ઇન્દ્રિયો તથા વિષયોના સંબંધથી ઉત્પન્ન થતા જે ભોગો છે તે દુઃખનું કારણ જ છે; અને આદિ - અંતવાળા છે. હે અર્જુન ! જ્ઞાની તેઓમાં રમતા નથી. (૨૨)
ભાવાર્થ
ઇન્દ્રિયો અને વાસનાઓના સંયોગથી પ્રતીત થનાર સુખ અંતે દુઃખદાયી નીવડે છે. આવું સુખ શાશ્વત નથી, સનાતન નથી, સદા સાથે રહેનારું નથી. ક્ષણિક છે. આવું જાણનાર માણસ મુક્ત થવા લાગે છે.
સુખ જ્યાં સુધી નથી મળતું ત્યાં સુધી છેટેથી તે સુખ દેખાય છે પરંતુ તે મળતાની સાથે જ દુઃખ માલુમ પડે છે - સુખ જયારે હાથમાં આવે છે ત્યારે જ નિર્ણાયક રૂપે ખાતરી થાય છે કે આ તો સુખ નથી પરંતુ દુઃખ છે. ઇંદ્રધનુષ્ય અને ઝાંઝવાના નીર જેવું છે. ધુમાડામાં બાચકા ભરવા જેવું છે.
સુખ ખરેખર હોતું નથી પરંતુ પ્રતીત થાય છે. સંસારના કોઈ પણ પદાર્થમાં સુખ આપવાની તાકાત નથી. આપણે દુઃખની નિવૃતિને સુખની પ્રાપ્તિ માની બેઠા છીએ. ઇંદ્રિયોની વાસના દુઃખ ઉભું કરે છે. સુખ મિથ્યા છે તેવી સમજણ આવે તો વાસના આપોઆપ નષ્ટ થઇ જાય. આ ઉંદરડો રબરનો છે, રમકડું છે, મિથ્યા છે એવી ખાતરીપૂર્વકની સમજણ આવી જાય તો પછી બિલાડી તે ઉંદર ઉપર તરાપ નહીં મારે. બિલાડીને ઉંદર પ્રત્યે પ્રાકૃતિક વૈમનસ્ય છે, ઉંદર બિલાડીનો કુદરતી ખોરાક પણ છે અને બિલાડી ખરેખર અત્યંત ભૂખી પણ છે છતાં તે બિલાડી રબરના રમકડાના મિથ્યા ઉંદર ઉપર કદાપિ તરાપ નહીં મારે કારણ કે સાચી સમજણને લીધે બિલાડીની ઉંદરને મારી ખાવાની વાસના આપોઆપ નષ્ટ થઇ ગઈ છે.
મોટા મહેલમાં રહેનારને જો સુખ ત્યાં મળતું હોત તો તે શા માટે બહાર નાસભાગ કરતો હશે? ઝૂંપડામાં રહેનારને મહેલમાં સુખ દેખાય છે જયારે મહેલમાં રહેનાર સુખની શોધમાં મહેલની બહાર નાસભાગ કરે છે.
સુખ અને આનંદમાં મોટો ફરક છે. સુખની આડમાં દુઃખ આવી પડે છે. સુખ ઉધાર બજારુ છે. આનંદ નિજીસ્વરૂપ છે. આનંદ બહારના પદાર્થ ઉપર અવલંબિત નથી.
પૈસાથી સુખ મળે પણ આનંદ નહીં મળે.
પૈસાથી સુખ મળે પણ જ્ઞાન નહીં મળે.
પૈસાથી ચશ્મા મળે પણ દ્રષ્ટિ નહીં મળે.
પૈસાથી પલંગ મળે પણ ઊંઘ નહીં મળે.
પૈસાથી અનાજ મળે પણ ભૂખ નહીં મળે.
પૈસાથી ઈજ્જત મળે પણ ઈમાનદારી નહીં મળે.
પૈસાથી મંદીર બને પણ શ્રદ્ધા નહીં મળે.
જેને એક વ્યક્તિમાં સુખ દેખાય છે તે વ્યક્તિને કોઈ બીજી જ વ્યક્તિમાં સુખ દેખાય છે અને એ બીજી વ્યક્તિને કોઈક ત્રીજી વ્યક્તિમાં સુખ દેખાય છે. આ ત્રણેયને સુખનો માત્ર આભાસ છે. એટલા માટે ભર્તૃહરિએ પોતાનો અનુભવ જણાવતા કહ્યું કે ૦
યાં ચિન્તયામિ સતતં મયિ સા વિરક્તા
સાઽપ્યન્યમિચ્છતિ જનં સ જનોઽન્યસક્તઃ ।
અસ્મત્કૃતે ચ પરિશુષ્યતિ કાચિદન્યા
ધિક્ તાં ચ તં ચ મદનં ચ ઇમાં ચ માં ચ ॥
અગર સુખ કદાચ હોય, Hypothetically, વાતચીતને માટે માની લો કે સુખ છે તો પણ તે સુખ આવે છે અને પછી જતું રહે છે ત્યારે પરિણામે ભયંકર દુઃખ ઉભું કરતુ જાય છે.