શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૫

કર્મ સંન્યાસ યોગ

યત્સાઙ્ખ્યૈઃ પ્રાપ્યતે સ્થાનં તદ્યોગૈરપિ ગમ્યતે ।
એકં સાઙ્ખ્યં ચ યોગં ચ યઃ પશ્યતિ સ પશ્યતિ ॥૫॥

યત્ સાંખ્યૈ: પ્રાપ્યતે સ્થાનમ્ તત્ યોગૈ: અપિ ગમ્યતે

એકમ્ સાંખ્યમ્ ચ યોગમ્ ચ યઃ પશ્યતિ સ: પશ્યતિ

વળી :-

ચ - અને

યોગમ્ - કર્મયોગને

એકમ્ - એક (પરમાત્માની) પ્રાપ્તિના સાધનરૂપે

પશ્યતિ - જુએ છે. (જાણે છે)

સ: - તે પુરુષ

ચ - જ

પશ્યતિ - (યથાર્થ) જુએ છે, (જાણે છે)

સાંખ્યૈ: - જ્ઞાનીઓ વડે

યત્ - જે

સ્થાનમ્ - પરમ ધામ

પ્રાપ્યતે - પ્રાપ્ત કરાય છે.

યોગૈ: - કર્મયોગીઓ વડે

અપિ - પણ

તત્ - તે (સ્થાન)

ગમ્યતે - મેળવાય છે. (માટે)

ય: - જે પુરુષ

સાંખ્યમ્ - જ્ઞાનયોગ

જ્ઞાનીઓ જે પરમ પદને પ્રાપ્ત કરે છે તે જ કર્મયોગીઓ પણ પ્રાપ્ત કરે છે. તેથી જે મનુષ્ય જ્ઞાનયોગ અને કર્મયોગને એકરૂપ જુએ છે તે જ બરાબર જુએ છે. (૫)

ભાવાર્થ

કોઈ માણસને ઈન્ડિયાથી અમેરિકા જવું હોય તો જો તે અહીંથી સીધો ને સીધો પૂર્વ દિશામાં જ પ્લેનમાં જાય તો તે અમેરિકા પહોંચે અગર તો પશ્ચિમ ને પશ્ચિમ દિશામાં સીધો ને સીધો જાય તો પણ તે અમેરિકા પહોંચે.

એવી જ રીતે સાંખ્ય અને કર્મયોગની સાધન - પ્રણાલીમાં પરસ્પર ભેદ હોવા છતાં જો માણસ બે માંથી કોઈ પણ એક સાધનમાં દ્રઢતાપૂર્વક લગાતાર રહે તો તે બંને માર્ગોનું એક માત્ર પરમ લક્ષ્ય પરમાત્મા સુધી જરૂર પહોંચી જાય.

દર્દીની નાડી તપાસીને વૈદ્ય એક દર્દીને માત્ર દહીં જ ખાવાની સલાહ આપે અને બીજા દર્દીને બિલકુલ દહીં નહીં ખાવાની સલાહ આપે છે. આ બંને માર્ગનું એક જ ફળ 'આરોગ્ય' છે. એક જ ફળની પ્રાપ્તિ કરાવનાર હોવાથી આ બંને માર્ગ પૃથક્ નથી. માત્ર સાધનાની પ્રણાલી પૃથક છે, સાધ્ય તો એક જ છે.

એટલા માટે સંતો - મહાત્માઓએ દેશ, કાળ, પરિસ્થિતિ તથા સાધકની યોગ્યતાને લક્ષ્યમાં રાખીને

  • કોઈ વખત જ્ઞાનમાર્ગની શ્રેષ્ઠતાનાં વખાણ કર્યા છે. તેમાં કર્મયોગની નિંદા નથી અને

  • કોઈ વખત કર્મમાર્ગને શ્રેષ્ઠ બતાવ્યો છે તેમાં જ્ઞાનમાર્ગની નિંદા નથી.

  • સત્ત્વગુણની પ્રાધાન્યતાવાળા સાધકને જ્ઞાનમાર્ગનો ઉપદેશ કર્યો છે.

  • રજોગુણી જીવને નિષ્કામ કર્મયોગનો ઉપદેશ કર્યો છે અને

  • તમોગુણી જીવને સકામ કર્મયોગનો ઉપદેશ કર્યો છે. તમોગુણી જીવ આળસ અને પ્રમાદમાં પડ્યો ના રહે અને કર્મમાં તેની રુચિ પેદા થાય તેટલા માટે તેને ભૌતિક અને સ્વર્ગીય સુખોની લાલચ આપી છે. રોચનાર્થા ફલશ્રુતિ: |

જે માણસ કર્મ છોડી દે છે તે તો શાંત થઇ જાય છે, કારણ કે પછીથી તેને અશાંતિનું કોઈ કારણ રહેતું નથી. પરંતુ જે માણસ કર્મફળની આકાંક્ષા - આસક્તિ છોડી દે છે તેની આજુબાજુ અશાંતિના તમામ કારણો મોજૂદ હોવા છતાં તે શાંત રહી શકે છે. કારણ કે તેના અંતઃકરણમાં અશાંતિને પકડનારી (ફ્લાકાંક્ષા) ગ્રાહકતા (receptivity) જ નષ્ટ થઇ જાય છે.