કર્મસંન્યાસ અને કર્મયોગ - એ બંને ય ચોક્કસ કલ્યાણ કરનારા છે; પણ તે બંનેમાં કર્મસંન્યાસ કરતા કર્મયોગ વધારે સારો છે. (૨)
ભાવાર્થ
૧. સંન્યાસ એટલે કર્મસંન્યાસ. કર્મનો સમ્યક્ ન્યાસ (સમજણપૂર્વક ભક્તિભાવપૂર્વક ન્યાસ, ત્યાગ).
૨. કર્મયોગ એટલે નિષ્કામ કર્મ (ભક્તિભાવવાળું કર્મ)
બંને માર્ગ સાધક માટે નિ:શ્રેયસ્કર છે, છતાં બીજો માર્ગ સુગમ હોવાથી વધારે કલ્યાણકારી છે.
કર્મસંન્યાસની તરફેણમાં દલીલો:
૧. સમસ્ત કર્મોનું રૂપ પાણી ઉપર ખેંચેલી રેખાઓ જેવું છે.
૨. આપણે જે કાંઈ કર્મ જન્મજન્માંતરથી કરી રહ્યા છીએ તે અસ્તિત્વમાં પાણી ઉપર ખેંચેલી રેખાઓથી વિશષ કાંઈ પણ નિર્મિત કરી શકતું નથી.
૩. કર્મસંન્યાસ એ સમજણનું નામ છે કે તમામ કર્મ પાણી ઉપર ખેંચેલી રેખાઓ જેવું જ જો છે તો પછી વ્યર્થ કર્મ કરવાથી શો લાભ?
૪. જિંદગીમાં કેટલીયે વાર અને દરરોજ કરોડો સ્વપ્ન જોયા અને તે દરરોજ સવારે મિથ્યા ઠર્યા છે. કર્મસંન્યાસ કહે છે કે કેટલાય જન્મોથી કેટલાય કર્મો કર્યા પરંતુ દર વખતે ભૂલી ગયા અને ફરી પાછા નવા જન્મ, નવા કર્મ, નવા સ્વપ્ન સાચા માનીને માણ્યા, જોયા અને પાછા તેમના વિસ્મરણ થઇ ગયા. ચાલુ જિંદગીમાં પણ અનેક કર્મ કર્યા પણ તેથી શું પામ્યા? કાંઈ નહીં. કર્મથી કાંઈ ફલિત ના થયું. કર્મ માત્ર ખેલ છે. આવું બાળકોના મિથ્યા ખેલ જેવું સમજીને પ્રૌઢ (જ્ઞાની) માણસ કર્મ (ખેલ)થી ઉપરામ પામે છે.
(૫) કર્મસંન્યાસ (કર્મનો ત્યાગ નહીં), કર્મ પ્રત્યે ઉપરોક્ત સત્યનો અનુભવ (કે કર્મનું જગત સ્વપ્નનું જગત છે) થાય ત્યારે કર્મ અનાયાસે ઓટોમેટિક છૂટી જાય, માત્ર ક્રિયા ચાલુ રહે.
(૬) કર્મસન્યાસમાં કર્મને સમજવાનો આગ્રહ છે કે કર્મ જ વ્યર્થ છે.
કર્મયોગ (નિષ્કામ કર્મ) ની તરફેણમાં દલીલો:
૧. નિષ્કામ કર્મયોગમાં કર્મના ફળની આકાંક્ષા (આસક્તિ) જે છે તેને સમજવાનો આગ્રહ છે કે તે વ્યર્થ છે. આકાંક્ષાની લીટી સફળતાની લાંબામાં લાંબી લીટીને પણ ટૂંકી બનાવી દે છે. આકાંક્ષા - અપેક્ષા સુખનું આશ્વાસન આપે છે પરંતુ દુઃખનું ફળ લાવે છે.
૨, નિષ્કામ કર્મ ત્યારે જ ફલિત થાય જયારે એવું જ્ઞાન થાય કે ફલાકાંક્ષા દુઃખરૂપ છે.
૩. ફલાકાંક્ષા થાય છે તો સુખને માટે જ (દુઃખને માટે તો નહીં જ) પરંતુ જયારે મળે છે ત્યારે દુઃખ જ હાથમાં આવે છે. આકાંક્ષા સદા સુખની જ હોય પણ ફળ દુઃખનું જ હોય. સુખ લેવા દોડે છે, પરંતુ દુઃખમાં (નરકમાં) જઈને પડે છે, ફરી પાછો બીજું સુખ (સ્વર્ગ) લેવા દોડે છે.
૪. માટે કર્મના ફળની આસક્તિ છોડીને નિષ્કામભાવે કર્મ કરતા જ રહેવું. કર્મ છોડવું નહીં પરંતુ તેના ફળમાં રહેલી આસક્તિ છોડવી. ગીતા સ્પષ્ટ કહે છે કે (૧) કર્મ છોડવું નહીં. (૨) કર્મનું જે કાંઈ ફળ મળે છે તે ભગવદપ્રસાદીરુપે સ્વીકારવું અને (૩) કર્મના ફળમાં રહેલી આસક્તિ છોડવી.
બહિર્મુખી (Extroverts) માટે કર્મયોગ શ્રેયસ્કર છે.
અંતર્મુખી (Introverts) માટે જ્ઞાનયોગ શ્રેયસ્કર છે.
માણસ પોતે પોતાના નૈસર્ગીક ભાવને અનુકૂળ માર્ગ પકડવો શ્રેયસ્કર છે. પોતાના પ્રકૃતિસ્થ ભાવને અનુકૂળ માર્ગ લેવો જોઈએ, બળાત્કારે બીજા માર્ગે જવું નહીં.
સદૃશં ચેષ્ટતે સ્વસ્યાઃ પ્રકૃતેર્જ્ઞાનવાનપિ ।
પ્રકૃતિં યાન્તિ ભૂતાનિ નિગ્રહઃ કિં કરિષ્યતિ ॥
(ગીતા - ૩/૩૩)
ભિક્ષાવૃત્તિથી, અકિંચન સંન્યાસવૃત્તિથી રહેવું તે અર્જુનની પ્રકૃતિને અનુકૂળ નથી. તેથી ભગવાને તેને છેવટે કહ્યું કે
યદહઙ્કારમાશ્રિત્ય ન યોત્સ્ય ઇતિ મન્યસે ।
મિથ્યૈષ વ્યવસાયસ્તે પ્રકૃતિસ્ત્વાં નિયોક્ષ્યતિ ॥
(ગીતા - ૧૮/૫૯)
સ્વભાવજેન કૌન્તેય નિબદ્ધઃ સ્વેન કર્મણા ।
કર્તું નેચ્છસિ યન્મોહાત્કરિષ્યસ્યવશોઽપિ તત્ ॥
(ગીતા - ૧૮/૬૦)
જ્ઞાનનિષ્ઠા માટે સંન્યાસ માર્ગ કલ્યાણકારી ઉત્તમ છે પરંતુ કર્મનિષ્ઠાવાળા (અર્જુન જેવા) માટે 'કર્મ સન્યાસાત્ કર્મયોગો વિશિષ્યતે' કર્મસંન્યાસ કરતા કર્મયોગ શ્રેષ્ઠ છે.
વેષધારી નામમાત્ર કહેવાતા સંન્યાસી ફક્ત આજીવિકા માટે સંન્યાસ ધારણ કરનાર માટે (ઉદર નિમિત્તમ્ બહુકૃતવેષમ્) જ્ઞાનમાર્ગ નુકસાનકર્તા છે. જ્ઞાનનિષ્ઠા જેની પ્રબળ સત્ત્વગુણથી ભરેલી હોય તેવા માણસો ઘણા જ ઓછા છે. મોટે ભાગે ૯૯.૯૯ ટકા લોકો કર્મનિષ્ઠાવાળા જ હોય છે. તેમને માટે 'કર્મયોગો વિશિષ્યતે' કર્મયોગ શ્રેષ્ઠ છે.
પ્રખર જ્ઞાન નિષ્ઠાવાળો માણસ કદાચ કર્મ કરશે તો પણ તેનું પતન નહીં થાય જયારે કર્મનિષ્ઠ માણસ સંન્યાસ લેશે તો પણ તેનું પતન થવાની પૂરી સંભાવના છે, કારણ કે તેનાથી સંન્યાસ પૂરેપૂરો નિભાવી શકાશે નહીં. આ કર્મયોગની વિશેષતા છે.