સાંખ્ય અને યોગ (અર્થાત જ્ઞાન અને કર્મ) એ બંને જુદા જુદા છે એમ તો અજ્ઞાનીઓ જ કહે છે, પંડિતો કહેતા નથી; કારણ કે મનુષ્ય બંનેમાંના એકને પણ ઉત્તમ રીતે આચરે તો તે બંનેનું ફળ પામે છે. (૪)
ભાવાર્થ
(સાંખ્ય) સંન્યાસ અને કર્મયોગને અજ્ઞાનીઓ (બાલા:) જુદા જુદા સમજે છે. સાંખ્ય યોગ અને કર્મયોગ બંને પરમાર્થ તત્ત્વના જ્ઞાન કલ્યાણની પ્રાપ્તિમાં હેતુ છે. બંનેનું ફળ એક જ હોવા છતાં બંનેમાં ફળભેદની કલ્પના કરનારા અને બંને સાધનને અલગ અલગ માનનારા લોકો (બાલા:) મૂર્ખ છે. ફર્સ્ટ ક્લાસનો ડબ્બો અને થર્ડ ક્લાસનો ડબ્બો બંને એક જ ટાઈમે એક જ નંબરના પ્લેટફોર્મ ઉપર પહોંચે છે. બંનેની સાધનપ્રણાલીમાં ભેદ હોવા છતાં (બંને ડબ્બાઓમાં સગવડ - સુવિધામાં ભેદ હોવા છતાં) પણ ફળમાં એકતા હોવાને કારણે વસ્તુતઃ: બંનેમાં એકતા છે. બંને નિષ્ઠાઓનું ફળ એક જ હોવાથી એકમાં જ પૂર્ણતયા સ્થિત પુરુષ બંનેના ફળને પ્રાપ્ત કરી લે છે.
ગીતા શ્લોક - ૧૩/૨૫ માં ભગવાન કહે છે.
ધ્યાનેનાત્મનિ પશ્યન્તિ કેચિદાત્માનમાત્મના ।
અન્યે સાઙ્ખ્યેન યોગેન કર્મયોગેન ચાપરે ॥
સાંખ્યયોગ અને કર્મયોગ બંનેને આત્મસાક્ષાત્કારના સ્વતંત્ર સાધન માન્યાં છે.
બે રસ્તા છે:
૧. દર્પણ આગળથી હટી જાઓ તો તસ્વીર મટી જાય અગર તો
૨. તમે ભલે દર્પણ આગળ ઉભા રહો અને દર્પણ તોડી નાખો તો તસ્વીર મટી જાય.
૧. દર્પણને તોડવું તે કર્મને છોડવા બરાબર છે અને
૨. આકાંક્ષાને - આસક્તિને તોડવી તે સ્વયં દર્પણથી હટી જવા બરાબર છે.