સંયમી મનુષ્ય મનથી સર્વ કર્મોમાં (કર્તાપણાના ભાવનો) ત્યાગ કરીને નવ દ્વારોવાળા આ શરીરરૂપ નગરમાં કઈ પણ કરતો કે કરાવતો ન હોય તેમ સુખપૂર્વક રહે છે. (૧૩)
ભાવાર્થ
સ્વરૂપથી માત્ર બાહ્ય રીતે શરીરથી તમામ કર્મોનો ત્યાગ કરી દેવાથી તો મનુષ્યની શરીરયાત્રા ન ચાલી શકે. એટલા માટે (મનસા સંન્યસ્ય) મનથી વિવેકબુદ્ધિ દ્વારા કર્તૃત્વ, કારયિતૃત્વના કર્તાપણાના અહંકારનો ત્યાગ કરવો તે સાંખ્યયોગીનો ત્યાગ છે.
આ નવ દરવાજાવાળી દેહપુરી પરમાત્માએ કૃપા કરીને આપણને કોઈ વિશેષ ઉદ્દેશથી આપી છે અને તે દેહપુરીનો અસલ મૂળ માલિક તો પરમાત્મા છે એમ વિચારવાથી દેહમાં અહમબુદ્ધિ અને મમત્વ દૂર થાય છે. હું તો આ દેહપુરીનો અતિથિ છું એટલે કે આ દેહપુરીમાં આવવાની અને તે છોડીને ચાલ્યો જવાની તિથિ નક્કી કરવાનું મારા કાબુમાં નથી અને માટે હું આ દેહપુરીમાં અતિથિ તરીકે જ રહીશ એવો નિશ્ચય મનમાં કરવાથી દેહમાં અધ્યાસ, અહંકાર - મમકાર પેદા થશે નહીં.
પરમાત્માએ જે ઉદ્દેશથી આ દેહપુરીમાં રહેવાની મને મંજૂરી આપી છે તે ઉદ્દેશ હું આ દેહપુરીમાં જેટલો કાળ રહુ તે દરમિયાનમાં તે સિધ્ધ થવો જોઈએ તેવી રીતે મારે વર્તવું જોઈએ જેથી કરીને તે ઉદ્દેશ પૂર્ણ કરવા માટે મારે વારંવાર ફરીથી દેહપુરીમાં આવ - જા કરવી પડે નહીં. અતિથિ તરીકે હું આ દેહપુરીમાં રહુ તે દરમિયાન મારે મારો અહંકાર વચમાં લાવવો જોઈએ નહીં અને સ્વયં મારા અહંકારથી મારી પ્રેરણાથી તેમાં મારે કશુંય કરવું - કરાવવું જોઈએ નહીં. ઈશ્વરપ્રેરણાથી, ઈશ્વરઆજ્ઞાથી જે કાંઈ થાય અગર કરાવાય તે થવા દેવું જોઈએ. કારણ કે મારા અહંકારથી જો હું કાંઈ કરું - કરાવું તો તેનું પરિણામ પાપ - પુણ્ય, સુખ - દુઃખાદિ મારે જ ભોગવવા પડે. આ દેહપુરી પરમાત્માનું મંદિર છે તેમ માનીને તેમાં હું અતિથિ તરીકે રહુ, તે દરમિયાન મારે તેને સ્વચ્છ - સુઘડ - સુંદર - સુદ્રઢ અને સ્વસ્થ રાખવું જ જોઈએ અને તેમાં મારે સંયમી (વશી) થઈને રહેવું જોઈએ. જેથી કરીને તેમાં હું સુખપૂર્વક રહી શકું. (આસ્તે સુખમ). આ દેહપુરી જેની અસલ માલિકીની છે તે પરમાત્મા તેનો owner છે અને હું તો તેનો માત્ર tenant કબ્જેદાર છું, ભાડા - પટેદાર છું. ભાડાપટાની મુદત પુરી થતા મારે તે ખાલી કરવાનું છે. હું તો કામચલાઉ temporary ક્ષેત્રજ્ઞ છું, અસલ ક્ષેત્રજ્ઞ તો પરમાત્મા છે. (જુઓ - ગીતા - ૧૩/૧-૨) માટે તેમાં જે કાંઈ કરાય - કરાવાય તેમાં મારો અહંકાર વચમાં લાવ્યા વગર તેમાં ઈશ્વરપ્રેરણાથી જે કાંઈ કરાવાય, થાય તે થવા દેવું કારણ કે ઈશ્વર પ્રેરણાથી જે થાય તેમાં કશુંય ખોટું થાય નહીં.