બહારના ભોગોને અંતઃકરણમાં ચિંતવ્યા વગર, આંખોની દ્રષ્ટિને ભૃકુટીની વચ્ચે સ્થિર કરીને, નાકની અંદર ચાલતા પ્રાણ તથા અપાનને સમાન કરીને, જેણે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ વશ કાર્ય છે, તેમ જ જેના ઈચ્છા, ભય અને ક્રોધ ગયા છે, એવો જે મુનિ (સાધક) મોક્ષની સાધનામાં તત્પર રહે છે, તે સદા મુક્ત જ છે. (૨૭,૨૮)
ભાવાર્થ
હવે ભગવાન ફળ સહિત ધ્યાનયોગનું વર્ણન કરે છે.
સદામુક્તનાં લક્ષણો ભગવાન નીચે પ્રમાણે જણાવે છે.
૧. સ્પર્શન બહિ: કૃત્વા એટલે કે વિષયભોગોનો બહિષ્કાર કરીને;
૨. ચક્ષુ: ભૃવો: મધ્યે કૃત્વા એટલે કે દ્રષ્ટિને ભૃમધ્યમાં સ્થિર કરીને;
૩. નાસાભ્યન્તર ચારિણૌ પ્રાણાપાનૌ સમૌ કૃત્વા એટલે કે નાસિકાની અંદર સંચાર કરતા પ્રાણઅપાનની ગતિને સમ કરીને;
૪. યતેન્દ્રિય મનો બુદ્ધિ: એટલે કે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિનો સંયમ કરીને;
૫. મોક્ષપરાયણ મુનિ: એટલે કે મુક્તિના માર્ગમાં તત્પર તમામ ઇન્દ્રિયોનો મૌની (સંયમી);
૬. વિગતેચ્છા ભયક્રોધ, વિતરાગ ભયક્રોધ (ગીતા - ૨/૫૬. ૪/૧૦) એટલે કે ઈચ્છા, ભય અને ક્રોધનો ત્યાગ કરીને;
૭. ય: સદા મુક્ત એવ સ: એટલે કે તે શરીરમાં બંધાયેલો હોવા છતાં મુક્ત, જીવન્મુક્ત, અનાદિ મુક્ત છે,
પ્રાણાપાનૌ એટલે શ્વાસ - ઉચ્છ્વાસ, જે નિરોગી અવસ્થામાં સાધારણ રીતે સમ હોય છે.
ચલેશ્વસે ચલં ચિત્તં નિશ્ચલે નિશ્ચલં ભવેત્ ॥
પ્રાણ ચંચળ હોવાથી ચિત્તની ચંચળતા થાય છે અને પ્રાણ સમવૃત્તિ હોવાથી ચિત્ત પણ સમવૃતિ થાય છે.
સ્પર્શાન બહિ: કૃત્વા | એટલે કે
વિવેક અને વૈરાગ્યના બળથી સંપૂર્ણ બાહ્ય વિષયોને ક્ષણભંગુર, અનિત્ય, દુઃખમય અને દુઃખનું કારણ સમજીને એના સંસ્કારરૂપ સમસ્ત ચિત્રોનો અંતઃકરણપૂર્વક બહિષ્કાર કરવો, તેની સ્મૃતિઓને સર્વથા નષ્ટ કરવી.
કામક્રોધથી મુક્ત થવાની વૈજ્ઞાનિક વિધિ - Methodology ભગવાન બતાવે છે.
પ્રાણાપાનૌ સમૌ કૃત્વા |
પ્રાણ અને અપાનની સ્વાભાવિક ગતિ વિષમ છે. ક્યારેક તે ડાબી નાસિકામાં વિચરે છે (ઈડા નાડીમાં) અને ક્યારેક જમણી નાસિકામાં (પિંગળા નાડીમાં) વિચારે છે. એવી અવસ્થામાં માણસનું ચિત્ત ચંચળ રહે છે. આ પ્રકારે વિષમ ભાવથી વિચરનાર પ્રાણ અને અપાનની ગતિને બંને નાસિકાઓમાં સમાનભાવથી સંચરતી કરી દેવી તેને સમ કરી કહેવાય, તેને સુષુમ્ણામાં ચાલતી કહેવાય. સુષુમ્ણા નાડી ઉપર ચાલતી વખતે પ્રાણ અને અપાનની ગતિ બહુ જ સૂક્ષ્મ અને શાંત રહે છે. તે વખતે મનની ચંચળતા અને અશાંતિ આપોઆપ નષ્ટ થઇ જાય છે અને તે સહજ રીતે પરમાત્માના ધ્યાનમાં લાગી જાય છે.
માના પેટમાં બાળક શ્વાસ નથી લેતું. સમ રહે છે, ત્રણ મોકા ઉપર સમસ્થિતિ આવે છે:
૧. જન્મના સમયે
૨. મરણ સમયે
૩, સમાધિ સમયે.