પછી હે રાજન ! શસ્ત્રપ્રહારની તૈયારી થઇ ત્યારે ગોઠવાઈને ઉભેલા કૌરવોને જોઈ ધનુષ્ય ઉઠાવી કપિધ્વજ અર્જુન કૃષ્ણ પ્રત્યે આ વચન બોલ્યો : "હે અચ્યુત ! મારા રથને બંને સેનાઓની વચ્ચે ઉભો રાખો. (૨૦-૨૧)
ભાવાર્થ
આ શ્લોકમાં અર્જુનને માટે 'કપિધ્વજ:' શબ્દ વાપર્યો છે એટલે કે જેની ધજામાં શ્રી હનુમાન છે એવો અર્થાત ધ્વજસ્થિત હનુમાનજીથી અનુગ્રહિત, હનુમાનજીએ ભીમસેનને મહાભારતના યુદ્ધ વખતે અર્જુનના રથની ધજામાં વિરાજવાનું વચન આપ્યું હતું. (મહાભારત - વન. ૧૫૧-૧૭-૧૮) તેથી હનુમાનજી અર્જુનના રથની ધજામાં વિરાજી વખતોવખત ગર્જના કરતા હતા. (મહાભારત - ભીષ્મ - ૫૨-૧૮)
યુદ્ધ માટે ઉભેલા કૌરવોને જોઈને હથિયાર ચલાવવાની તૈયારીના સમયે અર્જુને પોતાનું ગાંડીવ ધનુષ્ય ઉઠાવીને ભગવાન શ્રીકૃષ્ણને કહ્યું કે, "હે અચ્યુત ! મારા રથને બે સેનાની વચમાં ઉભો રાખો."
સુવર્ણથી મઢેલા જગતપ્રસિદ્ધ આ દિવ્ય ગાંડીવ ધનુષ્ય વડે અર્જુને દેવતા તથા મનુષ્યો ઉપર વિજય મેળવ્યો હતો. આ અદભુત ધનુષ્યની દેવ, દાનવ, તથા ગાંધર્વોએ દીર્ઘકાળ પર્યન્ત આરાધના કરી હતી. આ દિવ્ય ધનુષ્યને બ્રહ્માએ ૧૦૦૦ વર્ષ, ઇન્દ્રે ૫૦૦ વર્ષ તથા વરુણદેવે ૧૦૦ વર્ષ રાખ્યું હતું. (મહાભારત - વિરાટ -૪૩). ખાંડવવન બળ્યું ત્યારે આ ધનુષ્ય અર્જુનને અગ્નિદેવે વરુણદેવ પાસેથી અપાવ્યું હતું. (મહાભારત - આદિ - ૨૨૫)
અર્જુન ભગવાન શ્રીકૃષ્ણને "અચ્યુત" કહીને સંબોધન કરે છે. અચ્યુત એટલે સર્વ દેશમાં, સર્વકાળમાં તથા સર્વ પદાર્થોમાં જેનો નાશ થવાનો નથી એવા ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન તથા વૈરાગ્યના નિધિરૂપ. "અચ્યુત" એટલે જે કદી પતિત થતો નથી, જે પોતાના સ્થાન ઉપર દ્રઢ રહે છે, જે સ્વયં ધ્રુવ છે, અચલ છે, જે કદી પડતો નથી, જે સ્થિર રહે છે, જે ચંચળ નથી, જે અવિનાશી અને સનાતન છે, સદા એક જ રીતે રહેનાર છે અને જે કદી દબાતો નથી તેને અચ્યુત કહેવાય. નર અને નારાયણ એક જ રથ ઉપર બેઠા છે. નર પ્રયત્ન કરે છે અને નારાયણ સહાય કરે છે. 'મનુષ્યયત્ન, ઈશ્વરકૃપા'
અનંતકોટિ બ્રહ્માંડનો માલિક દેવ, જેની ઈચ્છામાત્રથી અનંતકોટિ બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ અને લય થાય, જેની ભૃકુટીના વિલાસમાત્રથી સૃષ્ટિનો લય થઇ જાય, "ભૃકુટીવિલાસ સૃષ્ટિ લય હોઈ" એવા પરમાત્મા આજે અર્જુનના સારથી તરીકે કામ કરવા પધાર્યા છે.અને ભક્ત અર્જુન તેમને આજ્ઞા કરે છે કે મારા રથને બે સેનાની વચ્ચે ઉભો રાખો. આ ભગવાનનું ભક્તવત્સલપણું, ભક્તાધીનપણું દર્શાવે છે. ભક્તિનું વિશેષ માહાત્મ્ય એ છે કે સર્વનિયંતા પરમાત્માને પણ અસ્વતંત્ર જેવો બનાવે છે.
ભગવાને પોતે પણ ભાગવતમાં કબૂલ કર્યું છે કે -
અહં ભક્તપરાધીનો હ્યાસ્વતંત્ર ઇવ દ્વિજ।
સાધુભિર્ગ્રસ્તહૃદયો ભક્તૈર્ ભક્તજનપ્રિયઃ॥
(શ્રીમદ્ ભાગવત - ૯/૪/૬૩)