કુળનો નાશ થતા સનાતન કુળધર્મો નાશ પામે છે અને (કુળ)ધર્મ નાશ પામતા આખા કુળને અધર્મ દબાવી દે છે. (૪૦)
હે કૃષ્ણ ! અધર્મના દબાણથી કુળની સ્ત્રીઓ દૂષિત થાય છે અને હે વાર્ષ્ણેય ! સ્ત્રીઓ દુષ્ટ થાય ત્યારે વર્ણસંકર (પ્રજા) જન્મે છે. (૪૧)
વર્ણસંકર (પ્રજા) કુલઘાતીઓ તથા કુળને નર્ક માટે જ થાય છે; કેમ કે પિંડ અને તર્પણક્રિયા જેઓની નાશ પામી હોય, એવા તેઓના પિતૃઓ (નર્કમાં જ) પડે છે. (૪૨)
કુળઘાતીઓના આ વર્ણસંકરકારક દોષોથી સનાતન જાતિધર્મો તથા કુળધર્મો નાશ પામે છે. (૪૩)
હે જનાર્દન ! જેમના કુળધર્મ નાશ પામ્યા હોય એવા મનુષ્યોનો અનિશ્ચિત સમય સુધી નરકમાં વાસ થાય છે, એમ અમે સાંભળીએ છીએ. (૪૪)
ભાવાર્થ
હવે કુળક્ષયનું કેવું ઘોર પરિણામ આવે તેની દલીલો અર્જુન કરે છે.
અર્જુન કહે છે કે કુળનો ક્ષય થવાથી સનાતન અર્થાત પરંપરાથી ચાલતો આવેલો કુળધર્મ નષ્ટ થાય છે, અને તેથી આખા કુળ ઉપર અધર્મનો પ્રભાવ પડે છે. (૪૦)
અધર્મથી આખું કુળ વ્યાપ્ત થાય તો કુળની સ્ત્રીઓ દુરાચારમાં પ્રવૃત થાય છે અને કુળસ્ત્રીઓ દોષયુક્ત થવાથી વર્ણસંકર પ્રજા પેદા થાય છે. (૪૧)
વર્ણસંકર થતા જ તે કુળઘાતકી પુરુષ અને તેનું આખું કુળ નર્કમાં જાય છે, અને પિંડપ્રદાન તથા જલતર્પણ આદિ ક્રિયાઓ લુપ્ત થવાથી એના પિતૃઓ પતિત બને છે. (૪૨)
કુળનો ઘાત કરનારાઓના આ વર્ણસંકર કરનાર દોષોથી પુરાતન જાતિધર્મનો અને કુળધર્મનો લોપ થાય છે. (૪૩)
અને જેના કુળધર્મ નષ્ટ થાય છે તે મનુષ્યોનો નર્કમાં નક્કી વાસ થાય છે એવું અમે સાંભળીએ છીએ. (૪૪)
અર્જુન અડસટ્ટે ગણતરી કરીને કહે છે કે - આ મહાયુદ્ધમાં ૧૮ અક્ષૌહિણી સેના છે તેમાં લગભગ ચાલીસ લાખ વીરપુરુષો યુદ્ધમાં ખપી જશે અને ગણ્યાગાંઠ્યા થોડા બુઢ્ઢાઓ બચી જશે તે પુરુષાર્થહીન હશે. આ પ્રકારે મહાયુદ્ધ થવાથી રાષ્ટ્રીય સભ્યતા, જાતીય પરંપરા અને કુળપરંપરા તૂટી જશે. અને રાષ્ટ્રની દ્રષ્ટિએ તેમ જ જાતીય દ્રષ્ટિએ અનેક પ્રકારની હાનિ થશે.
આ ભયંકર યુદ્ધના અંતે પુરાતનકાળથી ચાલી આવેલી આર્યસભ્યતા અને વૈદિક સંસ્કૃતિનો લોપ થશે. યુદ્ધ પછી બચેલા કેટલાક બુઢ્ઢાઓ થોડા વખતમાં મરી જશે અને ત્યારે પ્રાચીન સભ્યતાની પરંપરાને બચાવનાર કોઈ મનુષ્ય આ જાતિમાં નહીં રહે.
જે અસંખ્ય સ્ત્રીઓ વિધવા થશે તેમાંની કેટલીક ગર્ભિણી હશે. તેમના બાળકો ઉપર આનુવંશિક શુદ્ધ આર્યત્વના સંસ્કાર આપનાર કોઈ નહીં રહ્યા હોય એટલે તે નવા બાળકો પણ સંસ્કારહીન જ બનશે. લગભગ ચાલીસ લાખ તરુણોની સ્ત્રીઓ જે વિધવાઓ થશે તેમાંની મોટા ભાગની જુવાન સ્ત્રીઓ પતિવ્રતા ધર્મ પાળી શકશે નહીં કારણ કે યુવાન અવસ્થાનો જે દેહધર્મ છે તેને સંપૂર્ણ રીતે સ્વાધીન રાખવો બહુ જ કઠણ છે. આ કારણે તેઓથી વ્યભિચાર વગેરે કુમાર્ગનો વ્યવહાર થઇ જશે અને તેથી કુળની શુદ્ધતા અને પવિત્રતા મટી જશે. આ વિધવાઓના વ્યભિચારનું પાતક તો અમારા જેવા યુદ્ધ કરનારાઓ ઉપર જ આવવાનું.
કુળપરંપરાથી ચાલતા આવતા સદાચાર નષ્ટ થશે અને એવી પ્રજા બચશે કે જેઓને તેમના કુળના પૂર્વઇતિહાસના વિષયમાં કાંઈ પણ અગ્રિમતા કે ગૌરવ નહીં હોય અને તેઓને પુરાતન પ્રથાઓનું કાંઈ જ્ઞાન પણ નહીં હોય.
જે સ્ત્રીઓમાં વ્યભિચારમાં પ્રવૃત થશે તે તો સ્વવર્ણમાં અને સ્વજાતિમાં પણ વ્યભિચાર કરશે અને પછી તેમાં કોઈ નિયમ કે વિવેક નહીં રહે. જો આ સ્ત્રીઓમાં પ્રતિલોમ વ્યભિચાર થયો અર્થાત હીન વર્ણ કે હીન જાતિ કે હીન સંસ્કારવાળા મનુષ્યો સાથે વ્યભિચાર થયો તો વર્ણસંકરથી બગડેલું કુળ જીવતું રહે તો પણ એમાં કુસંસ્કારનું બીજ ભળવાથી સભ્યતા નષ્ટ થશે. પછી તેને સુધારવાનો કોઈ ઉપાય રહેશે નહીં. પછી હલકા સંસ્કારવાળા જે લોકો દેખાશે એમની સંખ્યા આખા દેશમાં વધી જશે.
આ રીતે આ યુદ્ધથી અમે જ અમારી આર્યજાતિનો અને પરંપરાથી ચાલી આવતી આર્યવૈદિક સભ્યતાનો નાશ કરવા બેઠા છીએ અને તેને માટે અમે જ જવાબદાર ગણાઈશું. તેથી અમે નર્કના અધિકારી થઈશું.
અર્જુને યુદ્ધના જે ભયાનક પરિણામનું વર્ણન કર્યું તે સાચું છે. દરેક મહાયુદ્ધમાં આવું થયા જ કરે છે. પરંતુ સમાજમાં આતતાયીઓનો ઉપદ્રવ ખૂબ જ વધી જાય ત્યારે આવું મહાયુદ્ધ અનિવાર્ય બને છે. પેટમાં આંતરડું તદ્દન કહોવાઈ ગયું હોય ત્યારે મોટું ઓપરેશન કરીને તેને કાપી જ નાખવું પડે.
અત્યારે મહાયુદ્ધ અનિવાર્ય બન્યું છે તે વખતે અર્જુન જેવો ક્ષત્રિય અને મહાયોદ્ધો યુદ્ધમાંથી નિવૃત થવાની વાત કરે તે બિલકુલ વ્યાજબી નથી.