જેમનો (પાપપુણ્યરૂપ) મેલ નાશ પામ્યો છે, જેમના સંશયો છેદાયા છે, જેમનું ચિત્ત વશ છે અને જેઓ સર્વ પ્રાણીઓના હિતમાં તત્ત્પર છે, એવા ઋષિઓ બ્રહ્મનિર્વાણ પામે છે. (૨૫)
જેમને પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું છે, જેઓ કામક્રોધથી રહિત છે, જેમણે ચિત્તને વશ કર્યું છે, તેવા સાધકોને સર્વત્ર નિર્વિકલ્પ બ્રહ્મનો જ અનુભવ થાય છે. (૨૬)
ભાવાર્થ
ક્ષીણકલ્મષા: નો અર્થ સમજો. આ જન્મ અને જન્મજન્માંતરમાં કરેલા કર્મોના સંસ્કાર, રાગ - દ્વેષાદિ દોષ અને તેની વૃત્તિઓનો પુંજ જે મનુષ્યના અંતઃકરણમાં એકઠા થયેલા છે તે તમામ બંધનના હેતુ હોવાને કારણે તે બધા કલ્મષઃ એટલે કે પાપ છે. પરમાત્માંનો સાક્ષાત્કાર થતાની સાથે તે બધા કલ્મષો, પાપો ક્ષીણ થઇ જાય છે, નષ્ટ થઇ જાય છે અને પછી તે માણસના અંતઃકરણમાં દોષ તો લેશમાત્ર પણ રહેતો નથી.
શ્લોક ૨૪-૨૫-૨૬માં બ્રહ્મનિર્વાણ પ્રાપ્ત કરનારના લક્ષણો (qualifications) નીચે પ્રમાણે ગણાવ્યા છે.
૧. અન્ત: સુખ:
૨. અન્તરારામ:
૩. અન્તર્જ્યોતિઃ
૪. બ્રહ્મભૂત:
૫. ક્ષીણ કલ્મષા:
૬. છિન્નદ્વૈધા:
૭. યતાત્મા
૮. સર્વભૂતહિતેરત:
૯. કામક્રોધ વિયુક્ત: મળ દોષમુક્ત:
૧૦. યતિ:
૧૧. યતચેતસઃ વિક્ષેપ દોષ મુક્ત:
૧૨. વિદિતાત્મા. આવરણ દોષમુક્ત
ઉપરોક્ત લક્ષણોવાળા માણસમાં અંદર અને અંદર કોઈ પણ બાહ્ય કારણ વગર અપૂર્વ સુખ અને અખંડ આનંદનો અનુભવ થાય છે, જે કોઈ પણ પ્રકારના બાહ્ય કારણથી નષ્ટ થતો નથી. તેને સહજાનંદ કહે છે. જેમ આનંદયુક્ત બાળકનું મુખ પ્રસન્ન હોય છે તેમ તેની વૃત્તિ સદા પ્રસન્ન હોય છે, આંતરિક શાંતિ રહે છે. જગતનું કોઈ કારણ તેને અશાંત કરી શકતું નથી. તેને એવું પ્રતીત થાય છે કે તેને પોતાની અંદર પ્રકાશ છે. 'હું મારા પ્રકાશથી જગતને પ્રકાશિત કરું છું' તેવો તેને અનુભવ થાય છે. સત્ય વસ્તુનું યથાર્થ જ્ઞાન તેને થાય છે. મન વિશાળ બને છે જેમાં સંકુચિત અને સંકીર્ણ ભાવ પેદા થતો નથી. પાપની વૃત્તિ અને પ્રવૃત્તિ હટી જાય છે. 'હું અન્ય જગતથી ભિન્ન છું અને જગત પરસ્પર ભિન્ન છે અને તે મારાથી ભિન્ન છે' એવો દ્વૈતભાવ મટી જાય છે અને તે દ્વૈતભાવને કારણે ઉત્પન્ન થનાર તમામ સંદેહ દૂર થઇ જાય છે. તેમાં સ્વાભાવિક સહજ સંયમ આવી જાય છે અને મન કદાપિ વિષયો તરફ દોડતું નથી. તમામ પ્રાણીઓનું હિત કરવું તે પોતાનું કર્તવ્ય સમજે છે એટલું જ નહીં પણ તેમાં તેને આનંદ આવે છે. તે કદાપિ કામ, ક્રોધ, લોભ વગેરેમાં લપટાતો નથી.
આવા માણસને ચારે બાજુથી, તમામ બાજુથી (અભિત:) બ્રહ્મની શાંતિ સદા અટલ રહે છે એટલે કે તે સદા બ્રાહ્મી શાંતિનો અનુભવ કરે છે.
છિન્ન દ્વૈધા: | એટલે કે જ્ઞાને કરીને જેના સંશય નિવૃતઃ થઇ ગયા છે. જે જરાપણ દ્વિધામાં નથી, જેનામાં તટસ્થતા (Choicelessness) છે. બે દ્વૈતો દ્વિધાઓની વચમાં જે ચુનાવરહિત, વિકલ્પરહિત ચૈતન્યને ઉપલબ્ધ થઇ ગયો હોય તેવો માણસ શાંત થઇ શકે. એવી શાંત વ્યક્તિને શાંત બ્રહ્મથી સંબંધ નિર્મિત થાય છે.
કામક્રોધ વિયુક્તાનામ | આપણે દિવસમાં એકાદ કલાક ક્રોધમાં હોઈએ છીએ અગર કામવાસનાથી ગ્રસ્ત હોઈએ છીએ. તેનો અર્થ એવો નથી કે બાકીના ૨૩ કલાક આપણે કામક્રોધરહિત હોઈએ છીએ. આ ૨૩ કલાક પણ આપણે કામક્રોધથી ભરપૂર હોઈએ છીએ. પરંતુ તે સમયે કામ, ક્રોધ સુષુપ્ત અવસ્થામાં (Dormant) હોય છે અને કોઈ પ્રસંગ અગર કારણ ઉપસ્થિત થતા ગમે તે સમયે તે ભભકી ઉઠે છે, પ્રગટ થાય છે.
કૂવામાંથી પાણી ખેંચવાનું મશીન એક કલાક ચાલુ કરો ત્યારે જે તેમાં પાણી હોય છે તેવું નહીં. પાણી તો કૂવામાં ચોવીસે કલાક હોય છે પરંતુ જયારે મશીન ચાલુ કરીએ ત્યારે જ પાણી નીકળે છે. મશીન ચાલુ કરો છતાં પાણી નીકળે જ નહીં તો જ કૂવામાં બિલકુલ પાણી નથી તેમ મનાય. તેવી જ રીતે કામ, ક્રોધ, પ્રગટ થવાના કારણો ઉપસ્થિત થાય છતાં પણ કામ, ક્રોધ થાય જ નહીં ત્યારે તે માણસ 'કામક્રોધ વિયુક્ત' થયો ગણાય.
વિકારહેતો: સતિ વિક્રિયન્તે યેષામ ન ચેતાંસિ સ એવ ધીર: |
કામ, ક્રોધ વગેરે વિકારો પેદા થાય તેવા કારણો પ્રચુર પ્રમાણમાં સતત પ્રત્યક્ષ મોજુદ હોવા છતાં જેના ચિત્તમાં કદાપિ જરાપણ વિકાર પેદા થાય જ નહીં તે કામ, ક્રોધથી વિયુક્ત થયો ગણાય.
કોઈ ગાળ દે છતાં ક્રોધ આવે જ નહીં, સુંદર સ્ત્રી સાથે એકાંતમાં હોવા છતાં કામવાસના જાગે જ નહીં ત્યારે તે માણસ કામક્રોધ વિયુક્ત થયો સમજવું. એક ક્ષણ માટે પણ જો ક્રોધ ભભૂકી ઉઠે અગર કામવાસનાથી ઘેરાય તો તે એક ક્ષણ માટે નહીં પણ ચોવીસે કલાક કામક્રોધથી ભરાયેલો છે તેમ સમજવું.
આપણામાં કામક્રોધ ભરપૂર છુપાયેલો હોવા છતાં આપણે બહારથી અકામી, અક્રોધી હોવાનો ઢોંગ કરીએ છીએ અને તે પ્રમાણે ભ્રમ પેદા કરીને આપણે આપણી ગલત પ્રતિમા ઉભી કરીએ છીએ અને પાછા તેને માટેનું પ્રમાણ - justification પણ ખોળી કાઢીએ છીએ. અરસ્તુ એ કહ્યું છે કે, માણસ બુદ્ધિમાન પ્રાણી છે - Rational animal છે. પરંતુ હવે જે જાણે છે તે તો કહે છે કે માણસ રેશનલ એનિમલ છે એવું કહેવું તો મુશ્કેલ છે પરંતુ હા, તે રેશનેલાઇઝિંગ એનિમલ તો જરૂર છે. બુદ્ધિમાન તો નથી માલુમ પડતો પરંતુ તે દરેક ચીજને બુદ્ધિમાનીના ઢંગથી બતાવવાની ચેષ્ટામાં સદા રત તો જરૂર રહે છે જ. દરેક ખરીખોટી વાતને તે બુદ્ધિયુક્ત ઠરાવવામાં નિપુણ હોય છે.
જયારે તમે ક્રોધ કરો ત્યારે ખ્યાલ કરજો કે ખરેખર ક્રોધ કરવા યોગ્ય સાચું કારણ હતું કે માત્ર આપણે ક્રોધ કરવો જ હતો માટે જ કારણ ખોળતા હતા. ત્યારે તમને ખબર પડશે કે તમારામાં ક્રોધ ભરપૂર હોવાથી ઉભરાવવાનો થયો ત્યારે નજીવું કારણ શોધીને, ખાસ જરૂરિયાત નહીં હોવા છતાં, ચાલે તેવું હોવા છતાં પણ તમારે અકારણ ક્રોધ કરો છો. તમે કામક્રોધથી ભરપૂર તો દરરોજ હો છો જ અને તે શક્તિઓ - ઉર્જાઓ દરરોજ એકથી થતી જ રહે છે. પછી જયારે મોકો મળે છે ત્યારે તે ઉભરાઈને ફૂટી નીકળે છે. અગર તો મોકો ના મળે તો મોકો ઉભો કરીને ફૂટી નીકળે છે. અગર જો બિલકુલ મોકો ના મળે તો frustration માં પરિણીત થાય છે ત્યારે તે વિષાદ અને પીડામાં બદલાઈ જાય છે.
યાદ રાખવું કે કામ અને ક્રોધ અમારી સ્થિતિઓ છે, ઘટનાઓ નથી. ચોવીસે કલાક આપણે તેની સાથે છીએ. જો કોઈ માણસ એમ કહેતો હોય કે મને માત્ર કોક કોક વખત જ ક્રોધ આવે છે તો તે માણસ પોતાનો ખોટો બચાવ કરી રહ્યો છે.
કામ અને ક્રોધના ઉકાંટામાં ગુના કરીને જેલમાં ગયેલા કેદીઓની મુલાકાત લેવા એક રાજા કારાગૃહમાં ગયા. દરેક કેદી પગે પડીને રાજાને કરગરીને કહેતો હતો કે હું નિર્દોષ છું. મને મારા વિરોધીઓએ ખોટો ફસાવ્યો છે અગર તો હું ગરીબ હોવાથી વકીલ રોકીને હું મારો બચાવ કરી શક્યો નહીં. અગર તો મારી વિરુદ્ધ ષડયંત્ર રચાયું તેમાં હું ફસાયો છું. અગર તો હું પોલીસને તથા અમલદારોને લાંચ આપી શક્યો નહીં અને તેથી મને આકરી સજા થઇ છે. તેમાં એક કેદી માથું નીચું કરીને મૌનપણે ઉભેલો. તેને રાજાએ પૂછતા તેણે કહ્યું કે ખરેખર તો હું અપરાધી છું. કામ અને ક્રોધના આવેગને વશ થઈને મેં મહા અપરાધ કર્યો છે. છતાં મારા અપરાધના હિસાબે મને બહુ ઓછી સજા થઇ છે તેમ હું માનુ છું. હવે આપ રાજા દયાળુ છો, આપને યોગ્ય લાગે તેમ કરી શકો છો. આ કેદીએ નિખાલસપણે રાજા આગળ પોતાના ગુનાની કબૂલાત (Confession) કરતા જ રાજાએ પ્રસન્ન થઈને તેણે છોડી મુકવાનો હુકમ કર્યો. કોઈ આદમી પોતાના અપરાધનો સ્વીકાર કરે, Confession કરે - કબૂલાત કરે તેનાથી વધારે નિર્દોષતા (Innocence) બીજી કઈ હોઈ શકે.
પરમાત્માના સામ્રાજ્યમાં પણ માત્ર એ લોકો જ સંસારચક્રની (જેલની) બહાર જઈ શકે છે જે પોતાની વાસ્તવિક સ્થિતિનો સ્વીકાર કરવા સમર્થ છે. જે ખુદ પોતાને જ ઠગે છે તે કાયમ પોતાને ઠગતો જ રહે છે. પરમાત્મા ભોટ નથી, તેને ઠગી શકાય નહીં. કામ અને ક્રોધ આપણી પાસે ચોવીસે કલાક મોજુદ છે. તેની અંતરધારા વહી રહેલી છે. તેમાં અંદર જરાક ડૂબકી મારો કે તુરત જ તેના અસ્તિત્વની ખબર પડે. ગટર જયારે ઉભરાય છે ત્યારે જ દુર્ગંધની ખબર પડે છે બાકી અંડરગ્રાઉન્ડમાં તો કાયમી દુર્ગંધ હોય છે જ. જયારે જયારે કામક્રોધની ગટર ઉભરાય એટલે દુર્ગંધ દેખાય તેટલી જ તેમાં દુર્ગંધ નથી હોતી. એ તો એની એક માત્ર ઝલક છે. બાકી અંડરગ્રાઉન્ડમાં (અંતઃકરણમાં) તો દુર્ગંધ અપાર છે અને તે ચોવીસે કલાક હોય છે. ગટરનું ઢાંકણું ઉઘાડો તો ખબર પડે. કામ ક્રોધ અંતઃકરણમાંથી બિલકુલ સાફ થઇ જાય અને પછી તેમાં સત્સંગનું ગંગાજળ ભરાય ત્યારે જ બ્રાહ્મીસ્થિતિનો અનુભવ થાય. ગટરમાં બ્રાહ્મીતેલ નાખવાથી નહીં.