શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧

અર્જુન વિષાદ યોગ

તસ્ય સઞ્જનયન્હર્ષં કુરુવૃદ્ધઃ પિતામહઃ ।
સિંહનાદં વિનદ્યોચ્ચૈઃ શઙ્ખં દધ્મૌ પ્રતાપવાન્ ॥ ૧૨॥

તસ્ય સંજનયન્ હર્ષમ્ કુરુવૃદ્ધઃ પિતામહઃ

સિંહનાદમ્ વિનદ્ય ઉચ્ચૈઃ શંખમ્ દધ્મૌ પ્રતાપવાન્

સંજનયન્ - ઉપજાવવા

સિંહનાદમ્ - સિંહનાદ (જેવી)

વિનદ્ય - ગર્જના કરીને

ઉચ્ચૈઃ - મોટેથી

શંખમ્ - શંખ

દધ્મૌ - વગાડ્યો

કુરુવૃદ્ધઃ - કૌરવોમાં વૃદ્ધ

પ્રતાપવાન્ - મહાપ્રતાપી

પિતામહઃ - પિતામહ ભીષ્મે

તસ્ય - તેને (દુર્યોધનને)

હર્ષમ્ - હર્ષ

પછી તે દુર્યોધનને હર્ષ ઉપજાવતા કૌરવોમાં વૃદ્ધ પ્રતાપી ભીષ્મપિતામહે મોટી સિંહગર્જના કરી શંખ વગાડ્યો. (૧૨)

ભાવાર્થ

હવે દુર્યોધનના સ્તુતિ-વચનો સાંભળીને ભીષ્મ પિતામહે શંખનાદ કર્યો તે હકીકત સંજય ધૃતરાષ્ટ્રને કહેતા કહે છે કે - પ્રતાપી કુરુવૃદ્ધ ભીષ્મ પિતામહે દુર્યોધનનો (તસ્ય દુર્યોધનસ્ય) હર્ષ ઉપજાવવા માટે સિંહનાદ કરીને ઊંચે સ્વરે શંખ વગાડ્યો.

આ શ્લોકમાં સંજયે ભીષ્મપિતામહને કુરુવૃદ્ધ, પિતામહ તથા પ્રતાપવાન એવા ત્રણ વિશેષણો આપેલા છે. કુરુવૃદ્ધ હોવાથી ભીષ્મે આચાર્યના તથા દુર્યોધનના અભિપ્રાયને જાણ્યા છે, પિતામહ હોવાથી આચાર્યની પેઠે દુર્યોધનનો અનાદર કર્યો નથી અને પ્રતાપવાળા હોવાથી શત્રુઓમાં ભયને પેદા કરવા તથા દુર્યોધનને હર્ષ ઉપજાવવા માટે સિંહનાદપૂર્વક શંખનાદ કર્યો છે.

પહેલો શંખનાદ પાંડવો તરફથી નહી, પરંતુ કૌરવો તરફથી થાય છે.