શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૫

કર્મ સંન્યાસ યોગ

નૈવ કિઞ્ચિત્કરોમીતિ યુક્તો મન્યેત તત્ત્વવિત્ ।
પશ્યઞ્શૃણ્વન્સ્પૃશઞ્જિઘ્રન્નશ્નન્ગચ્છન્સ્વપઞ્શ્વસન્ ॥૮॥

પ્રલપન્વિસૃજન્ગૃહ્ણન્નુન્મિષન્નિમિષન્નપિ ।
ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેષુ વર્તન્ત ઇતિ ધારયન્ ॥૯॥

ન એવ કિંચિત્ કરોમિ ઈતિ યુક્ત: મન્યેત તત્ત્વવિત્

પશ્યન્ શૃણ્વન્ સ્પૃશન્ જિઘ્રન્ અશ્નન્ ગચ્છન્ સ્વપન્ શ્વસન્

પ્રલપન્ વિસૃજન્ ગૃહણન્ ઉન્મિષન્ નિમિષન્ અપિ

ઇન્દ્રિયાણી ઈન્દ્રિયાર્થેષુ વર્તન્તે ઇતિ ધારયન્

ઉન્મિષન્ - નેત્રો ઉઘાડતો (કે)

નિમિષન્ - મીંચતો (છતાં)

અપિ - પણ

ઇન્દ્રિયાણી - સર્વ ઇન્દ્રિયો

એવ - જ

ઈન્દ્રિયાર્થેષુ - ઇન્દ્રિયોના વિષયોમાં

વર્તન્તે - પ્રવૃત થાય છે,

ઇતિ - એમ

ધારયન્ - સમજીને

કિંચિત્ - (હું) કંઈ પણ

ન કરોમિ - કરતો નથી,

ઈતિ - એમ

મન્યેત - માને છે.

તત્ત્વવિત્ - તત્ત્વને જાણનારો

યુક્ત: - યોગી

પશ્યન્ - જોતો

શૃણ્વન્ - સાંભળતો

સ્પૃશન્ - સ્પર્શ કરતો

જિઘ્રન્ - સૂંઘતો

અશ્નન્ - ખાતો

ગચ્છન્ - ચાલતો

સ્વપન્ - ઊંઘતો

શ્વસન્ - શ્વાસ લેતો

પ્રલપન્ - બોલતો

વિસૃજન્ - મળત્યાગ કરતો

ગૃહણન્ - ગ્રહણ કરતો (લેતો - દેતો)અને

એવો યોગયુક્ત તત્ત્વજ્ઞાની મનુષ્ય જુએ, સાંભળે, સ્પર્શ કરે, સૂંઘે, ખાય, ચાલે, ઊંઘે, શ્વાસ લે, બોલે, મળત્યાગ કરે, ગ્રહણ કરે, નેત્ર ઉઘાડે તથા મીંચે, તો પણ 'ઇન્દ્રિયોના વિષયોમાં ઇન્દ્રિયો વર્તે છે' એમ સમજી 'હું કાંઈ જ કરતો નથી' એવું માને છે. (૮, ૯)

ભાવાર્થ

તત્ત્વવિત્ એટલે એક જ તત્ત્વને જાણનાર. તત્ત્વ એક જ છે. જે જીવનના, ગહન જીવનના પ્રાણમાં છુપાયેલું છે. તે અસ્તિત્વ એક જ છે. આપણે સાધારણ રીતે જે પૃથ્વી, પાણી, તેજ, વાયુ, આકાશ એ પાંચ તત્વોની વાત કરીએ છીએ તે વસ્તુતઃ: તત્વ નથી અને વિજ્ઞાન તો ૧૦૮ તત્ત્વોની વાત કરે છે તે કોઈ પણ તત્ત્વ નથી. આ ૧૦૮ તત્ત્વો પણ ખરેખર તો એક જ તત્ત્વોના રૂપ છે એમ હવે તો વિજ્ઞાન પણ કબૂલ કરે છે. એ એક તત્વને વિજ્ઞાન વિદ્યુત - Electricity કહે છે. કૃષ્ણ એ તત્ત્વને વિદ્યુત નહિ પણ ચેતના - Consciousness કહે છે. ઉપરથી દેખાતા જગતમાં અનેક તત્ત્વો માલૂમ પડે છે પરંતુ તત્ત્વોની અંદર સાયન્સે જયારે પ્રવેશ કર્યો ત્યારે હવે માલૂમ પડ્યું કે તમામ તત્ત્વો એક જ તત્ત્વના ભિન્ન ભિન્ન રૂપ છે, જેવી રીતે એક જ સોનાનાં અનેક આભૂષણો છે.

ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોયે.

અત્યાર સુધી સાયન્સ Pluralist હતું, અનેકને માનતું હતું. હવે સાયન્સ Monist થયું. હવે તે એકને માનવા લાગ્યું છે. હીરો પણ કોલસાનું જ એક રૂપ છે. લાખો સાલ સુધી જમીનની નીચે ગરમીમાં દબાઈ રહેવાથી કોલસો હીરામાં રૂપાંતરિત થઇ જાય છે, એક જ તત્ત્વ છે, બંનેમાં કોઈ ભેદ નથી.

આખું વૃક્ષ બીજમાં છુપાયેલું છે. Potentially મોજૂદ છે પછી ભલે બીજમાં વૃક્ષ ના દેખાતું હોય તો પણ.

'વૃક્ષમાં બીજ તું બીજમાં વૃક્ષ તું.' એક જ તત્વ છે જગતમાં અને તે ચેતના, શુદ્ધ ચૈતન્ય - બ્રહ્મ.

સંપૂર્ણ દ્રશ્ય પ્રપંચ ક્ષણભંગુર અને અનિત્ય હોવાને કારણે મૃગતૃષ્ણાનું જળ અગર સ્વપ્નના સંસારની માફક માયામય છે, કેવળ એક સચ્ચિદાનંદઘન બ્રહ્મ એક જ નિત્ય સનાતન સત્ય તત્ત્વ છે. અને તેમાં તમામ પ્રપંચ માયાથી અધ્યારોપિત અધ્યસ્ત છે. આ પ્રકારે નિત્ય અને અનિત્ય વસ્તુના તત્વને સમજીને જે માણસ નિરંતર નિર્ગુણ નિરાકાર સચ્ચિદાનંદધન પરબ્રહ્મ પરમાત્મામાં અભિન્ન ભાવથી સ્થિત રહે છે તે 'તત્ત્વવિત્' કહેવાય છે.

યુક્ત: એટલે યોગી જેનામાં 'સમત્વમ્' અને 'કર્મસુકૌશલમ્' હોય. આવા 'તત્ત્વવિત્' અને 'નિષ્કામ કર્મયોગી'ને ઇન્દ્રિયોનો વ્યવહાર કરતી વખતે આ કાર્ય હું નથી કરતો પરંતુ ઇન્દ્રિયોથી સ્વયં આ કર્મ થઇ રહ્યું છે એવો અનુભવ સદાકાળ સતત તેને થાય છે. આ વાત પ્રથમ તો સમજવી થોડી કઠણ છે. કોઈ અત્યાચારી, વ્યભિચારી, દુરાચારી પણ દંભથી કહે કે 'હું પોતે અત્યાચાર, વ્યભિચાર, દુરાચાર નથી કરતો પરંતુ મારી ઇન્દ્રિયો એ વ્યભિચાર કરે છે' - તો તેનું આ કથન નિતાન્ત અસત્ય છે. કારણ કે 'તત્ત્વવિત્ યોગી' જે હોય તેનાથી આવો હીન આચાર થવાનું સર્વથા અસંભવ છે.

એક માત્ર 'તત્ત્વવિત્ યોગી' જ કહી શકે કે 'મારી ઇન્દ્રિયો દ્વારા જે કાંઈ થઇ રહ્યું છે તેની સાથે મારો કોઈ સંબંધ નથી. તે હું નથી કરતો પરંતુ તેનો કર્તા મારાથી ભિન્ન છે.'

આ શ્લોકમાં ઇન્દ્રિયોની ૧૩ ક્રિયાઓ ગણાવી છે તે તપાસો.

ઉન્મિષન્ નિમિષન્ |

દરેક માણસ કબૂલ કરશે કે આંખોનું ખૂલવું અને મીચાવું આ ક્રિયા હું નથી કરતો. તે સ્વયં થયા કરે છે. તેના કર્તૃત્વપણાનો અહંકાર મને નથી.

વિસૃજન ગૃહણન |

ગુદાનું કાર્ય. બહુ ઝાડા થઇ જાય અગર તો ઝાડો - પેશાબ બંધ થઇ જાય તો તેમાં અપાન વાયુનો કાબૂ છે તેમાં માણસ કર્તૃત્વનો અહંકાર કરતો નથી.

સ્વપન |

'હું હવે નિદ્રા લાવું છું' એમ કહીને નિદ્રા લાવવાનો પ્રયત્ન કરે તો નિદ્રા આવવી બંધ થઇ જાય. પોતાના કર્તૃત્વનો અહંકાર છોડવાથી જ નિદ્રા આવવાની સંભાવના છે.

શ્વસન |

માણસ પોતાની જાતે શ્વાસ લેવાનું બંધ કરી શકતો નથી. અને બંધ થઇ જાય તો ચાલુ કરી શકતો નથી.

એ પ્રમાણે હૃદયના ધબકારાનું, નાડીઓમાં લોહીના પરિભ્રમણનું, પાચનક્રિયાનું વગેરે તમામ ઇંદ્રિયોની ક્રિયાઓ તે બંધ કરી શકતો નથી અને પેરેલિસિસ (paralysis) લકવો થાય તો તે ચાલુ કરી શકતો નથી.

ઉપરોક્ત શરીરથી થતા તમામ કર્મ કોઈ સ્વતંત્ર શક્તિથી થતા હોય છે. આ કર્મોના વિષયમાં માણસ કર્તૃત્વનો અહંકાર કરે તે મૂર્ખતા છે. મનુષ્ય પ્રયત્ન ના કરે તો પણ આ કર્મો શરીરથી સ્વયં થયા કરવાના.

તો પછી આ કર્મોનો કર્તા કોણ છે?

જેણે કોઈ વિશેષ ઉદ્દેશ્યને માટે આ શરીર નિર્માણ કર્યું છે તે આ શરીરથી તે કર્મો કરાવે છે. જો શરીર નિર્માણ કરવામાં તેનો કોઈ વિશેષ ઉદ્દેશ છે તો નિ:સંદેહ તેને સ્વસ્થ રાખવા માટે અત્યંત આવશ્યક તે કર્મ કરવા પણ તેને આવશ્યક છે. પોતાનું શરીર નિર્માણ કરવામાં કયો ઉદ્દેશ છે તેની ખબર સાધારણ માણસને નથી હોતી પરંતુ આ આખો સંસાર કોઈ વિશિષ્ટ ઉદ્દેશની પૂર્તિ માટે બનાવ્યો છે, માટે આ સંસારની અંદર જે જે બધા સંસારના અવયવરૂપ અનંત શરીર રચાયા છે. તે પણ એ જ ઉદ્દેશની પૂર્તિને માટે જ હોવાનો સંભવ છે. આ ઉદ્દેશ આપણે નથી જાણતા પરંતુ તેની રચના કરનાર અવશ્ય જાણતો જ હશે. કારણકે વિના કારણ, વિના ઉદ્દેશ આ સંસારની રચના માનવી અશક્ય છે.

ઈશ્વરઃ સર્વભૂતાનાં હૃદ્દેશેઽર્જુન તિષ્ઠતિ ।

ભ્રામયન્સર્વભૂતાનિ યન્ત્રારૂઢાનિ માયયા ॥

(ગીતા - ૧૮/૬૧)

આખા જગતનું ભ્રમણ ઈશ્વર જ કરી રહ્યો છે. જોઈ એક વિશિષ્ટ ઉદ્દેશથી જેની આપણને ખબર નથી પણ તે તો જરૂર જાણે જ છે. મારુ શરીર સંસારનો એક ભાગ છે. સંસારની સાથે તે પણ બને છે, બગડે છે અને ઘૂમ્યા કરે છે અને એનાથી જે પૂર્વોક્ત કર્મો થાય છે તે તેની ગતિથી જ થઇ રહ્યા છે. આ કર્મો આપણે કરતા પણ નથી અને તેને રોકવાની પણ આપણામાં શક્તિ નથી.

હું કરું હું કરું એ જ અજ્ઞાન છે.

શકટનો ભાર જેમ શ્વાન તાણે.

ઈશ્વરની સાર્વભૌતિક શક્તિ જ આ કર્મોને કરે છે. માટે તમામ કર્મોમાં કર્તાપણાના અહંકાર છોડીને ઈશ્વરાર્પણ બુદ્ધિથી જે માણસ કર્મો કરે છે તેના શરીરમાં તેનો અહંકાર કામ નથી કરતો. તે સમયે પરમાત્માની સાર્વભૌમ પ્રેરણાથી તેના શરીરનો તથા તમામ ઇન્દ્રિયોનો વ્યાપાર વિશિષ્ટ સાર્વભૌમ ઉદ્દેશ પૂર્ણ કરવાને માટે જ હોય છે. પોતાનો અહંકાર શૂન્ય થતાની સાથે જ પરમાત્માની પ્રેરણા શરુ થાય છે.

ખરેખર તો અહંકાર નષ્ટ થતા 'હું કાંઈ પણ કરતો નથી - નૈવ કિંચિત કરોમિ' એવું કહેવાનો અર્થ એ છે કે 'વ્યક્તિગત સ્વાર્થ માટેના નાના કાર્યો છોડીને હું સમૂહગત પરમાત્માના વિશાલ કાર્યમાં સમર્પિત થાઉં છું.' આમાં કર્મનો અભાવ નથી પરંતુ તેમાં સાર્વભૌમિક મહાકર્મોની સંભાવના બતાવી છે.