હે કૃષ્ણ ! આપ કર્મોના સંન્યાસની અને પાછી (કર્મોના) યોગની પ્રશંસા કરો છો; તો એ બંનેમાંથી જે એક મારે માટે કલ્યાણકારક હોય તે નિશ્ચિત કરીને કહો. (૧)
ભાવાર્થ
ગીતાના ત્રીજા અધ્યાયના પહેલા શ્લોકમાં અર્જુને જે સવાલ પૂછ્યો હતો લગભગ તે જ પ્રકારનો સવાલ વળી ફરીથી અર્જુન આ પાંચમા અધ્યાયના પહેલા શ્લોકમાં પૂછે છે. અર્જુન પૂછે છે કે કર્મોનો સંન્યાસ એટલે કે સાંખ્ય અને નિષ્કામકર્મયોગ એટલે કે યોગ, એ બેમાં જે નિશ્ચિત કલ્યાણકારક હોય તે મને કહો. એટલે કે સાંખ્ય અને યોગને વધારે વિગતથી સમજાવો.
આખા ત્રીજા અને ચોથા અધ્યાયમાં ભગવાને અર્જુન સમક્ષ સાંખ્ય અને યોગ (જ્ઞાન અને નિષ્કામકર્મ - ભક્તિ)ની સમસ્યાઓ ખુલ્લી કરીને મૂકી. બધાય Pros and Cons સમજાવ્યા. નિર્ણય હવે અર્જુને કરવો જોઈએ. પરંતુ અર્જુનથી હજુ એક નિર્ણય ઉપર આવી શકાતું નથી. તેથી તેને રેડીમેઈડ જવાબ કૃષ્ણ પાસેથી આદેશના રૂપમાં જોઈએ છે. અર્જુનને તૈયાર રસોઈ ઉપર બેસવું છે. તેને પચાવેલું ભોજન જોઈએ છે.
જે દિવસે પચાવેલું ભોજન મળશે તે દિવસે માણસ પ્લાસ્ટિકનો હશે, જીવતો માણસ નહીં હોય. જીવનમાં પ્રવેશ કરવો હોય તો માણસે જાતે ભોજન પચાવવું જોઈએ. અને પરમાત્મામાં પ્રવેશ કરવો હોય તો જીવનના અનુભવોને માણસે જાતે પચાવીને નિર્ણય કરવો જોઈએ. ગુરુ તો ભોજન (જ્ઞાન) પીરસે, પચાવવાનું કામ શિષ્યનું છે. અર્જુનને તૈયાર પચાવેલું ભોજન (જ્ઞાન) જોઈએ છે.
માણસે હંમેશા પોતાની આંખથી (હૈયાસૂઝથી, કોઠાસૂઝથી) જોવા પ્રયત્ન કરવો જોઈએ. જેને હૈયાસૂઝ (કોઠાસૂઝ) નથી તેવા શિષ્યોને હૈયાફૂટા ગુરુઓ પણ મળી રહે છે. અને તેથી 'અન્ધેનૈવ નીયમાના: યથાન્ધા:' આંધળાઓને આંધળો દોરે તેવો ઘાટ થાય છે. આવા હૈયાફૂટા ગુરુઓ શિષ્યની પાત્રતાનો વિચાર કર્યા વગર પૈસાની લાલચમાં હૈયાસૂઝ વગરના શિષ્યોનું શોષણ કરે છે.
કારીતા કણલોભેન કથાસાર: તતો ગત: | (શ્રીમદ્ ભાગવત)
કૃષ્ણ એવા લાલચુ ગુરુ નથી જે અર્જુનને રેડીમેઈડ (Readymade) જવાબ આપે.