વિભુ (પરમેશ્વર) કોઈનું પાપ કે પુણ્ય લેતો નથી; અજ્ઞાન વડે જ્ઞાન ઢંકાયેલું છે, તેથી પ્રાણીઓ મોહ પામે છે. (૧૫)
ભાવાર્થ
જયારે આત્મા વાસ્તવમાં કર્મ કરનાર પણ નથી અને ઇન્દ્રિયાદિથી કરાવનાર પણ નથી તો પછી બધા માણસો પોતાને કર્મોનો કર્તા કેમ માને છે અને તેથી તે કર્મફળનો ભોગી, ભોક્તા કેમ બને છે તેનો ખુલાસો હવે ભગવાન શ્લોક ૧૪-૧૫માં કરે છે.
મનુષ્યના
(૧) કર્તાપણાની
(૨) કર્મોની અને
(૩) કર્મફળસંયોગની રચના પરમાત્મા કરતા નથી. મનુષ્યોના જે કર્મોમાં કર્તાપણું છે તે ભગવાનનું બનાવેલું નથી. અજ્ઞાની મનુષ્ય અહંકારને વશ થઈને પોતાને તેનો કર્તા માની લે છે.
અમુક શુભ અગર અશુભ કર્મ અમુક માણસે કરવું પડશે એવી રચના ભગવાન નથી કરતા. કારણ કે એવી રચના જો ભગવાન કરી દે તો પછી વિધિ - નિષેધ શાસ્ત્ર વ્યર્થ થઇ જાય, એની કોઈ સાર્થકતા જ ના રહે. કર્મફળનાં સંયોગની રચના પણ ભગવાન નથી કરતા. કર્મોની સાથેનો સંબંધ મનુષ્યના જ અજ્ઞાનને લીધે જાડાયેલો છે. કોઈ તો આસક્તિ વશ તેનો કર્તા બનીને અગર કોઈ કર્મફળમાં આસક્ત થઈને પોતાનો સંબંધ કર્મોની સાથે જોડી દે છે. (સ્વભાવસ્તુ પ્રવર્તતે).
જો આ ત્રણેયની રચના ભગવાને કરેલી હોત તો મનુષ્ય કર્મબંધનથી કદાપિ છૂટી શકત જ નહીં. પછી તો તેના ઉદ્ધારનો કોઈ ઉપાય જ ના રહેત. એટલા માટે સાધક માણસે કર્મોનું કર્તાપણું પૂર્વોક્ત પ્રકારથી પ્રકૃતિને અર્પણ કરીને (૫/૮-૯) અગર તો ભગવાનને અર્પણ કરીને (૫/૧૦) અગર તો ગીતા અધ્યાય - ૪/૨૦ માં કહ્યા મુજબ કર્મોનું ફળ અને આસક્તિઓનો સર્વથા ત્યાગ કરીને સાધકે કર્મોથી પોતાનો સંબંધ વિચ્છેદ કરી લેવો.
સ્વભાવસ્તુ પ્રવર્તતે | સ્વભાવ એટલે પ્રકૃતિના ત્રણ ગુણો - સત્વ, રજ, તમ તથા રાગદ્વેષ આદિ સમસ્ત વિકાર, શુભ - અશુભ કર્મો અને તેના સંસ્કાર તે બધાના રૂપમાં પરિણીત થયેલી પ્રકૃતિ અગર સ્વભાવ જ જે તે કાંઈ બધું કરે છે. પ્રાકૃત જીવોની સાથે તેનો અનાદિ સિધ્ધ સંયોગ છે. તેનાથી જીવાત્મામાં કર્તૃત્વભાવ થતો હોય છે. અર્થાત અહંકારથી મોહિત થઈને તે પોતાને તેનો કર્તા માની લે છે. (ગીતા - ૩/૨૭) તથા તેનાથી કર્મ અને કર્મફળમાં પણ તેનો સંબંધ થઇ જાય છે અને તે તેના બંધનમાં પડી જાય છે. વાસ્તવમાં આત્માનો તેની સાથે કોઈ સંબંધ નથી.
પોતાના પ્રાકૃતિક સ્વભાવથી પ્રેરાઈને તથા અહંકારથી, કર્તાપણાના અહંકારથી જીવાત્મા સ્વયં અગ્નિમાં હાથ નાખે છે અને દાઝે છે તેનો દોષ ભગવાનને ના દેવાય - પ્રથમ તો માણસે પોતાના અહંકારને દૂર કરવો જોઈએ અને નહીં તો તેનું પરિણામ (દુઃખ) ભોગવવા તેણે તૈયાર રહેવું જોઈએ.
પરમાત્મા સ્ત્રષ્ટા છે પરંતુ કર્તા નથી. તે સર્વસત્તાધીશ છે પરંતુ સરમુખત્યાર નથી. જો કે સમસ્ત કર્મો એની જ શક્તિથી મનુષ્યો દ્વારા કરાય છે, બધાંયને શક્તિ, બુદ્ધિ અને ઇન્દ્રિયો વગેરે મનુષ્યના કર્માનુસાર પરમાત્મા જ પ્રદાન કરે છે છતાં પણ તે મનુષ્યો દ્વારા કરાયેલા કર્મોને પરમાત્મા ગ્રહણ કરતાં નથી. (ન આદત્તે) અને સ્વયં તે કર્મોના ફળના ભાગીદાર પણ તે બનતા નથી.
અનાદિસિદ્ધ અજ્ઞાન દ્વારા જીવાત્માનું યથાર્થ જ્ઞાન (આત્મજ્ઞાન) ઢંકાઈ ગયેલું છે તેથી તે પોતાના તેમ જ પરમાત્માના સ્વરૂપને તથા કર્મોના તત્ત્વને નહીં જાણવાના કારણે જીવાત્મા પોતાનામાં અને પરમાત્મામાં કર્તા, કર્મ અને કર્મફળ સંબંધી કલ્પના કરીને મોહિત થાય છે.
ઈલેક્ટ્રીસીટી (energy) કાંઈ કર્મ કરતી નથી પરંતુ તેના સાન્નિઘ્યને લીધે (As catalytic) પંખો તેની પ્રકૃતિ, સ્વભાવને લીધે પવન આપે છે, ટયુબલાઈટ પ્રકાશ આપે છે, રેડિયો અવાજ આપે છે. ફ્રીઝ ઠંડક આપે છે, હીટર ગરમી આપે છે. તમામ કાર્ય પ્રકૃતિનું જ છે. જો કે ઈલેક્ટ્રીસીટી (energy) ચેતનાની મોજૂદગી વગર તો પ્રકૃતિ કાંઈ પણ ક્રિયા, કાર્ય કરી શકે જ નહીં.
પરમાત્મા કાંઈ કર્તા નથી. કરવું તો તેણે પડે જે કમજોર હોય. કરવું તે કમજોરીનું લક્ષણ છે. જે શક્તિશાળી છે તેની તો જ મોજૂદગીથી જ, તેની તો ઉપસ્થિતિમાં જ બધું કાર્ય પ્રકૃતિવશાત્ થયા જ કરતુ હોય છે. પરમાત્મા પરમશક્તિનું નામ છે.
પરમાત્મા કર્તા નથી તેથી જ ભોક્તા પણ નથી. કર્તૃત્વમાં ભોક્તૃત્વ આવે છે. કર્તાપણાના અહંકારમાં પાપ પુણ્યની ધારણા ઉભી થાય છે. નાદત્તે કસ્યચિત્ પાપં ન ચૈવ સુકૃતં | એમ કહેવાનો ભાવાર્થ એ છે કે તેમાં કર્તાપણાનો અહંકાર નથી. જીવાત્માના કર્તાપણાના અહંકારરૂપી અજ્ઞાનથી તેનું અસલ સ્વરૂપનું જ્ઞાન ઢંકાઈ જાય છે.