શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૫

કર્મ સંન્યાસ યોગ

બ્રહ્મણ્યાધાય કર્માણિ સઙ્ગં ત્યક્ત્વા કરોતિ યઃ ।
લિપ્યતે ન સ પાપેન પદ્મપત્રમિવામ્ભસા ॥૧૦॥

બ્રહ્મણિ આધાય કર્માણિ સઙ્ગમ્ ત્યક્ત્વા કરોતિ યઃ

લિપ્યતે ન સ: પાપેન પદ્મપત્રમ્ ઇવ અમ્ભસા

સ: - તે (પુરુષ)

અમ્ભસા - જળમાં

પદ્મપત્રમ્ - કમલપત્રની

ઇવ - પેઠે

પાપેન - પાપ વડે

ન લિપ્યતે - લેપાતો નથી

બ્રહ્મણિ - પરબ્રહ્મને

આધાય - અર્પણ કરી

સઙ્ગમ્ - આસક્તિ

ત્યક્ત્વા - ત્યજીને

યઃ - જે પુરુષ

કર્માણિ - (સર્વ) કર્મો

કરોતિ - કરે છે,

જે (મનુષ્ય) બધા કર્મોને પરમાત્મામાં અર્પણ કરી આસક્તિ છોડીને કરે છે, તે પાણીથી કમળના પાનની પેઠે લિપ્ત થતો નથી. (૧૦)

ભાવાર્થ

હવે ૧૦માં અને ૧૧માં શ્લોકમાં કર્મયોગીઓના સાધનનું ફળ સહિત સ્વરૂપ ભગવાન બતાવે છે.

બ્રહ્મણિ આધાંય કર્માણિ એટલે પરમાત્મામાં બધા કર્મોને અર્પણ કરીને એટલે કે ઈશ્વરની ભક્તિ, દેવતાઓનું પૂજન, માતાપિતા ગુરુજનની સેવા, યજ્ઞ. દાન, તપ તથા વર્ણાશ્રમને અનુકૂળ અર્થોપાર્જન સંબંધી તથા ખાનપાનાદિ શરીરનિર્વાહ સંબંધી જેટલા જેટલા શાસ્ત્રવિહિત કર્મો છે તે બધામાં મમતાનો સર્વથા ત્યાગ કરીને બધું જ ભગવાનનું સમજીને સમષ્ટિના કલ્યાણ માટે, ઈશ્વર પ્રિત્યર્થે, તેની આજ્ઞા અને ઈચ્છાનુસાર, જેમ તે કરાવે તે પ્રમાણે, કર્તાપણાનો અહંકાર છોડીને, નિષ્કામભાવે, કઠપૂતળીની માફક કરવું તે.

અહંકાર અને ફલાસક્તિ છૂટી જાય તો જ બ્રહ્માર્પણ બુદ્ધિથી તમામ કર્મ બ્રહ્મને માટે થઇ શકે. બ્રહ્માર્પણનો અર્થ સમષ્ટિના હિતને માટે સમર્પણ.

કર્મમાં સફળતા મળે તો 'મેં કર્યું' અને નિષ્ફળતા મળે તો 'ઈશ્વરે બગાડ્યું' એ સમર્પણ ના કહેવાય. 'સબ તેરા' (complete surrender, absolute resignation to God) . સમર્પણમાં જબરજસ્ત સામર્થ્ય અને સંકલ્પ જોઈએ. કમજોર માણસનું કામ નહીં.

હરિનો મારગ છે શૂરાનો નહીં કાયરનું કામ જોને.

પરથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જોને.

સમર્પણ તો મહાન શક્તિની ઘટના છે. સમર્પણ કરે તે કોઈ પણ કર્મમાં લેપાય નહીં તો પછી તે કોઈ પણ પાપ અગર પુણ્યમાં લેપાય જ શેનો? તે સંસારમાં જલકમલવત્ રહી શકે.