યુક્તઃ કર્મફલમ્ ત્યક્ત્વા શાન્તિમ્ આપ્નોતિ નૈષ્ઠિકીમ્

અયુક્તઃ કામકારેણ ફલે સક્ત: નિબધ્યતે

અયુક્તઃ - અયોગી - (સકામ પુરુષ)

કામકારેણ - કામના વડે (કરતો હોવાથી)

ફલે - ફળમાં

સક્ત: - આસક્ત થઇ

નિબધ્યતે - બંધાય છે.

યુક્તઃ - નિષ્કામ કર્મયોગી

કર્મફલમ્ - કર્મોના ફળને

ત્યક્ત્વા - ત્યજીને

નૈષ્ઠિકીમ્ - ભગવત્પ્રાપ્તિ રૂપ

શાન્તિમ્ - પરમ શાંતિને

આપ્નોતિ - પામે છે, (પણ)

કર્મયોગી કર્મફળ ત્યજીને (મોક્ષરૂપ) નૈષ્ઠિક શાંતિને પામે છે અને યોગરહિત (સકામ પુરુષ) કામના કરવાથી ફળમાં આસક્ત થઇ બંધાય છે. (૧૨)

ભાવાર્થ

યુક્ત: એટલે નિષ્કામ કર્મયોગી

અયુક્ત: એટલે સકામ કર્મયોગી

સકામ ભાવથી કરેલા કર્મોના ફળસ્વરૂપે વારંવાર દેવમનુષ્યાદિ યોનિઓમાં ભટકવું એ જ મોટું બંધન છે. કર્મફળમાં આસક્તિ એ જ બંધન (પાશ - દોરડું) છે. પાશથી બંધાય તે પશુ. કર્મનું ફળ મળે તો જ કર્મ કરું એવા કર્મના ફળની આકાંક્ષા આસક્તિથી બંધાઈને જ જે કર્મ (સકામ કર્મ) કરે છે તે પશુની માફક બંધાય છે. કર્મથી નહીં પરંતુ કર્મના ફળની આસક્તિથી (પાશથી) બંધાઈને ચાલે તે પશુ. પશુને કાંતો કોઈ આગળથી દોરડાથી (પાશથી) ખેંચે, Pull કરે, અગર તો પાછળથી ડફણાં મારીને Push કરે, ધકેલે, તો જ તે ચાલે. તેવી જ રીતે સકામ કર્મી માણસને કાં તો ભૂતકાળમાં તેણે કરેલા કર્મો પ્રારબ્ધ બનીને તેને Push કરે, ધક્કા મારે, અગર તો ભવિષ્યમાં કર્મના ફળમાં તેની આસક્તિ તેને Pull કરે, ખેંચે, તો જ તે ચાલે. આ માણસ નહીં પરંતુ (અયુક્ત:) પશુ કહેવાય.

માણસ તો એ છે કે જે અતીતના ધક્કાને (push) પણ સ્વીકારતો નથી અને ભવિષ્યની આકાંક્ષાને (pull) પણ સ્વીકારતો નથી. તે નિષ્કામ કર્મયોગી (યુક્ત:) કહેવાય તે કાયમ વર્તમાનમાં જ જીવે છે, અને તે પોતાનો ભૂતકાળ અને ભવિષ્ય (પ્રારબ્ધ અને સંચિત પરમાત્માને સમર્પિત કરી દે છે, હરિ ઈચ્છા ઉપર છોડી દે છે.

આપણે તો મંદિરમાં પ્રાર્થના પણ મફત કરતા નથી, કાંઈક મેળવવા માટે ત્યાં પણ આપણે પ્રભુ સાથે શરત - સોદાબાજી (bargaining) કરીએ છીએ. જો તમે નિષ્કામભાવથી પ્રવેશ કરો તો મકાન પણ મંદિર બની જાય. અને મંદિરમાં પણ જો તમે સકામ ભાવથી પ્રવેશ કરો તો તે મંદિર પણ દુકાન અગર શેરબજાર બની જાય. જે ભૂમિ ઉપર તમે નિષ્કામભાવથી ઉભા રહો તે ભૂમિ તીર્થ બની જાય. ભજનકીર્તન કરવાથી શું મળે? શું મળે તે ગણતરીથી કરતા હો તો ભજનકીર્તન કરવા કરતા દુકાન કરો. કાંઈક મળશે એવા ખ્યાલથી મંદિરમાં જશો તો ખાલી હાથે પાછા આવશો. પરંતુ જો તમે ખાલી મનથી (નિષ્કામ ભાવથી) જશો - માત્ર પ્રભુને ધન્યવાદ આપવા માટે બેશરત, તો તમારું હૃદય એક અનુઠા આનંદથી ભરાઈ જશે. જે સકામ જીવે છે તેને ફળ કદાપિ મળતું નથી. અને જે નિષ્કામ જીવે છે તેના જીવનમાં પ્રતિપળ ફળની વર્ષા થાય છે. આ ઉલટો નિયમ છે જિંદગીનો. જે માંગે તેને ત્યાગે, જે ત્યાગે તેની આગે. જે માંગે છે તે ભિખારી રહે છે. જે નથી માંગતો તે સમ્રાટની માફક ઉભો રહે છે તેને બધું જ મળે છે.

લાંગુલચાલનમધશ્ચરણાવપાતં ભૂમૌ નિપત્ય વદનોદર દર્શનમ ચ |

શ્વા પિંડદસ્ય કુરુતે ગજપુંગવસ્તુ ઘીરં વિલોકયતિ ચાટુ શતૈશ્વ ભુંકતે ||

રોટલો બતાવે તેના આગળ કૂતરું પૂંછડી પટપટાવે અને પેટ દેખાડે જયારે હાથી ધીર- ગંભીર રીતે ઉભો રહે અને કેટલી કાકલુદી કરીએ ત્યારે લાડુ સામે જુએ અને ખાય.