જે યોગી અંતરાત્મામાં જ સુખ, પ્રસન્નતા અને પ્રકાશનો અનુભવ કરે છે, તે પરમાત્મા રૂપ થઈને બ્રહ્મનિર્વાણ મોક્ષને પામે છે. (૨૪)
ભાવાર્થ
આ શ્લોકમાં 'અન્ત:' શબ્દ સંપૂર્ણ જગતના અન્ત: સ્થિત પરમાત્માનો વાચક છે, અંતઃકરણનો નહીં. જે માણસ બાહ્યવિષયભોગરૂપ સાંસારિક સુખોને સ્વપ્નની માફક અનિત્ય સમજી લેવાને કારણે તેમાં સુખ નથી માનતો પરંતુ તમામમાં અન્ત: સ્થિત પરમ આનંદસ્વરૂપ પરમાત્મામાં જ 'સુખ' મને છે તે 'અંત:સુખ' અર્થાત અંતરાત્મામાં સુખવાળો છે.
'અંતરારામ:' એટલે કે આત્મામાં જ રમણ કરનાર પુરુષ બાહ્ય વિષયભોગોમાં સત્તા અને સુખબુદ્ધિ ના રહેવાને કારણે તેમાં રમણ નથી કરતો પરંતુ તે બધામાં આસક્તિરહિત થઈને માત્ર પરમાત્મામાં જ રમણ કરે છે એટલે કે પરમાનંદ સ્વરૂપ પરમાત્માનું જ નિરંતર અભિન્નભાવથી ચિંતન કરતો રહે છે.
અન્તર્જ્યોતિ: એટલે કે પરમાત્મા જે સમસ્ત જ્યોતિઓની જ્યોતિ છે. (ગીતા - ૧૩/૧૭) તેનું જેને જ્ઞાન છે. સંપૂર્ણ જગત તેના પ્રકાશથી પ્રકશિત છે. જે પુરુષ નિરંતર અભિન્નભાવથી એવા જ્ઞાનસ્વરૂપ પરમાત્માનો અનુભવ કરતો તેમાં સ્થિત રહે છે, જેની દ્રષ્ટિમાં એક વિજ્ઞાનાનંદ સ્વરૂપ પરમાત્મા સિવાય બીજી કોઈ પણ બાહ્ય દ્રશ્ય વસ્તુની ભિન્ન સત્તા રહી જ નથી, તે માણસ 'અન્તર્જ્યોતિ' એટલે કે આત્મામાં જ જ્ઞાનવાળો કહેવાય.
'બ્રહ્મભૂત' બહુ કિંમતી શબ્દ છે. સાંખ્યયોગનું સાધન કરનાર યોગી અહંકાર - મમતા અને કામક્રોધાદિ સમસ્ત અવગુણોનો ત્યાગ કરીને નિરંતર અભિન્નભાવથી પરમાત્માનું ચિંતન કરતા કરતા જયારે બ્રહ્મરૂપ થઇ જાય છે. જેનો બ્રહ્મની સાથે કિંચિત્ માત્ર પણ ભેદ નથી રહેતો ત્યારે એ પ્રકારની અંતિમ સ્થિતિને પ્રાપ્ત સાંખ્યયોગી 'બ્રહ્મભૂત' એટલે કે સચ્ચિદાનંદધન પરબ્રહ્મ પરમાત્માની સાથે એકીભાવથી પ્રાપ્ત થયેલો કહેવાય. યોગી એટલે પરમાત્માથી યુક્ત થયેલો, જોડાયેલો. યોગ એટલે Communion.
આપણને તો 'અંત:સુખ' આત્માના સુખની ખબર જ નથી. આપણું સુખ, આપણું જ્ઞાન બધું આત્માની બહાર છે. કોઈ આપે તો સુખ મળે, કોઈ આપે તો જ્ઞાન મળે. સિનેમામાં સુખ મળે, કોલેજમાં જ્ઞાન મળે. આત્મામાં કશુંય ના મળે. અંદર ખાલીખમ. બહારથી કોઈ આવીને અમારા ભિક્ષાપાત્રમાં સુખ, જ્ઞાન નાખી જાય તો ઠીક. આ આપણી સંપદા છે. પણ બીજો કોણ સુખ આપે? જે પોતે જ ખાલી ડબ્બો હોય અને સુખ માટે બીજે ક્યાંક ફાંફા મારતો હોય તે તમને શું સુખ આપે? કોલેજો તમને જ્ઞાન નહીં આપે, માત્ર માહિતી, સૂચનાઓ - information આપે. જ્ઞાન તો આંતરિક ઘટના છે તે તો આત્માની અંદરની નિજી વસ્તુ છે, બહારથી તો માત્ર તણાવ Tension મળે. Meditation means attention and concentration without tension - અંત:સુખ એ તો અંતર્મુખ થયા સિવાય આનંદસ્વરૂપ જ્ઞાન નહીં મળે. દરેક માણસ હિમાલય જેટલું તણાવ (Tension) માથે લઈને ફરે છે. તણાવમાંથી છૂટવા માટે બહારથી કેમિકલ, ડ્રગ્સ, શરાબ, એલએસડી મળે છે. તે વિશ્રામના ભળતા નામે નિદ્રા લાવે છે પરંતુ તે નિદ્રા તૂટતાની સાથે રાસાયણિક મૂર્છા પછી ડબલ ટેંશન વધારે અને કમજોર બનાવે છે. બહારથી તમને તંદ્રા, એક જાતની મૂર્છા મળશે. વિશ્રામ તો આંતરિક ઘટના છે.
સંસારીઓ સુખ (અંત: સુખ) ખોળે છે. મિસ્ટીકો, સાધુઓ વિશ્રામ (અંતરારામ) ખોળે છે. વૈજ્ઞાનિકો, કલાકારો જ્ઞાન (અંતર્જ્યોતિઃ) ખોળે છે. આ ત્રણેય જાતના લોકો બહાર ધુમાડામાં બાચકા ભરે છે. આનંદ (અંત:સુખ) વિશ્રામ અને જ્ઞાન આંતરિક ઘટનાઓ છે, અને તે તો આત્મસ્વરૂપમાં જ ઉપલબ્ધ છે. બહાર ખોળવા નીકળેલા લોકો ભ્રાંત છે અને ભટકે છે. તેઓ બહાર ઘણી ગતિ કરે છે. પરંતુ આત્મઅભિમુખ થઈને જરાપણ પ્રગતિ કરતા નથી. જે સુખ, વિશ્રામ, શાંતિ, જ્ઞાનની તમે ચાહના કરો છો તે તમારી અંદર જ છે. જો તેમ ના હોય તો તમે ચાહના કરો જ નહીં.
પ્રત્યેક વ્યક્તિની આત્મા અંદર બેચેન છે. તે આત્મા બહાર પ્રગટ થવાની ચાહના કરે છે. આનંદ, શાંતિ, વિશ્રામ, જ્ઞાન પ્રાપ્ત (પ્રગટ) કરવાની ચાહના કરે છે. જેમ ઈંડાની અંદર કોઈ ચેતના છુપાયેલી છે જે બહાર પ્રગટ થઈને (બ્રહ્મભૂત:) થઈને અનંત આકાશમાં (બ્રહ્મનિર્વાણમ્) ઉડવાની ચાહના કરે છે.
બહારના ભૌતિક પદાર્થોમાં આનંદ ખોળવા નીકળશો તો ભલે સુખ મળશે પરંતુ આનંદ નહીં મળે. બહાર જ્ઞાન ખોળવા જશો તો ભલે પંડિતાઇ મળશે, વિદ્વતા મળશે પરંતુ જ્ઞાન નહીં મળે. ઉલ્ટાના શાસ્ત્રોના પોથાની નીચે દબાઈ જશો, શબ્દોની જાળમાં ફસાઈ જશો અને તેનાથી અહંકારની માત્ર વધી જતા આત્મજ્ઞાન ઉલ્ટું વધારે ઢંકાઈ જશે. વિશ્રામ મેળવવા મહેલ બંધાવશો તો મહેલ બંધાવતા પહેલા જે કાંઈ થોડો ઘણો વિશ્રામ હતો તે પણ ખોઈ બેસશો. જેની પાસે ખાવાનું નથી તેની પાસે પાચનશક્તિ ધરાવનારું પેટ છે. પરંતુ જેની પાસે અઢળક ખાવાનું છે તેના પેટમાં જરાપણ પાચનશક્તિ નહીં રહે. ઉલ્ટાનો તે કાયમ કાં તો અપચો (indigestion), કબજિયાત (Constipation) અથવા તો ઝાડા (Diarrhoea)ના રોગથી પીડાતો રહેશે. જેની પાસે કુદરતી ઊંઘ હશે તેને તો પથ્થર ઉપર સૂતા સૂતા પણ ઊંઘ - વિશ્રાંતિ મળશે પરંતુ જેની પાસે યુફોમ અને ડનલોપીલોના ગાદલા - ઓશિકા હશે તેની ઊંઘ હરામ થઇ ગઈ હશે અને તેને વિશ્રાંતિ નહીં મળે. આવો કુદરતનો કાનૂન છે.
કોઈ માણસ એમ માને કે હું તતડાવીને દોટ મુકું અને સામે ૧૦૦ માઈલ દૂર ઉભેલા ઝાડના છાંયડામાં જઈને વિશ્રામ કરું તો પહેલા તો તે દોડતા દોડતા રસ્તામાં જ ઢળી પડવાનો અને મરી જવાનો. છતાં કદાચ તે ઝાડ સુધી પહોંચી જાય તો ત્યાં સુધીમા તો તેને દોડવાની એવી જોરદાર આદત પડી ગઈ હોય કે તે ઝાડની નીચે છાંયડામાં બેસવાને બદલે આ અભાગિયો ઝાડની ફરતા ગોળગોળ ચક્કર જ મરતા સુધી માર્યા કરવાનો. જે માણસને હડકાયા કૂતરાની માફક નાસભાગ કરવાના સંસ્કાર પડી ગયા છે અને જેની ખોપરીમાં કામ વાસનાના અસંખ્ય કીડા ખદબદે છે તે માણસ અંત:સુખ, અંતરારામ:, અંતર્જ્યોતિઃ અને બ્રહ્મભૂત: થવાનો જ નહીં અને તેથી તે બ્રહ્મનિર્વાણ સ્થિતિને પ્રાપ્ત નહીં કરી શકે.