શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧

અર્જુન વિષાદ યોગ

અપર્યાપ્તં તદસ્માકં બલં ભીષ્માભિરક્ષિતમ્ ।
પર્યાપ્તં ત્વિદમેતેષાં બલં ભીમાભિરક્ષિતમ્ ॥ ૧૦॥

અપર્યાપ્તમ્ તત્ અસ્માકમ્ બલમ્ ભીષ્માભિરક્ષિતમ્

પર્યાપ્તમ્ તુ ઇદમ્ એતેષામ્ બલમ્ ભીમાભિરક્ષિતમ્

અપર્યાપ્તમ્ - અપરિમિત (અજેય) છે,

તુ - પરંતુ

ભીમાભિરક્ષિતમ્ - ભીમ વડે રક્ષાયેલી

પર્યાપ્તમ્ - પરિમિત (જીતવામાં સુગમ) (છે.)

ભીષ્માભિરક્ષિતમ્ - ભીષ્મપિતામહ દ્વારા રક્ષાયેલી

અસ્માકમ્ - અમારી

બલમ્ - સેના

તત્ - તો

એતેષામ્ - તેમની

ઇદમ્ - આ

બલમ્ - સેના

ભીષ્મપિતામહ વડે રક્ષાયેલું આપણું તે સૈન્ય સર્વ પ્રકારે અપર્યાપ્ત - અખૂટ છે. અને ભીમ વડે રક્ષાયેલું એમનું આ સૈન્ય તો પર્યાપ્ત - મર્યાદિત છે. (૧૦)

ભાવાર્થ

આ શ્લોકમાં દુર્યોધન કૌરવ તથા પાંડવસેનાની તુલના કરે છે.

દુર્યોધન દ્રોણાચાર્યને કહે છે કે આપણું સૈન્ય અપરિમિત (અપર્યાપ્તમ) છે અને તે ભીષ્મ વડે રક્ષણ પામેલું છે. જયારે પાંડવોનું સૈન્ય પરિમિત (પર્યાપ્તમ) છે અને તે ભીમ વડે રક્ષણ પામેલું છે. આ કહેવાનો ભાવાર્થ એ છે કે આપણું સૈન્ય અગિયાર અક્ષૌહિણી તથા શસ્ત્ર - શાસ્ત્રનિપુણ છે અને તે સૂક્ષ્મ બુદ્ધિવાળા તથા ભગવાન પરશુરામનો પરાજય કરનારા ભીષ્મ પિતામહ વડે રક્ષણ પામેલું છે. જયારે પાંડવોનું સૈન્ય માત્ર સાત અક્ષૌહિણી છે. તથા તે અતિચપળ બુદ્ધિવાળા (સ્થૂળ બુદ્ધિવાળા) ભીમસેન વડે રક્ષણ પામેલું છે.

આ શ્લોકમાં દુર્યોધન પોતાના સૈન્યને "અપર્યાપ્તમ" બતાવે છે અને પાંડવોના સૈન્યને "પર્યાપ્તમ" બતાવે છે. આ બે શબ્દોનો કેટલાક ભાષ્યકારો "અપર્યાપ્તમ" એટલે અપૂરતું, અપૂર્ણ, અલ્પ અને "પર્યાપ્તમ" એટલે પૂરતું, પૂર્ણ એવો અર્થ કરે છે. પરંતુ તે અર્થ બરાબર નથી એવો લોકમાન્ય બાલગંગાધર તિલક, પંડિત સાતવલેકર વગેરે પ્રસિદ્ધ ભાષ્યકારોનો અભિપ્રાય છે. અને તેમણે "અપર્યાપ્તમ" શબ્દનો અર્થ અમર્યાદિત, અમાપ, અગણિત એવો અર્થ કર્યો છે અને "પર્યાપ્તમ" એટલે મર્યાદિત - limited એવો અર્થ કર્યો છે અને એ જ અર્થ દુર્યોધનના કહેવાના સંદર્ભમાં બરાબર બંધબેસતો છે.

એક અક્ષૌહિણી સૈન્ય એટલે ૨૧૮૭૦ રથ, ૨૧૮૭૦ હાથી, ૬૫૬૧૦ અશ્વ, ૧૦૯૩૫૦ પાયદળ - બધા મળીને ૨,૧૮,૭૦૦ એક અક્ષૌહિણીની સંખ્યા થાય. મહાભારતના યુદ્ધમાં ૧૮ અક્ષૌહિણી સેના હતી. ઓછામાં ઓછી ગણતરી કરવામાં આવે તો આશરે ચાલીસ લાખ વીરો આ યુદ્ધમાં એકઠા થાય હતા. આ લોકો ભારતીય સભ્યતાની જીવંત મૂર્તિઓ હતા. તેઓમાંથી થોડાક ગણતરીના માણસો જ બચ્યા, બાકીના બધા કપાઈ મૂઆ. આ પ્રમાણે ભારતના વીર પુરુષો કપાઈ જવાથી ભારતીય સભ્યતા ઘણીખરી નષ્ટપ્રાય થઇ ગઈ.