પરંતુ હે મહાબાહો ! કર્મયોગ વિના સંન્યાસકર્મોમાં કર્તાપણાના ભાવનો ત્યાગ સિદ્ધ થવો મુશ્કેલ છે અને કર્મયોગમાં જોડાયેલો મુનિ (સાધક) વિનાવિલંબે પરબ્રહ્મને પામે છે. (૬)
ભાવાર્થ
સંન્યાસ એટલે મન, ઇન્દ્રિયો અને શરીર દ્વારા થનારા સંપૂર્ણ કર્મોમાં કર્તાપણાના અહંકારનો ત્યાગ (કર્મનો ત્યાગ નહીં). આવો સંન્યાસ કર્મયોગ વગર પ્રાપ્ત થવો પણ કઠણ છે. મુનિ એટલે ભગવદ્ સ્વરૂપનું સતત મનન કરનાર એવો કર્મયોગી મુનિ પરમાત્માને શીઘ્ર પ્રાપ્ત કરી શકે છે.
જો કોઈ મુમુક્ષુ સાધક 'બ્રહ્મસત્યમ્ જગત મિથ્યા' એ સિદ્ધાંતમાં માનતો હોય છતાં પણ જ્યાં સુધી તેના અંતઃકરણની શુદ્ધિ ના થઇ હોય એટલે કે જ્યાં સુધી તેના અંતઃકરણમાં કામ, ક્રોધ, રાગ, દ્વેષ વગેરે દોષો મોજૂદ હોય તેવો સાધક કદાચ અંતઃકરણની શુદ્ધિને માટે કર્મયોગનું આચરણ ના કરતા માત્ર પોતાની માન્યતાના ભરોસા પર જ સાંખ્યયોગના સાધનમાં લાગી જવાની ઈચ્છા કરે તો તેને 'સાંખ્ય નિષ્ઠા' સહજમાં પ્રાપ્ત નહીં થઇ શકે. જયારે ભક્તિયુક્ત નિષ્કામ કર્મયોગી મુનિ ભગવદ્કૃપાથી પરમાત્માને સહેલાઈથી પ્રાપ્ત કરી શકે.
ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામ બહિર્મુખી ધર્મો છે. તેમાં મન્સુર જેવો કોઈ અંતર્મુખી વ્યક્તિ પેદા થાય જે 'અહં બ્રહ્માસ્મિ' (અનલહક્ક) બોલે તો લોકો તેના કાપીને ટુકડા કરી નાખે.
બુદ્ધ, મહાવીરનો ધર્મ અંતર્મુખી છે. તેમાં કોઈ બહિર્મુખી વ્યક્તિ પાકે તો તે મુશ્કેલીમાં મુકાઈ જાય.
ભારતમાં જેટલા ધર્મો નિર્મિત થયા છે તે મોટા ભાગે અંતર્મુખી થયા અને ભારતની બહાર જે ધર્મો નિર્મિત થયા, ઇસ્લામ, ક્રીશ્ચિયાનિટી વગેરે, તે બહિર્મુખી થયા, તેઓ ધ્યાનધારણા વિકસિત ના કરી શક્ય, માત્ર prayer - પ્રાર્થનાથી કામ ચલાવ્યું.
કર્મસંન્યાસ અને કર્મયોગ બંનેમાં સંપૂર્ણ આત્મબળશક્તિ જોઈએ. આળસુ માણસ બેમાંથી એકેય ના સાધી શકે. આળસુ માણસ કર્મ છોડી દે તે કર્મસંન્યાસ ના કહેવાય. કર્મસંન્યાસ માટે પણ વિરાટ ઉર્જાની જરૂર છે.
જ્યાં સુધી આકાંક્ષા - ફલાસક્તિ છૂટી ના જાય અને કર્મમાં નિષ્કામતા ના સધાય ત્યાં સુધી કોઈ વ્યક્તિને માટે કર્મસંન્યાસ માર્ગ આસાન નથી. જે માણસ આકાંક્ષા નથી છોડી શકતો તેનાથી કર્મ કેવી રીતે છોડી શકાય. આકાંક્ષા છોડ્યા વગર કર્મ છોડે તો કર્મ તો છૂટી જાય પરંતુ આકાંક્ષા ઉભી જ રહે. ચોર ચોરી કરે તેને જેલમાં પૂરી દો તો તેનું ચોરીનું કર્મ છૂટી જાય પરંતુ ચોરી કરવાની આકાંક્ષા તો ઉભી જ રહે. સ્ત્રી, ધન, મકાન વગેરેમાં જ્યાં સુધી આકાંક્ષા છૂટી નથી ત્યાં સુધી ધંધો, સ્ત્રી, ધન, બંગલો છોડી કર્મસંન્યાસ લેવો વ્યર્થ છે.
પરિસ્થિતિ બદલાય પણ મન:સ્થિતિ ના બદલાય તો માત્ર પરિસ્થિતિ બદલવાથી ઉલટું નુકસાન થાય. મન:સ્થિતિ બદલાય તો ગમે તેવી પરિસ્થિતિ પણ લાભદાયક બની શકે. મન:સ્થિતિ બદલવી બહુ કઠણ છે. પરિસ્થિતિ બદલવી બહુ કઠણ નથી. મન:સ્થિતિ બદલાયા વગર પરિસ્થિતિ બદલીને કર્મસંન્યાસ લેવાથી ઉલટો કર્મસન્યાસનો અહંકાર વધશે. મારો અહંકાર - મમકાર હવે ખતમ થઇ ગયો છે એવો ખ્યાલ રહેવો તે પણ ઘેરો અહંકાર છે.
એટલા માટે પહેલા નિષ્કામ કર્મયોગ સાધવો જોઈએ. નિષ્કામ કર્મયોગ સધાય તો પછી કર્મત્યાગ પણ સહેલાઈથી થઇ શકે. ખરેખર તો કર્મયોગ સધાય પછી કર્મત્યાગ કરો કે ના કરો બંને સરખું છે. બંનેમાં નિષ્કામતા અનિવાર્ય શરત છે.
નિષ્કામતા ના સધાય ત્યાં સુધી કર્મ છોડવું સહેલું નથી. આપણને એમ લાગે છે કે કર્મત્યાગ સરળ છે. પત્નીને અગર દુકાનને છોડીને નાસી જવું સહેલું છે. તેમાંય ખાસ કરીને જયારે બૈરીનો માર ખાવો પડતો હોય અગર તો દુકાનમાં દેવાળું ફુક્યું હોય ત્યારે તો બૈરી, ધંધો છોડીને ભાગી જવું બહુ જ સહેલું છે. પરંતુ તેને કર્મસંન્યાસ ના કહેવાય. તુલસીદાસજી કહે છે તેમ 'નારી મૂઈ ઘર સંપત્તિ નાસી, મુંડ મુંડાઈ ભયેઉ સંન્યાસી' તેના જેવો ઘાટ થાય.