યોગીઓ શરીરથી, મનથી, બુદ્ધિથી અથવા ઇન્દ્રિયોથી કેવળ અંતઃકરણની શુદ્ધિ માટે જ અનાસક્તિપૂર્વક કર્મો કરે છે. (૧૧)
ભાવાર્થ
નિષ્કામ કર્મયોગી મમત્વબુદ્ધિરહિત મન - બુદ્ધિ - શરીર અને ઇન્દ્રિયોમાં મમતા રાખ્યા વગર લૌકિક સ્વાર્થથી સદા રહિત થઈને માત્ર આત્મશુદ્ધિ માટે નિષ્કામભાવથી સમસ્ત કર્તવ્યકર્મ કરે છે, તેના કર્મ નિર્દોષ હોય છે.
અદભિ: ગાત્રાણિ શુદ્ધયન્તિ મન: સત્યેન શુધ્ધયતિ |
વિદ્યાતપોભ્યામ ભૂતાત્મા બુદ્ધિ: જ્ઞાનેન શુધ્ધયતિ ||
(મનુ - ૫/૧૦૯)
જલસ્નાન, સત્યપાલન, વિદ્યાર્જન, તપશ્વર્યા, જ્ઞાનાર્જન એ બધા કર્મ છે જેનાથી મનુષ્યની શુદ્ધિ થાય છે.
સાઇકલ ચલાવવા અડધો કલાક સુધી સતત પેડલ મારો પછી દસ મિનિટ પેડલ ના મારો તો પણ આગળના મોમેન્ટમને લીધે સાઇકલ ચાલ્યા કરે અને ઢાળ આવે તો વધારે મોમેન્ટમ પકડે અને ચઢાણ આવે તો મોમેન્ટમ કપાતું જાય.
તેવી જ રીતે મનુષ્ય ચાલુ જીવનકાળમાં કર્મ કરવાનું બંધ કરવા ધારે તો પણ તે કરી શકે નહીં. તેના પાછલા અનેક જન્મોના કર્મોની ગતિના કારણે તેના આજીવન કર્મો ચાલુ જ રહે અને તે પણ જો આસક્તિ રાખીને ભૌતિક પદાર્થો સુખો માટે સંસાર તરફી (ઢોળાવ તરફી) સાંસારિક કર્મો કરે તો તેના કર્મોનું મોમેન્ટમ વધે, પણ જો તે પરમાત્માને સન્મુખ રાખીને (ચઢાણ તરફ) નિષ્કામ કર્મો કરે તો તેના કર્મોનું મોમેન્ટમ કપાય.
નિષ્કામ કર્મયોગી તેના પાછલા કર્મોની જે ગતિ (મોમેન્ટમ) છે તે કાપવા માટે 'સંગં ત્યક્ત્વા આત્મશુદ્ધયે' નિષ્કામ કર્મોમાં સદા પ્રવૃત રહે છે અને પાછલા જન્મોના કર્મો ભૂંસી નાખવા (Undone કરવા) માટે અને એ રીતે અંતઃકરણ શુદ્ધ કરવા માટે તે નિષ્કામ કર્મો કરે છે.
પાછલા જન્મોમાં તેણે ક્રોધ કર્યો હોય તો આ જન્મમાં તે ક્ષમાનાં કામો કરે. કઠોરતા અગર ક્રૂરતા કરી હોય તો કરુણાના કર્મો કરે. અતીતમાં વાસના અને કામનાથી ઘેરાઈને કર્મો કર્યા હોય તો તે હવે સેવાના કર્મો કરવામાં જીવન વ્યતીત કરે. ટૂંકાણમાં અત્યાર સુધી તેણે જે કર્મો કર્યા છે તેનાથી બિલકુલ વિપરીત (ઢોળાવ તરફ નહીં પરંતુ ચઢાણ તરફ, સંસાર તરફ નહીં પરંતુ પરમાત્મા તરફ) કર્મો આ જીવનમાં અનાસક્ત ભાવે (સંગંત્યક્ત્વા) કરીને અંતઃકરણની શુદ્ધિ કરે.