શ્રી કૃષ્ણે પાંચજન્ય શંખ, અર્જુને દેવદત્ત શંખ, ઉગ્ર કર્મ કરનાર ભીમે મોટો પૌણ્ડ્ર શંખ વગાડ્યો. (૧૫)
કુંતીપુત્ર રાજા યુધિષ્ઠિરે અનંતવિજય શંખ, નકુલે સુઘોષ શંખ તથા સહદેવે મણિપુષ્પક શંખ વગાડ્યો. (૧૬)
તેમ જ હે રાજા ! મોટા ધનુષવાળા કાશીરાજ, મહારથી શિખંડી અને ધૃષ્ટદ્યુમ્ન, વિરાટ તથા અજિત સાત્યકિ અને હે પૃથ્વીપતિ ! દ્રુપદ તથા દ્રૌપદીના પુત્રો અને મહાબાહુ સૌભદ્રએ સર્વેએ જુદા જુદા શંખો વગાડ્યા. (૧૭, ૧૮)
આકાશ અને પૃથ્વીને ગજાવતા તે ભયાનક નાદે કૌરવોના હૃદયોને ચીરી નાખ્યા. (૧૯)
ભાવાર્થ
(શ્લોક ૧૫ થી ૧૯)
કોણે કોણે કયો કયો શંખ વગાડ્યો તેનું વર્ણન કરતા સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે -
ભગવાન શ્રીકૃષ્ણે સાંદીપનિ મુનિને ગુરુદક્ષિણા આપવા માટે મૃત્યુ પામેલો ગુરૃપુત્ર લેવા જતી વખતે સમુદ્રમાં પાંચજન્ય નામના અસુરનો વધ કરીને મેળવેલો 'પાંચજન્ય' નામનો શંખ વગાડ્યો.
સર્વદેશોને જીતી લઈને ધન પ્રાપ્ત કરનાર હોવાથી 'ધનંજય' નામે પ્રસિદ્ધ અર્જુને નિવાતકવચ વગેરે દૈત્યો સાથે યુદ્ધ કરતી વખતે ઇન્દ્રે આપેલો 'દેવદત્ત' નામનો શંખ વગાડ્યો.
હિડિમ્બાદિ રાક્ષસોનો વધ કરનાર તથા ભયકંર કર્મો કરનાર (ભીમકર્મા) ભીમસેને 'પૌણ્ડ્ર' નામનો મોટો શંખ વગાડ્યો. (૧૫)
કુંતીપુત્ર રાજા યુધિષ્ઠિરે અનંતવિજય નામનો શંખ વગાડ્યો. નકુલે સુઘોષ નામનો શંખ વગાડ્યો અને સહદેવે મણિપુષ્પક નામનો શંખ વગાડ્યો.
પાંડવસૈન્યમાં પાંચજન્ય, દેવદત્ત, પૌણ્ડ્ર, અનંતવિજય વગેરે સ્વનામ પ્રસિદ્ધ શંખો છે, જયારે કૌરવસૈન્યમાં સ્વનામ પ્રસિદ્ધ એક પણ શંખ નથી. તેથી પાંડવસેના કૌરવસેનાથી પ્રબળ છે એમ કહી સંજય પાંડવોના વિજયનું સૂચન કરે છે. (૧૬)
મોટા ધનુષ્યવાળા (પરમેશ્વાસઃ) કાશીરાજ, મહારથી, શિખંડી, ધૃષ્ટદ્યુમ્ન, વિરાટરાજા, અજય સાત્યકિ, દ્રુપદ રાજા, દ્રૌપદીના પુત્રો તથા મહાબાહુ અભિમન્યુએ બધાએ પોતપોતાના શંખો વગાડ્યા. (૧૭-૧૮)
પૃથ્વી તથા આકાશને ગજાવતા એ ભયંકર શંખનાદે કૌરવોના હૃદયોને ચીરી નાખ્યા. (૧૯)
કૌરવસેનાના તીવ્ર શંખનાદથી પાંડવો જરા પણ ક્ષોભ પામ્યા નહીં, પરંતુ પાંડવસેનાના શંખો તથા યુદ્ધના વાજિંત્રોના પ્રચંડ ધ્વનિથી આકાશ, પૃથ્વી તથા સર્વ દિશાઓ વ્યાપ્ત થઇ ગઈ. આ તુમુલ ધ્વનિથી કૌરવોના હૃદયો ભાંગી ગયા.