શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૫

કર્મ સંન્યાસ યોગ

યોગયુક્તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા જિતેન્દ્રિયઃ ।
સર્વભૂતાત્મભૂતાત્મા કુર્વન્નપિ ન લિપ્યતે ॥૭॥

યોગયુક્ત: વિશુદ્ધાત્મા વિજિતાત્મા જિતેન્દ્રિયઃ

સર્વભૂતાત્મભૂતાત્મા કુર્વન્ અપિ ન લિપ્યતે

સર્વભૂતાત્મભૂતાત્મા - સઘળા જીવોને આત્મારૂપ જાણનારો

યોગયુક્ત: - નિષ્કામ કર્મયોગી

કુર્વન્ - કર્મ કરતો છતાં

અપિ - પણ

ન લિપ્યતે - લેપાતો નથી.

વિજિતાત્મા - શરીરને અધીન કરનાર

જિતેન્દ્રિયઃ - ઇન્દ્રિયોને જીતનાર

વિશુદ્ધાત્મા - શુદ્ધ અંતઃકરણવાળો (તથા)

જેનું મન પોતાને વશ છે, જે જિતેન્દ્રિય અને શુદ્ધ અંતઃકરણવાળો છે, જેનો આત્મા સર્વ પ્રાણીઓના આત્મારૂપ બન્યો છે, એવો યોગયુક્ત મુક્ત મનુષ્ય કર્મ કરતો છતાં પણ લિપ્ત થતો નથી. (૭)

ભાવાર્થ

(૧) જે માણસ નિષ્કામ કર્મયોગયુક્ત હોય - (having saturated desires and selfless action )

(૨) વિજિતાત્મા હોય - (having controlled body )

(૩) વિશુદ્ધાત્મા હોય - (having purified mind)

(૪) જિતેન્દ્રિય હોય - (having controlled senses)

(૫) સર્વભૂતાત્મભૂતાત્મા હોય - (feeling himself in other selves)

આવો માણસ ગમે તે કર્મ કરે તો તે કરવાને તે પૂરેપૂરો સમર્થ છે અને સ્વતંત્ર છે. તેને કોઈ નિયમ, નીતિ, ધર્મનું બંધન નથી અને તે કર્મમાં જરાપણ લબદાતો નથી.

વિશુદ્ધાત્મા એટલે કામ, ક્રોધ, રાગ, દ્વેષરહિત, શુદ્ધ અંતઃકરણવાળો. વિજિતાત્મા એટલે શરીર અને મન ઉપર કાબૂવાળો - જિતેન્દ્રિય એટલે ઇન્દ્રિયો ઉપર કાબૂવાળો. સર્વભૂતાત્મભૂતાત્મા એટલે તમામ પ્રાણીઓમાં આત્મરૂપ પરમાત્મામાં એકી ભાવવાળો. આવો યોગયુક્ત: કર્મયોગી 'કુર્વન્નપિ ન લિપ્યતે' કર્મ કરતો હોવા છતાં લેપાતો નથી. યોગયુક્ત એટલે કર્મયોગતત્પર. યોગતત્પર થવાથી આત્મશુદ્ધિ, આત્મ જય અને ઇન્દ્રિય જય ક્રમશ: સાધ્ય થાય છે. માણસનો જેટલો પ્રેમ વિસ્તૃત થાય છે તેટલો તેનો આત્મા વિશાળ બને છે અને તે 'સર્વભૂતાત્મભૂતાત્મા' બને છે અને તેથી તે 'સર્વભૂતહિતેરત:' બને છે - પ્રાણીમાત્રના હિતમાં તે સદાકાળ રત રહે છે. ભગવાન કહે છે -

લભન્તે બ્રહ્મનિર્વાણમૃષયઃ ક્ષીણકલ્મષાઃ ।

છિન્નદ્વૈધા યતાત્માનઃ સર્વભૂતહિતે રતાઃ ॥

(ગીતા - ૫/૨૫)

સન્નિયમ્યેન્દ્રિયગ્રામં સર્વત્ર સમબુદ્ધયઃ ।

તે પ્રાપ્નુવન્તિ મામેવ સર્વભૂતહિતે રતાઃ ॥

(ગીતા - ૧૨/૪)

વિજિતાત્મા એટલે શરીર વશમાં થયેલું છે જેનું. પરંતુ જ્યાં સુધી માણસ પોતાને જ શરીર મને છે ત્યાં સુધી શરીર વશમાં ના થઇ શકે, કારણ કે શરીરને વશમાં કરનાર કોણ છે તેની જ તેને ખબર નથી. શરીરની નાવડી સંસારસાગર તરવા માટે પર્યાપ્ત છે. પરંતુ જેણે આત્માની નાવ નથી ખોળી તે પરમાત્માના સાગરમાં પ્રવેશ નથી કરી શકતો.

હું શરીરથી ભિન્ન છું એવી જેને અનુભૂતિ થઇ છે તેનું શરીર આપોઆપ તેના વશમાં આવી જાય છે, જેમ શેઠ આવે ને નોકરો આપોઆપ સીધા થઇ જાય તેમ.

શરીરી (શરીરનો માલિક)ને જાણ્યા વગર શરીરને વશ કરવાની ચેષ્ટા બેકાર છે. એ તો શરીરને શરીર સાથે લડાવવા જેવું થાય. આંખમાં વિકાર હોય ત્યારે હાથથી આંખો ફોડી નાખો તો તેમાં આંખ અને હાથ બંને શરીર છે તે બંને એકબીજાની સાથે, શરીર શરીરની સાથે લડે છે તેવો ઘાટ થાય. અને તે વ્યર્થ છે, કારણ કે તેથી વિકાર નષ્ટ થતો નથી. શરીરને સતાવવાથી, પરેશાન કરવાથી શરીર વશમાં નહીં આવે. ભગવાને કહ્યું છે કે -

વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ ।

રસવર્જં રસોઽપ્યસ્ય પરં દૃષ્ટ્વા નિવર્તતે ॥

(ગીતા - ૨/૫૯)

શરીરને ભૂખ વગેરેથી, નિર્બળ બનાવવાથી આત્મા સબળ નથી થતો. શરીરને નિર્બળ કરવું સહેલું છે. આત્માને સબળ કરવો મુશ્કેલ છે.

બીજાના શરીર ઉપર જુલમ કરીએ તો ફોજદારી ગુનો થાય પરંતુ પોતાના શરીર ઉપર જુલમ કરનારને કોઈ કાયદો કે પોલીસ રોકી શકે નહીં. ઉલટું લોકો એવા માણસોનો વરઘોડો કાઢે ને વાહવાહ બોલે છે. આત્મહિંસા, શરીરને સતાવાવની ક્રિયા, શરીર ઉપર જુલમ કરવાની ક્રિયાને લોકો તપશ્ચર્યા માને છે. ખરેખર તો જે માણસ પોતાના શરીર ઉપર જુલમ કરે છે તે બીજાઓ પ્રત્યે કદાપિ અહિંસક થઇ શકે જ નહીં. રથ (શરીર) કમજોર હોય અને ઘોડાઓ (ઇન્દ્રિયો) મજબૂત હોય તો રથનો ભાંગીને ભુક્કો જ કરી નાખે. પરંતુ રથ મજબૂત હોય, સારથી (બુદ્ધિ), લગામ (મન) પકડવામાં કુશળ હોય તો ઘોડાઓને નિર્બળ કરવાની જરૂર નથી. આત્મા સબળ હોવો જોઈએ. અંતઃકરણ વિશુદ્ધ હોય તો જ આત્મા સબળ હોય. આત્માના જગતમાં અંતઃકરણની પવિત્રતા જ બળ છે. અને અપવિત્રતા જ નિર્બળતા છે. આત્મા નિર્બળ હોય તો જ અપવિત્ર કામ થાય. દાન કરતી વખતે આત્માની સબળતા અનુભવાશે. અને વ્યભિચાર કરતી વખતે નિર્બળતા અનુભવાશે. કામના, વાસના, આકાંક્ષાના દ્વારથી અંતઃકરણમાં અશુદ્ધિ પેદા થાય છે. વાસનાગ્રસ્ત અંતઃકરણ અશુદ્ધ, કમજોર, દુઃખી, અન્ધકારગ્રસ્ત, અજ્ઞાનગ્રસ્ત થઇ જાય છે. વાસનાથી અંતઃકરણ સડે છે અને દુર્ગંધ ફેલાવે છે.

જેનો શરીર ઉપર કાબુ હોય, ઇન્દ્રિયો જીતાયેલી હોય, અંતઃકરણ શુદ્ધ હોય તે માણસ વિરાટ સાથે એકાત્મ સાધી શકે છે. તે સર્વભૂતાત્મભૂતાત્મા થઇ શકે છે. હું અને મારુ શરીર ભિન્ન છીએ, હું શરીર નથી, હું શરીરથી (વિચક્ષણ) જુદો છું. શરીરના ગુણધર્મ અને મારા ગુણધર્મ જુદા છે એ વાત જયારે અનુભૂતિથી સમજાશે તે જ ક્ષણે તમામ ભૂત - પ્રાણીમાત્રમાં એ જ એક જ પરમાત્મા બિરાજમાન છે તે સ્પષ્ટ અનુભવાશે.

પછી તે ચોરી, બેઈમાની કોની સાથે કરી શકે? પછી તેને નીતિના બંધનો પણ ના રહે. જેના અશુદ્ધ અંતઃકરણમાં અનીતિ હોય તેને માટે નીતિના બંધનો જરૂરી છે. ચોરી, બેઈમાની, અનીતિ વગેરે માણસ જ્યાં સુધી કરે ત્યાં સુધી તેનું અંતઃકરણ અશુદ્ધ જ છે તે સાબિત છે.