(આમાં) આચાર્યો, વડીલો, પુત્રો, પિતામહો, મામા, સસરા, પૌત્રો, સાળા અને બીજા સંબંધીઓ છે. (૩૪)
તેઓ મને મારે તો પણ ત્રણે લોકના રાજ્ય માટે પણ હું એમને મારવા ઈચ્છતો નથી, તો હે મધુસૂદન ! પૃથ્વી માટે કેમ જ મારુ? (૩૫)
ભાવાર્થ
અર્જુન કહે છે કે મારા આચાર્યો, વડીલો, પુત્રો, દાદાઓ, મામાઓ, સસરાઓ, પૌત્રો. સાળાઓ તથા સંબંધીઓ એ બધા ભેગા થઈને મને મારવા માંડે તો પણ ત્રણ લોકના રાજ્ય માટે પણ હું તેમને મારવાની ઈચ્છા રાખતો નથી, તો પછી પૃથ્વીના રાજ્ય માટે તો હું તેમને મારવાનો વિચાર પણ ના કરી શકું.
અર્જુન પારિવારિક જનો માટે મોહાંધ બની ગયો છે અને તેથી તે સમષ્ટિના કલ્યાણ માટે, ધર્મના રક્ષણ માટે, દુષ્ટોના નાશ માટે નિશ્ચિત થયેલા આ ધર્મયુદ્ધમાંથી ખસી જવા માટે દલીલો કરે છે. અર્જુન પોતાના અધર્મી પારિવારિક જનોના સુખને અધિક માનીને પોતાના ક્ષાત્રધર્મમાંથી અને જગતના કલ્યાણકારી કર્મમાંથી છટકવા માંગે છે. આ એનો અધર્મ છે. ધર્મ શું અને અધર્મ શું તેનો વિવેક તે ચૂકી ગયો છે.
અર્જુન પોતાના સ્વજનોના મોહથી દીન થઇ ગયો છે, અંધ થઇ ગયો છે. તુલસીદાસજી પૂછે છે : "મોહ ન અંધ કીન્હ કેહિ - કેહિ" - મોહથી કોણ આંધળો થયો નથી? અર્જુન કહે છે કે આ લોકો મને મારવા લાગશે તો પણ હું તેમને મારીશ નહી. તેમને મારવાથી મને નિશ્ચયપૂર્વક સ્વર્ગલોક, ભૂલોક અગર પાતાળલોકનું રાજ્ય પ્રાપ્ત થવાનો સંભવ હોય તો પણ હું તેમને મારવાનો વિચાર પણ નહી કરું, તો પછી માત્ર ભૂલોકના રાજ્ય માટે તો હું તેમનો વધ કરું જ નહી.