Hindu gods Lord Krishna and Lord Vishnu depicted in traditional attire, with Krishna on the left and Vishnu on the right, set against a cloudy sky background.

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧

અર્જુન વિષાદ યોગ

સંજય ઉવાચ । - સંજય બોલ્યો
એવમુક્ત્વાર્જુનઃ સઙ્ખ્યે રથોપસ્થ ઉપાવિશત્ ।
વિસૃજ્ય સશરં ચાપં શોકસંવિગ્નમાનસઃ ॥ ૪૭॥

એવમ્ ઉક્ત્વા અર્જુનઃ સંખ્યે રથોપસ્થે ઉપાવિશત્

વિસૃજ્ય સશરમ્ ચાપમ્ શોકસંવિગ્નમાનસઃ

સશરમ્ - બાણ સહિત

ચાપમ્ - ધનુષ્ય

વિસૃજ્ય - છોડી દઈને

રથોપસ્થે - રથના પાછલા ભાગમાં

ઉપાવિશત્ - બેસી ગયો

સંખ્યે - રણભૂમિમાં

શોકસંવિગ્નમાનસઃ - શોકથી અતિ વ્યાકુળ ચિત્તવાળો

અર્જુનઃ - અર્જુન

એવમ્ - એમ

ઉક્ત્વા - કહીને

એમ રણભૂમિ પર કહી શોકથી વ્યાકુળ મનવાળો અર્જુન બાણ સહિત ધનુષ ત્યજી દઈને રથની (પાછલી) બેઠક ઉપર બેસી ગયો. (૪૭)

ભાવાર્થ

સંજયે ધૃતરાષ્ટ્રને આ બધું વૃતાંત કહીને જણાવ્યું કે:

રણભૂમિમાં આવું બોલીને શોકથી વ્યાકુળ ચિત્ત થયેલો અર્જુન ધનુષ્યબાણ છોડીને રથમાં બેસી ગયો. અર્થાત યુદ્ધ કરવાનો તેનો સંપૂર્ણ ઉત્સાહ નષ્ટ થઇ ગયો. એની વીરવૃત્તિ ખલાસ થઇ ગઈ. એનું હૃદય દુઃખથી ફાટી ગયું અને તે પરિપૂર્ણ રીતે વિષાદગ્રસ્ત થઇ ગયો.

લોક તથા શાસ્ત્રના નિયમોનું અતિક્રમણ કરીને અર્જુન કૃપાપરવશ થઇ ગયો છે અને તે યુદ્ધ કરવા ઈચ્છતો નથી. આ ભક્ત અર્જુનનું આર્તપણું દર્શાવે છે.

સંસારની અટપટી ઘટમાળથી માણસ ખિન્ન થાય તે 'વિષાદ' કહેવાય. પરંતુ તે વિષાદની પરમાત્મા સમક્ષ રજૂઆત થાય તો તે 'વિષાદયોગ' કહેવાય અને તે 'પ્રસાદયોગ' અર્થાત 'કૃપાયોગ' બની જાય.

ગીતાનો પહેલો અધ્યાય 'વિષાદયોગ' છે જયારે છેલ્લા ૧૮માં અધ્યાયમાં તે 'પ્રસાદયોગ' માં પરિણીત થતા અર્જુન બોલે છે કે -

નષ્ટો મોહઃ સ્મૃતિર્લબ્ધા ત્વત્પ્રસાદાન્મયાચ્યુત । (ગીતા - ૧૮/૭૩)

"ૐ તત્સદિતિ શ્રીમદ્ ભગવદ્ ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે અર્જુનવિષાદયોગો નામ પ્રથમો અધ્યાયઃ॥”