પણવાનકગોમુખાઃ - ઢોલ, મૃદંગ, અને રણશિંગા વગેરે વાજાઓ
પછી શંખો, નગારા, મૃદંગ, ઢોલ તથા રણશિંગા તુરત જ વાગવા લાગ્યા; (જેથી) તે અવાજ ઘણો મોટો થયો. (૧૩)
ભાવાર્થ
આ શ્લોકમાં સંજય કૌરવસૈન્યના ઉત્સાહનું વર્ણન કરતા કહે છે કે -
ભીષ્મપિતામહના શંખનો ધ્વનિ સાંભળીને દ્રોણાચાર્ય વગેરે કૌરવસેનાના યોદ્ધાઓમાં યુદ્ધ માટે ઉત્સાહ ઉત્પન્ન થયો અને બધા પોતાના શંખો, ઢોલમૃદંગ રણશિંગા વગેરે એકસાથે વગાડ્યા લાગ્યા. આ શંખ વગેરે વાજિંત્રોનો અવાજ ભયંકર થયો.
કૌરવોની સેનાએ આ પ્રકારના રણવાદ્યોનો પ્રચંડ ઘોષ કરીને એક રીતે પાંડવોને આહવાન કર્યું કે "અમે યુદ્ધ માટે તૈયાર છીએ, તમારામાં યુદ્ધ માટે અમારી સન્મુખ આવવાનું ધૈર્ય હોય તો આવી જાઓ." પાંડવોની તો પહેલેથી જ તૈયારી હતી. કૌરવોના સૈન્યના રણવાદ્યોનો ઘોષ સાંભળતા જ પાંડવોએ પણ એવો જ ઉત્તર આપ્યો તેનું વર્ણન શ્લોક ૧૪ થી ૧૯ સુધી વિસ્તારપૂર્વક સંજય કરે છે.