ન પ્રહૃષ્યેત્પ્રિયં પ્રાપ્ય નોદ્વિજેત્પ્રાપ્ય ચાપ્રિયમ્ । સ્થિરબુદ્ધિરસમ્મૂઢો બ્રહ્મવિદ્ બ્રહ્મણિ સ્થિતઃ ॥૨૦॥
ન પ્રહૃષ્યેત્ પ્રિયં પ્રાપ્ય ન ઉદ્વિજેત્ પ્રાપ્ય ચ અપ્રિયમ્
સ્થિરબુદ્ધિ: અસમ્મૂઢ: બ્રહ્મવિત્ બ્રહ્મણિ સ્થિતઃ
પ્રાપ્ય - પ્રાપ્ત કરીને
ન પ્રહૃષ્યેત્ - હર્ષ પામતો નથી;
ચ - અને
અપ્રિયમ્ - અપ્રિય વસ્તુને
પ્રાપ્ય - પામીને
ન ઉદ્વિજેત્ - ઉદ્વેગ પામતો નથી.
સ્થિરબુદ્ધિ: - સ્થિર બુદ્ધિવાળો
અસમ્મૂઢ: - ભ્રાંતિરહિત
બ્રહ્મણિસ્થિતઃ - બ્રહ્મભાવમાં સ્થિર થયેલો
બ્રહ્મવિત્ - બ્રહ્મવેત્તા પુરુષ
પ્રિયં - પ્રિય વસ્તુને
સ્થિર બુદ્ધિવાળો, મોહરહિત અને બ્રહ્મમાં રહેલો બ્રહ્મજ્ઞાની, પ્રિય પામી હર્ષ પામતો નથી અને અપ્રિય પામી ઉદ્વેગ પામતો નથી. (૨૦)
ભાવાર્થ
સંસારના કોઈ પણ પદાર્થમાં અક્ષય સુખ આપવાની તાકાત નથી.
જમતી વખતે પહેલો લાડવો તમને ઘણો સુખકર લાગે છે. પરંતુ તમને તાણ કરીને પરાણે કોઈ બીજો અને ત્રીજો લાડવો ખવરાવે તો તે પહેલા લાડવા જેટલો સુખકર નહીં લાગે. અને ચોથો લાડવો ખાતા ખાતા તો તમારી આંખમાં પાણી આવી જાય અને પાંચમો લાડવો પરાણે ખાવા જાઓ તો તમને ઉલટી જ થઇ જાય અને તેમાં તમે અગાઉ ખાધેલા ચાર લાડવા પણ નીકળી જાય. હવે વિચાર કરો. પહેલો લાડવો જે ઘઉં, ઘી, અને ગોળનો બનેલો હતો તે જ ઘઉં, ઘી, અને ગોળનો પાંચમો લાડવો પણ બનેલો હતો. એટલે બધાય લાડવામાં ઘઉં, ઘી અને ગોળ (material) તો સરખું જ છે છતાં પહેલો જ લાડવો તમને સુખકર લાગ્યો તો પાંચમો લાડવો સુખકર કેમ ના લાગ્યો, બલ્કે દુઃખકર કેમ લાગ્યો? જો લાડવામાં (પદાર્થમાં) સુખ આપવાની તાકાત હોય તો પહેલો લાડવો જેટલો સુખકર લાગ્યો તેટલો જ સુખકર બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો લાડવો લગાવો જોઈએ. પરંતુ પહેલો જ લાડવો વધારેમાં વધારે સુખકર લાગ્યો તેનું કારણ એ છે કે પહેલો લાડવો ખાતી વખતે 'હું ભૂખ્યો છું, ભૂખ્યો છું' એ જે ભૂખનું દુઃખ હતું તેની નિવૃત્તિ થઇ તેને તમે સુખની પ્રાપ્તિ માની લીધી. બાકી ખરેખર તો કોઈ પણ લાડવામાં (પદાર્થમાં) સુખ આપવાની તાકાત નથી. આપણને જે વાસના પેદા થાય છે અને તેનાથી જે દુઃખની લાગણી અનુભવીએ છીએ તે દુઃખની નિવૃતિને આપણે સુખની પ્રાપ્તિ માની લઈએ છીએ તે આપણી ભ્રાંતિ છે.
એક માણસના ઘેર પહેલો દીકરો જન્મ્યો ત્યારે હરખમાં ને હરખમાં તેણે આખા ગામને જમાડ્યું. સુથાર, લુહાર, કુંભાર, હરિજન વગેરે તમામ જ્ઞાતિના લોકોને - આખા ગામને જમાડ્યું. બીજો દીકરો આવ્યો ત્યારે ફક્ત એકલા પોતાની જ્ઞાતિના જ લોકોને જમાડ્યા. ત્રીજો દીકરો આવ્યો ત્યારે માત્ર પોતાના અડી અડીને સગાઓને જ જમાડ્યા. ચોથો દીકરો આવ્યો ત્યારે કેવળ બહેન - ભાણેજને જમાડ્યા. પાંચમો દીકરો આવ્યો ત્યારે છાનામાના એકલા ઘરના - ઘરનાએ જ કંસાર ચોળી ખાધો. પરંતુ જયારે છઠ્ઠો દીકરો આવ્યો ત્યારે ગભરાઈને કહ્યું કે આટલા બધા છોકરા મારા એકલાને ત્યાં જ કેમ ઢગલો થાઓ છો? જેને ત્યાં એકેય ના હોય તેને ત્યાં જાઓને? કેમ ભાઈ ! પહેલો દીકરો પણ તમારો છે અને છઠ્ઠો દીકરો પણ તમારો જ છે. જો દીકરામાં સુખ આપવાની તાકાત હોય તો પહેલો દીકરો જે સુખ આપી શકે તે છઠ્ઠો દીકરો કેમ સુખ ના આપી શકે? પરંતુ આમાં હકીકત એ છે કે જયારે પહેલો દીકરો જન્મ્યો ત્યારે 'મારે દીકરો નથી, દીકરો નથી' એવું વાસનાજનિત જે દુઃખ પેદા થયું હતું તે પહેલો દીકરો જન્મ્યો ત્યારે તે દુઃખની નિવૃત્તિ થઇ તેને તમે સુખની પ્રાપ્તિ માની લીધી અને છઠ્ઠો દીકરો આવ્યો ત્યારે આ બધા દીકરાઓની જવાબદારીનું નવું ભયંકર દુઃખ પેદા થયું.
લાડવામાં કે દીકરામાં કે બંગલા મોટરમાં અગર તો સંસારના કોઈપણ ભૌતિક પદાર્થમાં સુખ આપવાની તાકાત નથી. ભૌતિક સુખોમાં આસક્તિને લીધે કામના અને વાસનાની વલૂર ઉપડે છે તે દુઃખની નિવૃત્તિ થતા તે પદાર્થમાં આપણને સુખની ભ્રાંતિ પેદા થાય છે, પણ તે સાચું સુખ નથી.
કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પ્રાણી અગર પદાર્થ એક સમયે જે પ્રિય લાગે, એક સ્થળે જે પ્રિય લાગે તે બીજા સમયે, બીજા સ્થળે અપ્રિય લાગે. કોઈ પણ વસ્તુ મળે નહી ત્યાં સુધી જ તેમાં આકર્ષણ રહે અને પ્રીતિકર લાગે પરંતુ તે મળ્યા પછી આકર્ષણ ગુમાવે અને અપ્રીતિકર લાગે.
સુખની પાછળ માણસ પાગલ થઇ જાય છે, દુઃખને દેખીને પણ માણસ પાગલ થઇ જાય છે. જયારે ચેતના સુખ અને દુઃખમાં સમ થઇ જાય ત્યારે જ તે સચ્ચિદાનંદ પરમાત્મામાં સ્થિર થઇ શકે. પરમાત્મા તો સદા સમ, સ્થિર છે. આપણી ચેતના સમ સ્થિર થાય તો જ પરમાત્માનો ભેટો થઇ જાય. જ્યાં સુધી માણસની ચેતના સુખ અને દુઃખની વચમાં ડામાડોળ થયા કરે ત્યાં સુધી સુસ્થિર, સદા સ્થિર પરમાત્મા સાથે તેનું મિલન કદાપિ નહીં થાય.
સુખ મળે પણ પાછું તે જતું રહે. દુઃખ મળે પણ પાછું તે જતું રહે. જયારે પરમાત્મા (આનંદ) એક વખત પણ જો મળે તો પછી તે જતા નહીં રહે. કારણ કે સુખ - દુઃખ આવન-જાવન કરનારા છે. 'આગમાપાયિન: અનિત્યા:' (ગીતા - ૨/૧૪) છે. જયારે આનંદ (પરમાત્મા) નિત્ય સ્થિર છે. સંસારના પદાર્થો, સુખ-દુઃખ ખંડિત (partially) મળશે. પરંતુ પરમાત્મા જયારે પણ મળશે ત્યારે પૂર્ણરૂપે (fully) મળશે. સંસારમાં ગમે તેટલા પ્રયત્ન કરો, ગમે તેટલા દોડો, તો પણ સંસારના પદાર્થો અને સુખો કદીપણ પરિપૂર્ણ રીતે નહીં મળે, કાયમ અધૂરા જ રહેવાના, ખંડિત જ મળવાના. જયારે પરમાત્મા અખંડ હોવાથી તે જયારે પણ મળશે ત્યારે જરાપણ અધૂરા નહીં મળે. તે તમને સંપૂર્ણ રૂપે મળશે, પૂરેપૂરા ભેટશે.
પ્રિય વસ્તુ પ્રાપ્ત થતા જેના મુખની પ્રસન્નતા ઉભરાઈ જતી નથી અને અપ્રિય વસ્તુ અગર પરિસ્થિતિ પ્રાપ્ત થતા જેના મુખની મુદ્રા (પ્રસન્નતા) કરમાઈ જતી નથી, મ્લાન થતી નથી, ઉદ્વેગ પામતી નથી તેવો સ્થિર બુદ્ધિ અને સંશયરહિત (અસંમૂઢ:) બ્રહ્મવેત્તા પુરુષ (બ્રહ્મવિત્) તે આનંદસ્વરૂપ પરમાત્મામાં (બ્રહ્મણિ) એકી ભાવથી, નિત્ય ઐક્ય ભાવથી સ્થિર થાય છે, પ્રાપ્ત થાય છે.
ભગવાન રામના મુખારવિંદનું આવું જ વર્ણન ગોસ્વામી તુલસીદાસજીએ કરેલું છે:
પ્રસન્નતામ્ યા ન ગતા અભિષેકે તથા ન મમ્લે વનવાસદુઃખે ।
અસંમૂઢ: સંશયરહિત થવું એટલે સુખ અગર દુઃખથી હાલમડોલમ - ડામાડોળ ના થવું તે. સંશયરહિત સ્થિતિ એટલે નિષ્કપટ (Most innocent) સ્થિતિ. બહારના સુખે સુખી થાય અને બહારના દુ:ખે દુઃખી થાય તે સંસારના પ્રવાહમાં ઘસડાયા કરતો હોય છે. સંસારી મનુષ્ય સંસારના પ્રવાહનો ગુલામ થઈને રહે છે જયારે બ્રહ્મજ્ઞાની પુરુષ સંસારને પોતાને આધીન રાખે છે અને સંસારને તે પોતાનો ખેલ બનાવે છે; જયારે સંસારી માણસ સ્વયં સંસારનો ખેલ (રમકડું) બની જાય છે.
મનુષ્યના આત્મામાં આનંદનો અખંડ સ્ત્રોત છે. બાહ્ય પ્રવૃત્તિને લીધે તેને આ સ્ત્રોતનો અનુભવ થતો નથી. એ તો જેમ જેમ બાહ્યભોગો પરની તેની પ્રવૃત્તિ હટતી જાય તેમ તેમ તેને એ સ્ત્રોતનો અનુભવ થતો જાય. સુષુપ્તિમાં અને ગાઢ નિદ્રામાં જે સુખનો અનુભવ થાય છે તે કોઈ બાહ્ય પદાર્થને લીધે થતો નથી, પરંતુ અંદર આનંદનો સ્ત્રોત છે તેનાથી થાય છે એટલે સાંસારિક ભૌતિક બાહ્ય પદાર્થોથી જ આનંદ મળે છે તે ભ્રમ છે.