શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૫

કર્મ સંન્યાસ યોગ

તદ્બુદ્ધયસ્તદાત્માનસ્તન્નિષ્ઠાસ્તત્પરાયણાઃ ।
ગચ્છન્ત્યપુનરાવૃત્તિં જ્ઞાનનિર્ધૂતકલ્મષાઃ ॥૧૭॥

તદ્ બુદ્ધય: તદાત્માન: તન્નિષ્ઠા: તત્પરાયણાઃ

ગચ્છન્તિ અપુનરાવૃત્તિમ્ જ્ઞાનનિર્ધૂતકલ્મષાઃ

તત્પરાયણાઃ - ભગવાનને પરમ આશ્રય માનનારા

જ્ઞાનનિર્ધૂતકલ્મષાઃ - જ્ઞાન દ્વારા પાપ રહિત થઈને

અપુનરાવૃત્તિમ્ - જન્મના અભાવરૂપ મોક્ષને

ગચ્છન્તિ - પામે છે.

તદ્ બુદ્ધય: - પ્રભુમય બુદ્ધિવાળા

તદાત્માન: - પ્રભુપરાયણ ચિત્તવાળા

તન્નિષ્ઠા: - પરમાત્મામાં નિષ્ઠાવાળા

તે જ્ઞાનમાં જેમનું મન એકરૂપ છે, જેમની બુદ્ધિ એકરૂપ છે, જેમના શરીરની સ્થિતિ તન્મય છે, જેઓ પરમભાવે તેમાં જ સ્થિર છે, તેઓ પાપરહિત થઇ જન્મમરણથી છૂટી જાય છે. (૧૭)

ભાવાર્થ

જેની વૃત્તિ, જેની ચેતના પરમાત્મા સાથે તદ્રુપ થઇ જાય, એક થઇ જાય, તાદાત્મ્ય પ્રાપ્ત કરે, જેની પોતાની નાની જ્યોતિ પરમાત્મારૂપ પરમસૂર્ય સાથે એક થઇ જાય, જેની પોતાની નાની વીણાનો સ્વર પરમાત્માના પરમ નાદની સાથે સંયુક્ત થઇ જાય એવો માણસ એવી જગ્યાએ પહોંચી જાય છે કે જ્યાંથી પાછું ફરવું પડતું નથી. Point of no return. તેને ફરીથી અંધકારમાં, અજ્ઞાનમાં, જન્મમરણ તથા સુખદુઃખના ચક્કરમાં ફસાવું પડતું નથી.

ઘણી વખત જિંદગીમાં પરમાત્માની ઝલક એકાદ ક્ષણભર મળી તો જાય છે પરંતુ તદ્રુપતા નથી મળી જતી. કાયમી એકતા નથી સધાતી. વીજળીનો ઝબકારો ક્ષણભર થાય છે પરંતુ પછી તુરત જ ઘોર અંધકાર છવાઈ જાય છે. છલાંગ મારીએ ત્યારે થોડોક વખત પૃથ્વીની બહાર નીકળી જઈએ પણ પછી તુરત જ પૃથ્વી ઉપર પટકાઈ જઈએ છીએ. પરમાત્માની સતત (continuous) સ્મૃતિ રહેતી નથી.

મત્કર્મકૃત મત્પરમો (ગીતા - ૧૧/૫૫) સતત થવાતું નથી. 'હું' અહંકાર (ego) મરી જાય તો જ સતત તત્પરાયણ, ભગવદ્ પરાયણ થઇ શકાય. 'હું'નો અને પરમાત્માનો કદાપિ ભેટો થાય નહીં. 'હું' (અંધકાર, અજ્ઞાન) અને પરમાત્મા (સૂર્ય, જ્ઞાન) નો કદાપિ મેળાપ થાય નહીં.

કબીર કહે છે કે, જ્યાં સુધી ખોળતો હતો ત્યાં સુધી ના મળ્યો પરંતુ જયારે હું ખોળનારો જ ખોવાઈ ગયો ત્યારે તે જડ્યો, ત્યાં જ હતો. તદ્રુપતાનો અર્થ egolessness.

આ જગતની તમામ યાત્રા અહંકારની યાત્રા છે. આવન, જાવન, જન્મ, મરણ અહંકારનું જ છે. અનેક જન્મોની લાંબી કથા તે અહંકારની કથા છે, આત્માની નહીં. પરમમુક્તિનો અર્થ આત્માની મુક્તિ નહીં, અહંકારથી 'મેં' પણામાંથી મુક્તિ. મોટામાં મોટી પીડા, મોટામાં મોટું બંધન, મારાપણામાં 'મેં' પણામાં, મારા હોવાપણામાં (ego) છે.