શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧

અર્જુન વિષાદ યોગ

અન્યે ચ બહવઃ શૂરા મદર્થે ત્યક્તજીવિતાઃ ।
નાનાશસ્ત્રપ્રહરણાઃ સર્વે યુદ્ધવિશારદાઃ ॥ ૯॥

અન્યે ચ બહવઃ શૂરા: મદર્થે ત્યક્તજીવિતાઃ

નાનાશસ્ત્રપ્રહરણાઃ સર્વે યુદ્ધવિશારદાઃ

ચ - પણ

બહવઃ - ઘણા

શૂરા: - શૂરવીરો (છે).

સર્વે - (એ) સઘળા

યુદ્ધવિશારદાઃ - યુદ્ધકળામાં કુશળ (છે).

મદર્થે - મારે માટે

ત્યક્તજીવિતાઃ - જીવન (પણ) તજનારા

અન્યે - બીજા

નાનાશસ્ત્રપ્રહરણાઃ - જુદા જુદા શસ્ત્રો ચલાવી જાણનારા

હે દ્વિજશ્રેષ્ઠ ! હવે આપણા પણ જે શ્રેષ્ઠ (યોદ્ધા) છે તેઓને તમે સાંભળો. મારા સૈન્યના જે નાયકો છે તેમને હું તમારી જાણ માટે કહું છું. આપ તથા ભીષ્મપિતામહ, કર્ણ તથા યુદ્ધમાં જય પામનાર કૃપાચાર્ય, અશ્વત્થામા, કર્ણ તથા યુદ્ધમાં જય પામનાર કૃપાચાર્ય, અશ્વત્થામા, વિકર્ણ, સોમદત્તનો પુત્ર (ભૂરિશ્રવા) તથા જયદ્રથ અને બીજા ઘણા શૂરાઓ મારા માટે જીવન સમર્પણ કરનારા છે; તેઓ સર્વે અનેક પ્રકારના શસ્ત્રો તથા હથિયારવાળા અને યુદ્ધકુશળ છે. (૭-૯)

ભાવાર્થ

હવે શ્લોક ૭-૮-૯ માં દુર્યોધન કૌરવસેનાના ઉત્કૃષ્ટ યોદ્ધાઓનું વર્ણન કરે છે.

હે દ્વિજશ્રેષ્ઠ દ્રોણાચાર્યજી ! હવે આપણી બાજુના મુખ્યમુખ્ય મારા સૈન્યના જે નાયકો છે. તેમના નામો જાણ માટે (દિગ્દર્શન માટે) આપણે કહું છું. તે આપ સાંભળો (નિબોધ) (૭)

આપ તથા ભીષ્મ અને કર્ણ તેમ જ સમરવિજયી (સમિતિંજયઃ) કૃપાચાર્ય, અશ્વત્થામા અને વિકર્ણ અને સોમદત્તનો પુત્ર (ભૂરિશ્રવા) (૮)

અને આ સિવાય બીજા અનેક શૂરાઓ શલ્ય, કૃતવર્મા, ભગદત્ત, બાલ્ટિક, જયદ્રથ વગેરે મારા માટે પ્રાણ આપવા તૈયાર થયેલા, સર્વે નાના પ્રકારના શસ્ત્રો વડે લડનારા અને યુદ્ધમાં પ્રવીણ (વિશારદા:) છે.

લઘુતાગ્રંથિથી પીડાતો દુર્યોધન પોતાની અને પોતાના સૈન્યની પ્રશંસા કરે છે.

કૌરવ સૈન્યના ઉપર જણાવેલા યોદ્ધાઓની ઓળખાણ નીચે પ્રમાણે છે:

(૧) ભવાન્ - એટલે કે આપ દ્રોણાચાય. તે કૌરવ - પાંડવોના અસ્ત્રવિદ્યાના ગુરુ અને અશ્વત્થામાના પિતા થાય. તેઓ મહર્ષિ શરદ્વાનની પુત્રી કૃપીની સાથે પરણ્યા હતા. તેઓ પરશુરામના શિષ્ય હતા.

(૨) ભીષ્મ - તે મહારાજ શાન્તનુના પુત્ર, આઠમા દ્યો નામના વસુના અંશથી ગંગાદેવીથી ઉત્પન્ન થયેલા. પોતાના પિતાની મનોરથપૂર્તિ માટે તેઓએ આજન્મ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરેલું. તેઓ કૌરવોના મુખ્ય સેનાપતિ હતા. મહાપરાક્રમી હોવા ઉપરાંત તેઓ જ્ઞાની અને મહાત્મા હતા.

(૩) કર્ણ - તે કુંતીના ગર્ભથી સૂર્યના અંશ દ્વારા કવચ-કુંડળ સાથે ઉત્પન્ન થયેલા મહાપરાક્રમી અને દાનેશ્વરી હતા. સારથી અધિરથ અને તેમની પત્ની રાધા દ્વારા તેમનું પુત્રવત પાલનપોષણ કરાયેલું હતી તેથી તેઓ સૂતપુત્ર કહેવાતા હતા. દુર્યોધને તેમને અંગદેશના રાજા બનાવ્યા હતા. કૌરવસેનાના મુખ્ય સેનાપતિઓમાંના તેઓ એક હતા.

(૪) કૃપાચાર્ય - તેઓ ઋષિ ભરદ્વાજના પુત્ર હતા. તેઓ રુદ્રગણોના અંશાવતાર હતા. તેઓ ધનુર્વિદ્યાના આચાર્ય અને અદ્વિતીય યોદ્ધા હતા.

(૫) અશ્વત્થામા - તે દ્રોણાચાર્યના પુત્ર હતા.

(૬) વિકર્ણ - તે ધૃતરાષ્ટ્રનો પુત્ર અને દુર્યોધન આદિ કૌરવોનો ભાઈ હતો.

(૭) સોમદત્તિ - તે સોમદત્તના પુત્ર. તેમનું નામ ભૂરિશ્રવા હતું.