તસ્માત્ ન અર્હા: વયમ્ હન્તુમ્ ધાર્તરાષ્ટ્રાન્ સ્વબાન્ધવાન્
સ્વજનમ્ હિ કથમ્ હત્વા સુખિનઃ સ્યામ માધવ
સ્વબાન્ધવાન્ - પોતાના ભાઈ
ધાર્તરાષ્ટ્રાન્ - કૌરવોને
હત્વા - મારીને (અમે)
કથમ્ - કેવી રીતે
સુખિનઃ - સુખી
સ્યામ - થઈશું?
તસ્માત્ - તે માટે
માધવ - હે માધવ !
હન્તુમ્ - હણવાને
વયમ્ - અમે
ન અર્હા: - યોગ્ય નથી.
હિ - કેમ કે
સ્વજનમ્ - સગાને
માટે હે માધવ ! પોતાના બાંધવ ધૃતરાષ્ટ્રના પુત્રોને મારવાને અમે યોગ્ય નથી - કેમ કે સ્વજનોને મારી અમે સુખી કેમ થઈએ? (૩૭)
ભાવાર્થ
અર્જુન કહે છે કે અમારા પોતાના જ઼ બાંધવ ધૃતરાષ્ટ્રના પુત્રોને અમારે હણવા તે યોગ્ય નથી કારણ કે સ્વજનને હણીને અમે કેવી રીતે સુખી થઈએ ?
જો કૌરવો પોતાના સંબંધી ના હોત અને એ સમયે સામ્રાજ્યશાસક કોઈ બીજા વિદેશી લોકો હોત તો અર્જુન આ પ્રકારે બોલત નહી. હસ્તિનાપુરમાં આ સમયે કોઈ વિદેશી અસુર જાતિનું રાજ્ય હોત તો અર્જુન તેઓની સાથે જરૂર યુદ્ધ કરત, અને પાપ અગર હિંસાનો જરા પણ વિચાર કર્યા વગર તેઓનો નાશ કરત અને તેઓની પાસેથી પોતાનું સ્વરાજ્ય પ્રાપ્ત કરત. પરંતુ કૌરવો પોતાના દેશના, કુળના અને લોહીના સંબંધી થતા હોવાથી તે કહે છે કે અમારા સંબંધીઓને મારવાથી અમે સુખી ના થઇ શકીએ.
ખરેખર તો શાસ્ત્રની આજ્ઞા છે કે પોતાના દેશનો, પોતાની જાતિનો રાજા પણ જો ક્રૂર બને અને પ્રજાને સતાવવા માંડે તો વિદેશી રાજાને જેવી શિક્ષા કરવામાં આવે તેવી જ઼ શિક્ષા તેને કરવી જોઈએ. આતતાયી હોવા છતાં પણ સ્વજન હોવાથી તેમને ક્ષમા કરવાનો જે વિચાર અર્જુન કરી રહ્યો છે એ જ઼ એની ભ્રાંતિ છે, મોહ છે, અવિદ્યા છે, અજ્ઞાન છે.