અર્જુને તે બંને સેનાઓમાં ઉભેલા વડીલો, પિતામહો, આચાર્યો, મામા, ભાઈઓ, પુત્રો, પૌત્રો, મિત્રો, સસરા તથા હિતૈષીઓને જોયા. ત્યાં ઉભેલા તે સર્વ બાંધવોને સારી રીતે જોઈ, તે અર્જુન અત્યંત કરુણાથી ઉભરાઈ જઈ ખેદ કરતો આમ બોલ્યો. (૨૬,૨૭)
ભાવાર્થ
(શ્લોક - ૨૬)
અર્જુને બંને સેનાઓનું નિરીક્ષણ કર્યું તેમાં તેણે શું શું જોયું તેનું આ બે શ્લોકોમાં સંજય વર્ણન કરે છે.
અહીં અર્જુને બંને સેનાઓમાં યુદ્ધ કરવા ઉપસ્થિત થયેલા પોતાના જ વડીલોને (પિતૃન્), દાદાઓ (પિતામહાન્), આચાર્યોને, મામાઓને (માતુલાન્), ભાઈઓને, પુત્રો, પૌત્રો, મિત્રોમા સસરાઓ અને સ્નેહીઓને (સુહૃદાન્) જોયા. અર્જુને આ બધા બંધુઓને જ ઉપસ્થિત થયેલા જોયા.
અર્જુને આ સેનાઓમાં ઉભેલા ભૂરિશ્રવા વગેરે કાકાઓને (પિતૃન્), ભીષ્મ, સોમદત્ત, બાલ્ટીક વગેરે પિતામહોને, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય વગેરે આચાર્યોને, કુંતીભોજ જેવા મામાઓને, યુધિષ્ઠિર વગેરે ભાઈઓને, પુરુજિત, અભિમન્યુ, પ્રતિવિન્ધ્ય, ઘટોત્કચ વગેરે પુત્રોને, દ્રુપદ, શૈબ્ય વગેરે સસરાઓને, દુર્યોધન વગેરે સંબંધીઓને, ધૃતદ્યુમ્ન, શિખંડી વગેરે સાળાઓને, જયદ્રથ વગેરે બનેવીઓને તથા કૃતવર્મા, ભગદત્ત વગેરે સંબંધીઓને જોયા.
(શ્લોક ૨૭)
અર્જુને બધા બંધુઓને યુદ્ધભૂમિ ઉપર ઉપસ્થિત થયેલા જોઈને અત્યંત કરુણાથી વ્યાપ્ત થઈને (કૃપયા પરયાવિષ્ટ:) વિષાદ કરતો (ખિન્ન થઈને) બોલ્યો.
અર્જુનનું હૃદય કરુણાથી વ્યાપ્ત થઇ ગયું. ખરેખરે તો અર્જુન યુદ્ધથી ડરતો નહોતો. અર્જુન અનેક યુદ્ધો અત્યાર સુધીમાં લડ્યો છે અને શત્રુ સૈન્યમાં સૈનિકોને ઘાસની માફક કાપતો હતો. પરંતુ ત્યારે તેને કોઈ કરુણાનો સ્પર્શ થતો નહોતો. પરંતુ આજે સગાસબંધીઓની સામે લડવાનું થયું ત્યારે તેને ખરેખર તો કરુણા નહીં પરંતુ પ્રતિપક્ષીઓ પ્રત્યે દયા આવે છે. અર્જુનનું હૃદય કરુણાગ્રસ્ત નહી પરંતુ મોહગ્રસ્ત છે.
દયા અને કરુણામાં ફેર છે.
૧. દયા પરિસ્થિતિજન્ય છે, કરુણા મન:સ્થિતિજન્ય છે.
૨. દયાને બહારની વસ્તુઓ સાથે સંબંધ છે, જયારે કરુણાને બહારનો વસ્તુઓ સાથે સંબંધ નથી.
૩. દયા એ લોકોમાં પેદા થાય છે, જેનામાં કરુણા નથી.
૪. દયા પરાવલંબી છે, કરુણા સ્વાવલંબી છે.
૫. દયાવાન ઈચ્છે છે કે દુનિયામાં ભિખારી રહે તો દયા કરી શકાય. કરુણાવાન ઈચ્છે છે કે દુનિયામાં કોઈ ભિખારી ના રહે.
૬. અર્જુન દયાળુ છે, કૃષ્ણ કૃપાળુ છે.
૭. દયામાં અહંકારનો અંશ છુપાયેલો છે, કરુણામાં નહી.
૮. દયા સારા માણસનો અહંકાર છે, કરુણા ખરાબ માણસનો અહંકાર છે.
માણસની મોટામાં મોટી બીમારી અહંકાર છે. અહંકાર હોય ત્યાં સુધી દયાની વાતો કરવી તે દંભ છે. અર્જુન અહંકારનો દર્દી છે, શ્રીકૃષ્ણ ચિકિત્સક છે. સ્વજનોના મમત્વથી અર્જુન ભ્રમિત થયો છે, તે મોહ પામ્યો છે, અને મોહથી તે વ્યાકુળ થયો છે. તેની સ્મૃતિ અને વિવેકબુદ્ધિ પરાભવ પામ્યા છે. સ્વધર્મરૂપી યુદ્ધમાં અર્જુન અધર્મ જોવા લાગ્યો છે. તેથી તે વિષાદ, ખેદ પામીને ભગવાનને વાત કરે છે.