Hindu deity Lord Vishnu appearing serene with multiple arms, adorned in traditional jewelry and clothing, with a cloudy sky background.

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧

અર્જુન વિષાદ યોગ

યદિ મામપ્રતીકારમશસ્ત્રં શસ્ત્રપાણયઃ ।
ધાર્તરાષ્ટ્રા રણે હન્યુસ્તન્મે ક્ષેમતરં ભવેત્ ॥ ૪૬॥

યદિ મામ્ અપ્રતીકારમ્ અશસ્ત્રમ્ શસ્ત્રપાણયઃ

ધાર્તરાષ્ટ્રા: રણે હન્યુ: તત્ મે ક્ષેમતરમ્ ભવેત્

એ કરતા

રણે - રણમાં

હન્યુ: - મારે (તો)

તત્ - તે

મે - મારે માટે

ક્ષેમતરમ્ - વધુ કલ્યાણકારક

ભવેત્ - થાય

યદિ - જો

અશસ્ત્રમ્ - શસ્ત્રરહિત (અને)

અપ્રતીકારમ્ - સામા ન થતા

મામ્ - મને

શસ્ત્રપાણયઃ - શસ્ત્રધારી

ધાર્તરાષ્ટ્રા: - કૌરવો

(એ કરતા) શસ્ત્રરહિત અને સામનો નહીં કરતા મને શસ્ત્રધારી કૌરવો રણમાં જો મારે, તો તેથી મારુ વધુ કલ્યાણ થાય. (૪૬)

ભાવાર્થ

યુદ્ધમાં થનારો ભયંકર વિનાશ અને તેનાથી ઉત્પન્ન થનારા ભયંકર પરિણામોનો ચિતાર અર્જુને આપ્યો અને તેથી તેણે યુદ્ધ નહીં કરવાનો મનોમન નિર્ણય કરી લીધો છે તેવું આ શ્લોકમાં પ્રતિપાદન થાય છે.

આ શ્લોકમાં તો તે એટલે સુધી કહે છે કે જો આ શસ્ત્રધારી ધૃતરાષ્ટ્રના દીકરાઓ, પ્રતિકાર (વિરોધ) નહીં કરનાર અને શસ્ત્ર વિનાના એવા મને, આ રણક્ષેત્રમાં મારી નાખશે તો તે પણ મારા માટે અધિક કલ્યાણકારક નીવડશે.

એટલે કે જો હું શાંત અને નિર્વૈર - નિ:શસ્ત્ર સ્થિતિમાં ઉભો રહુ તે વખતે આ કૌરવો મારા ઉપર એકસામટા શસ્ત્રો ચલાવીને મને મારી નાખે તો પણ તે મારે માટે અધિક કલ્યાણકારી ઘટના બનશે, કારણ કે લોકો અને ભવિષ્યનો ઇતિહાસ તો મારી તરફેણમાં સાક્ષી પૂરશે ને કે અર્જુને તો શાંતિ રાખવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો અને સામર્થ્ય હોવા છતાં પણ અહિંસાવ્રતનું અવલંબન કર્યું તો પણ આ દુષ્ટ કૌરવોએ પોતાની પાશવી શક્તિના ઘમંડમાં ન્યાય - અન્યાયનો વિચાર કર્યા વગર નિ:શસ્ત્ર અને નિર્વૈર એવા અર્જુનનો વિનાકારણ વધ કર્યો. નિ:શસ્ત્ર અને અહિંસાવ્રતધારી મનુષ્યના ઉપર પાશવી બળથી આક્રમણ કરવું એ ઘણી જ અધોગતિએ પહોંચેલા કૌરવોનું કામ છે એમ લોકો તેમની નિંદા કરશે અને હું યશને પાત્ર બનીશ.

આ રીતે અર્જુનને પોતાના ક્ષાત્રધર્મનો ત્યાગ કરીને સંન્યાસધર્મ સ્વીકારવાનો સંકલ્પ થયો હોય તેવું આ શ્લોકથી ફલિત થાય છે.

પરંતુ જે માણસ સંસારી થવાની હિંમત પણ નથી કરી શકતો તેને માટે સંન્યાસી થવું બહુ કઠણ છે. સંસારથી ભાગવાનું નામ સંન્યાસ નથી. સંસારને પાર કરી જવાનું નામ સંન્યાસ છે. આ વાત અર્જુનના ખ્યાલમાં નથી.

સંન્યાસ લેવો હોય તો કોઈને પૂછવા ન જવું. સંન્યાસ એટલે અહંકારનો આપઘાત. આપઘાત કરવો હોય તો કોઈને પૂછવા ના જવું. કોઈના કહેવાથી સંન્યાસ ના લઈ શકાય અને આપઘાત પણ ના કરી શકાય. આખી દુનિયા ના પડે તો પણ સંન્યાસ લેવા જેવો દ્રઢતાપૂર્વક લાગે તો જ સંન્યાસ લેવો.