શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૫

કર્મ સંન્યાસ યોગ

જ્ઞેયઃ સ નિત્યસંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાઙ્ક્ષતિ ।
નિર્દ્વન્દ્વો હિ મહાબાહો સુખં બન્ધાત્પ્રમુચ્યતે ॥૩॥

જ્ઞેયઃ સ: નિત્યસંન્યાસી ય: ન દ્વેષ્ટિ ન કાઙ્ક્ષતિ

નિર્દ્વન્દ્વ: હિ મહાબાહો સુખમ્ બન્ધાત્ પ્રમુચ્યતે

જ્ઞેયઃ - જાણવો;

હિ - કેમ કે

નિર્દ્વન્દ્વ: સુખ-દુઃખમાં રાગદ્વેષ વિનાનો તે

સુખમ્ - સુખપૂર્વક (સહેલાઈથી)

બન્ધાત્ - સંસારબંધનથી

પ્રમુચ્યતે - મુક્ત થાય છે.

મહાબાહો - હે અર્જુન !

ય: - જે (પુરુષ)

ન દ્વેષ્ટિ - (દુઃખના સાધનમાં) દ્વેષ કરતો નથી.

ન કાઙ્ક્ષતિ - (સુખના સાધનને) ઈચ્છતો નથી,

સ: - તે

નિત્યસંન્યાસી - સદા સંન્યાસી

હે મહાબાહો ! જે કશાનો દ્વેષ કરતો નથી કે કશાની ઈચ્છા રાખતો નથી, તેને સદા સંન્યાસી જાણવો; કેમ કે (રાગદ્વેષાદિ) દ્વંદ્વથી રહિત (મનુષ્ય) અનાયાસે (સંસાર) બંધનથી છૂટે છે. (૩)

ભાવાર્થ

સંન્યાસનું મુખ્ય લક્ષણ છે, નિત્ય (permanently) ન દ્વેષ્ટિ, ન કાંક્ષતિ અને નિર્દ્વંદ્વ, ભોગેચ્છાની સંપૂર્ણ નિવૃત્તિ.

જેનામાં જરા પણ ભોગેચ્છા હોય તે સંન્યાસ માટે નાલાયક ઠરે. સંન્યાસધર્મની આ કઠિનતા છે, કારણ કે મોટા ભાગના માણસો ભોગેચ્છાયુક્ત હોય છે. આવા ભોગેચ્છાયુક્ત માણસો પોતાની ઉન્નતિ કેવી રીતે કરી શકે? તેના જવાબમાં ભગવાન કર્મયોગની વિશેષતા બતાવે છે. કર્મયોગમાં, નિષ્કામ કર્મયોગમાં ભોગેચ્છાનો સંપૂર્ણ ત્યાગ કરવાનું આવશ્યક નથી. જનક રાજાની માફક રાજ્ય ભોગવતા છતાં શ્રેય પ્રાપ્ત થઇ શકે.

અંતર્મુખી ધર્મને માટે ધ્યાન છે, બહીર્મુખી ધર્મને માટે પ્રાર્થના છે. અંતર્મુખી કહે છે, 'અહં બ્રહ્માસ્મિ', બહિર્મુખી કહે છે 'સર્વમ ખલુ ઇદં બ્રહ્મ'. બંને એક જ વાત છે.

તે (સ:) નિષ્કામ કર્મયોગીને નિત્ય (સદા) સંન્યાસી જ જાણવો કે જે કદાપિ દ્વેષ કરતો નથી (ન દ્વેષ્ટિ), કાંઈ પણ આકાંક્ષા કરતો નથી (ન કાંક્ષતિ). કર્મયોગી કર્મયોગ કરતો હોવા છતાં તે નિત્ય સંન્યાસી જ છે. અને તે નિર્દ્વંદ્વ થવાથી તે અનાયાસે સંસારબંધનથી છૂટી જાય છે, તેને શીઘ્ર પરમાત્માની પ્રાપ્તિ થાય છે.

કર્મયોગની વિશેષતાઓ અનેક ઠેકાણે પરમાત્માએ નીચે પ્રમાણે બતાવેલી છે.

૧. સુખમ્ બન્ધાત્ પ્રમુચ્યતે | - સુખપૂર્વક સંસારબંધનથી મુક્ત થાય છે. (ગીતા - ૫/૩)

૨. યોગયુક્તો મુનિ: બ્રહ્મ ન ચિરેણ અધિગચ્છતિ | (ગીતા - ૫/૬)

૩. પ્રત્યેક અવસ્થામાં ભગવાન તેની રક્ષા કરે છે.

અનન્યાશ્ચિન્તયન્તો માં યે જનાઃ પર્યુપાસતે ।

તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ્ ॥

(ગીતા - ૯/૨૨)

૪. કર્મયોગનું

સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત્ ॥

(ગીતા - ૨/૪૦)

સ્વલ્પ આચરણ પણ મહાન ભયથી બચાવી લે છે.

જયારે જ્ઞાનયોગનું સાધન બહુ જ કઠણ અને ક્લેશયુકત હોય છે.

ક્લેશોઽધિકતરસ્તેષામવ્યક્તાસક્તચેતસામ્ ।

(ગીતા - ૧૨/૫)

અયોગત: એટલે કે પહેલા કર્મયોગનું સાધન કર્યા વગર જ્ઞાનયોગનું સાધન કઠણ પડે છે. (ગીતા - ૫/૬). ઉપરોક્ત કારણોસર જ્ઞાનયોગ કરતા કર્મયોગ શ્રેષ્ઠ છે. નિષ્કામકર્મયોગી

(૧) ન દ્વેષ્ટિ

(૨) ન કાંક્ષતિ

(૩) નિર્દ્વંદ્વ હોય.

વાસ્તવમાં સંન્યાસ પણ આ જ સ્થિતિનું નામ છે. રાગદ્વેષથી રહિત હોય તે જ સાચો સંન્યાસી. નિષ્કામયોગીને સંન્યાસઆશ્રમ કે પછી સાંખ્યયોગ ગ્રહણ કરવાની જરૂર જ રહેતી નથી. એટલા માટે નિષ્કામ કર્મયોગીને આ શ્લોકમાં 'નિત્ય સંન્યાસી' કહીને ભગવાન તેનું મહત્વ પ્રગટ કરે છે કે સમસ્ત કર્મ કરતો છતાં તે સદા સંન્યાસી જ છે. સંન્યાસની એક બીજી સુંદર વ્યાખ્યા કરતા ભગવાન કહે છે કે -

કામ્યાનાં કર્મણાં ન્યાસં સન્ન્યાસં કવયો વિદુઃ ।

(ગીતા - ૧૮/૨)

કામ્યકર્મોનો સમજણપૂર્વકનો ન્યાસ (ત્યાગ) તેને સંન્યાસ કહેવાય.

ગૃહસ્થી નરસિંહને નિત્ય સંન્યાસી કહી શકાય. ગૃહસ્થી રામકૃષ્ણને પરમહંસ કહી શકાય. રામ અને કૃષ્ણે સંન્યાસીની વેશભૂષા ધારણ નહોતી કરી. ભગવા કપડાંધારી રાવણને સંન્યાસી ના કહેવાય. કામ્યકર્મોનો ન્યાસ (ત્યાગ) કરે એટલે કે નિષ્કામ કર્મયોગ સાધે તે ખરો સંન્યાસી. હાલના સંન્યાસ આશ્રમોમાં કેટલા સાધુઓ આવા સાચા સંન્યાસી છે? તેમને ના મળી રમા અને નહીં મળે રામ. નિષ્કામ કર્મયોગીને રમા પણ મળે અને રામ પણ મળે. આ નિષ્કામ કર્મયોગની વિશેષતા છે.