શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૫

કર્મ સંન્યાસ યોગ

શક્નોતીહૈવ યઃ સોઢું પ્રાક્શરીરવિમોક્ષણાત્ ।
કામક્રોધોદ્ભવં વેગં સ યુક્તઃ સ સુખી નરઃ ॥૨૩॥

શક્નોતિ ઇહ એવ યઃ સોઢુમ્ પ્રાક્ શરીરવિમોક્ષણાત્

કામક્રોધોદ્ભવમ્ વેગમ્ સ યુક્તઃ સ સુખી નરઃ

વેગમ્ - આવેશને

સોઢુમ્ - સહન કરવામાં

શક્નોતિ - સમર્થ છે,

સ: - તે

યુક્તઃ - યોગી છે (અને)

સ: - તે (જ)

સુખી - સુખી (છે).

યઃ - જે

નરઃ - પુરુષ

શરીરવિમોક્ષણાત્ - શરીર છોડતા

પ્રાક્ - પહેલા

ઇહ - આ લોકમાં

એવ - જ

કામક્રોધોદ્ભવમ્ - કામ અને ક્રોધથી ઉપજેલા

જે મનુષ્ય શરીર છૂટતા પહેલા કામ અને ક્રોધથી ઉપજતા વેગને અહીં જ સહેવા સમર્થ છે, તે પુરુષ યોગી છે અને તે સુખી છે. (૨૩)

ભાવાર્થ

જીવનમાં જેણે કામ અને ક્રોધ જીત્યા તે યોગી પરલોકમાં મુક્તિ અને આનંદને પ્રાપ્ત કરે છે કામનો અર્થ બીજાનાથી સુખ પ્રાપ્ત કરવાની આકાંક્ષા. જ્યાં જ્યાં બીજાનાથી સુખ પ્રાપ્ત કરવાની આકાંક્ષા થાય તેનું નામ કામ - કામ એ એક મોટી વિરાટ ઘટના છે.

કામ માત્ર યૌન નથી, સેક્સ નથી. કામ વિરાટ ઘટના છે. યૌન પણ કામની વિરાટ જળનો એક નાનો સરખો હિસ્સો છે. જ્યાં બીજાનાથી સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા (કામના) જાગે ત્યાં જ બીજાઓનું શોષણ કરવાના રસ્તાઓ નિર્મિત થાય છે અને બીજાઓનું શોષણ કરવામાં કોઈ વિઘ્ન નાખે તો તેના પ્રત્યે ક્રોધ થાય છે. કામ અને ક્રોધનો સંયુક્ત વેગ છે.

કામ એષ ક્રોધ એષ રજોગુણસમુદ્ભવઃ ।

મહાશનો મહાપાપ્મા વિદ્ધ્યેનમિહ વૈરિણમ્ ॥

(ગીતા - ૩/૩૭)

ઇન્દ્રિયાણિ મનો બુદ્ધિરસ્યાધિષ્ઠાનમુચ્યતે ।

એતૈર્વિમોહયત્યેષ જ્ઞાનમાવૃત્ય દેહિનમ્ ॥

(ગીતા - ૩/૪૦)

તસ્માત્ત્વમિન્દ્રિયાણ્યાદૌ નિયમ્ય ભરતર્ષભ ।

પાપ્માનં પ્રજહિ હ્યેનં જ્ઞાનવિજ્ઞાનનાશનમ્ ॥

(ગીતા - ૩/૪૧)

કામ એક વિરાટ ઘટના છે, કારણ કે માણસ કામને માટે જ - કામને લીધે જ જીવે છે. ધન પણ માણસ એટલા માટે જ એકઠું કરે છે કે તેનાથી કામ ખરીદી શકાય. યશ પણ માણસ એટલા માટે પ્રાપ્ત કરવા મથે છે કે તેનાથી તેની કામની તૃપ્તિ થાય.

કામ અને ક્રોધની સંયુક્ત ઘટના છે. માણસ કામથી ઉભરાય તો ક્રોધ ગાયબ થઇ જાય અને ક્રોધથી ઉભરાય તો કામ ગાયબ થઇ જાય. બંનેથી છુટકારો તો ત્યારે જ થાય જયારે આંતરિક આનંદની ઉપલબ્ધી થાય. આંતરિક આનંદનો રસાસ્વાદ નહીં ચાખે ત્યાં સુધી તેને કામના અને ક્રોધના ઉકાંટા ચાલુ જ રહેવાના. આંતરિક આનંદ બાહ્ય પદાર્થોમાંથી નહીં મળે. બાહ્યપદાર્થોમાંથી આસક્તિ છૂટે તો જ આંતરિક આનંદની અનુભૂતિ થાય અને ત્યારે જ તે યુક્ત (પરમાત્માથી જોડાયેલો) અને સુખી થાય. એટલા માટે ભગવાને ગીતામાં કહ્યું છે કે -

આપૂર્યમાણમચલપ્રતિષ્ઠં સમુદ્રમાપઃ પ્રવિશન્તિ યદ્વત્ ।

તદ્વત્કામા યં પ્રવિશન્તિ સર્વે સ શાન્તિમાપ્નોતિ ન કામકામી ॥

(ગીતા - ૨/૭૦)

મને મારી અંદર આનંદસુખ નથી દેખાતું એટલા માટે હું બીજા પાસે જાઉં છું પરંતુ તે બીજો માણસ મારી પાસેથી સુખ ખોળવા મથતો હોય છે. આમ બે ભિખારી એકબીજા સામે ભિક્ષાપાત્ર લઈને બેઠા હોય છે. હું સુખ માટે જેની પાછળ દોડતો હોઉં છું તે માણસ સુખ માટે મારી પાછળ અગર બીજા કોઈની પાછળ દોડતો હોય છે. એટલે કે એકેયની પાસે સુખ આપવાની સામગ્રી હોતી નથી. જો માણસ પાસે બીજાને સુખ આપવાની સામગ્રી હોય તો પહેલા તે પોતે જ સુખ ના વાપરે? શા માટે બીજાની પાછળ સુખ માટે ફાંફા મારે ? જેને પોતાની પાસે પોતાનું નિજી સુખ (આનંદ) નથી તે બીજાને કેવી રીતે સુખી કરી શકે?

કામથી એ જ વ્યક્તિ મુક્ત થઇ શકે જેની પાસે આનંદનો આંતરિક સ્ત્રોત ઉપલબ્ધ હોય. જીવનની ઉર્જાને કામથી હટાવીને રામ બાજુ લઇ જાય તો જ સુખી થવાય.

  • કામ એટલે બીજાઓ ઉપર નિર્ભરતા. જયારે રામ છે સ્વનિર્ભરતા.

  • કામ છે બહિર્ગમન, રામ છે અંતર્ગમન.

  • કામ અને રામની વચમાં આપણા આખા જીવનનું આંદોલન છે.

  • જે બહાર દોટયો મૂકે છે તેને કામ જ કામ દેખાય છે, સંભળાય છે.

  • જે અંતર્મુખ બને છે તેને રામ જ રામ દેખાય છે. સંભળાય છે.

    અર્જુનના માથાના વાળમાંથી પણ રામનામનો ધ્વનિ સંભળાય. કામીના રૂંવે રુંવામાં કામની ગંધ આવે.