Hindu goddess with blue skin dressed in traditional attire, hand extended, talking to a figure in crown and traditional clothing, cloudy background.

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧

અર્જુન વિષાદ યોગ

યેષામર્થે કાઙ્ક્ષિતં નો રાજ્યં ભોગાઃ સુખાનિ ચ ।
ત ઇમેઽવસ્થિતા યુદ્ધે પ્રાણાંસ્ત્યક્ત્વા ધનાનિ ચ ॥ ૩૩॥

યેષામ્ અર્થે કાઙ્ક્ષિતમ્ ન: રાજ્યમ્ ભોગાઃ સુખાનિ ચ

ત ઇમે અવસ્થિતા યુદ્ધે પ્રાણાન્ ત્યક્ત્વા ધનાનિ ચ

કેમ કે :-

તે - તેઓ (તો)

ઇમે - આ બધા

ધનાનિ - ધન

ચ - અને

પ્રાણાન્ - જીવનની (આશા)

ત્યક્ત્વા - છોડી

યુદ્ધે - યુદ્ધમાં

અવસ્થિતા - ઉભા (છે)

યેષામ્ - જેઓને

અર્થે - માટે

રાજ્યમ્ - રાજ્ય

ભોગાઃ - ભોગ

ચ - અને

સુખાનિ - સુખો

ન: - અમને

કાઙ્ક્ષિતમ્ - ઇષ્ટ છે.

જેઓ માટે અમારે રાજ્ય, ભોગો, અને સુખો ઇષ્ટ છે, તેઓ આ પ્રાણ તથા ધન ત્યજીને યુદ્ધ માટે ઉભા છે. (૩૩)

ભાવાર્થ

અર્જુન પોતાના સંબંધીઓના મોહમાં ફસાઈ ગયો છે તેથી કહે છે કે સ્વજનોને સુખ આપવાના હેતુથી માણસ ભોગના સાધનો એકઠા કરતો હોય છે. પરંતુ અહીં તો આ મારા સ્વજનો તો પોતાના પ્રાણ અને ધનની પરવા છોડીને યુદ્ધમાં મરવા માટે ઉપસ્થિત થયા છે, પછી હું વિજય પ્રાપ્ત કરીને રાજ્યસુખભોગો કોના માટે એકઠા કરું?

અર્જુનને પોતના વિજયનું પ્રદર્શન પોતાના સ્વજનો આગળ કરવું છે. પોતાના સ્વજનો મરી જાય તો તે કોના આગળ પોતાના વિજયનું અને રાજ્યસુખભોગોનું પ્રદર્શન કરે અને તો પછી તેનો અહંકાર કેવી રીતે સંતોષાય એવા પ્રકારનો વિચાર અર્જુનના મગજમાં ફરતો લાગે છે. મોટા ભાગે માણસ પોતાના શરીર ઢાંકવા માટે નહી પરંતુ પોતાના ઐશ્વર્યનું પ્રદર્શન કરવા માટે કિંમતી વસ્ત્રો પહેરે છે. અને તેમ કરવામાં તે અજાણતા પણ પોતાની આછકલાઈનું પ્રદર્શન કરતો હોય છે.

અર્જુન પોતાના દુષ્ટ સબંધીઓને સુખ આપવા જતા સમષ્ટિના કલ્યાણ માટે, ધર્મનું રક્ષણ કરવાના હેતુથી અને અધર્મીઓનો નાશ કરવાના હેતુથી નિર્માણ કરેલા આ ધર્મયુદ્ધમાંથી ખસી જવાનો વિચાર કરે છે. ધર્મયુદ્ધના પવિત્ર કાર્યની અપેક્ષાએ તે પોતાના પારિવારિક દુષ્ટ કુટુંબીઓનું સુખ અધિક માની બેઠો છે ત્યાં જ તેની ભૂલ થાય છે.