જેથી યુદ્ધ કરવા ઇચ્છતા આ સામે ઊભેલાઓને હું સારી રીતે જોઈ લઉ કે આ યુદ્ધકાર્યમાં મારે કોની કોની સાથે લડવાનું છે. (૨૨)
દુષ્ટ બુદ્ધિવાળા દુર્યોધનનું યુદ્ધમાં ભલું કરવા ઇચ્છતા જે આ રાજાઓ અહીં એકઠા થયેલા છે તે લડવૈયાઓને પણ હું જોઈ લઉ. (૨૩)
ભાવાર્થ
બે સેનાઓ વચ્ચે રથ ઉભો રાખવાનું પ્રયોજન જણાવતા અર્જુન ભગવાનને કહે છે કે
હું યુદ્ધની કામનાથી ઉભેલા યોદ્ધાઓને સારી રીતે જોઉં (નિરીક્ષે) અને જાણું કે આ રણસંગ્રામમાં મારે કોની સાથે લડવાનું છે. (૨૨) તેમ જ
દુષ્ટ બુદ્ધિવાળા દુર્યોધનનું પ્રિય કરવાની ઈચ્છાવાળા જે યોદ્ધાઓ આ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા છે તે યુદ્ધ કરવા ઇચ્છનારાઓને (યોત્સ્યમાનાન્) હું સારી રીતે જોઉં. (૨૩)
કદાચિત માત્ર શત્રુઓનું જ સૈન્ય હોય તો તે અગાઉથી જોયા વિના પણ યુદ્ધ કરવામાં વાંધો નહીં. પરંતુ આ સેનામાં તો સ્વજનો જ પ્રતિપક્ષી છે. માટે આ સંગ્રામમાં શરૂઆતમાં જ પ્રતિપક્ષીઓને જોઈ લેવાની અર્જુનની ઈચ્છા સ્વાભાવિક છે. ઉપરાંત અર્જુનને દુર્બુદ્ધિવાળા દુર્યોધને કરેલા અન્યાયો તથા અત્યાચારોનો પૂરેપૂરો ખ્યાલ છે. સત્તા, ધન, બળ અને પરિજન વગેરેથી મદાંધ દુર્યોધનનું પ્રિય કરવાની ઈચ્છાવાળા જે યોદ્ધાઓ આ કુરુક્ષેત્રમાં યુદ્ધ માટે આવેલા છે, તેમને સારી રીતે જોઈ લેવાની અર્જુનની ઈચ્છા વાજબી છે. યુદ્ધની શરૂઆતમાં પોતાના દુશ્મનોને જોઈ લેવા, ઓળખી લેવા જોઈએ. આધ્યાત્મિક દ્રષ્ટિએ વિચારીએ તો આપણી જ અંદર રહેલા આંતરિક દૈવી અને આસુરી ભાવો વચ્ચે ચાલતા યુદ્ધમાં આપણા જ શત્રુઓ થઇ બેઠેલા કામ, ક્રોધ, લોભ વગેરે ષડરિપુઓને આપણે તપાસી જવા જોઈએ.
અર્જુનને માટે યુદ્ધ એ માથે આવી પડેલું દાયિત્વ છે. અંતરમાંથી આવેલો પોકાર નથી, પરંતુ ઉપરથી આવેલી એક મજબૂરી છે, લાચારી છે, એક વિવશતા છે.