જેમનું તે અજ્ઞાન આત્મજ્ઞાન વડે (આત્માના વાસ્તવિક સ્વરૂપના જ્ઞાનથી) નાશ પામ્યું છે, તેમનું તે જ્ઞાન સૂર્યની પેઠે પરબ્રહ્મને પ્રકાશિત કરી દે છે. (૧૬)
ભાવાર્થ
જગત એક રહસ્ય છે, કારણ કે તેમાં અંધકાર જે ખરેખર નથી, તે પ્રકાશ જે ખરેખર છે તેને ઢાંકી દે છે. મૃત્યુ જે ખરેખર નથી તે જીવન જે ખરેખર છે તેને ધોખો દે છે. અંધારું (અજ્ઞાન) existential નથી. તેનું કોઈ positive existence - વાસ્તવિક વિધાયક અસ્તિત્વ નથી. સાચું અસ્તિત્વ તો પ્રકાશનું - જીવનનું છે. અંધારું (અજ્ઞાન)માં કોઈ (Thingness) વસ્તુગત પદાર્થ નથી.
આત્મા સ્વયં જ્ઞાન છે. જ્ઞાન આત્માનો આંતરિક સ્વભાવ છે. એટલા માટે જ્ઞાન વગરનો (અજ્ઞાની) આત્મા કદાપિ હોય જ નહીં. કદાચ જ્ઞાન વગરનો આત્મા હોય તેમ કહો તો આત્મામાં અને પદાર્થમાં શો ફેર રહે? આત્માનો અર્થ જ એ છે કે જે જ્ઞાન છે. 'આત્મા' અને 'જ્ઞાન' પર્યાયવાચી શબ્દો છે. છતાં આત્મા (જ્ઞાન) તે અવિદ્યા (અજ્ઞાન)થી ઢંકાઈ જાય છે તેવું કહેવાનો શો અર્થ છે તે સમજો.
બેટરીમાં પ્રકાશ આપવાનો પાવર તો પૂરેપૂરો ભરેલો છે. પરંતુ ચાંપ બંધ છે તેથી તેની ઉપર અંધકાર છવાઈ ગયો છે. ચાંપ દબાવે તો પ્રકાશ પ્રગટ થતાની સાથે જ અંધકાર દૂર થઇ જાય અને તમામ અસ્તિત્વ દેખાવા લાગે. તંદ્રા, પ્રમાદને લીધે ચાંપ બંધ થઇ ગઈ છે તેથી બેટરીનો - આત્માનો પ્રકાશ પરિપૂર્ણ હોવા છતાં તે સુષુપ્ત - Dormant રહે છે. જેનો આત્મા સુષુપ્તિ છોડીને પ્રબુદ્ધ પ્રકાશિત થાય તે 'બુદ્ધ' કહેવાય. Awakened person - ગૌતમ સિદ્ધાર્થ.