શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧

અર્જુન વિષાદ યોગ

સંજય ઉવાચ ।
દૃષ્ટ્વા તુ પાણ્ડવાનીકં વ્યૂઢં દુર્યોધનસ્તદા ।
આચાર્યમુપસઙ્ગમ્ય રાજા વચનમબ્રવીત્ ॥ ૨॥

દૃષ્ટ્વા તુ પાણ્ડવાનીકમ્ વ્યૂઢમ્ દુર્યોધન: તદા

આચાર્યમ્ ઉપસંગમ્ય રાજા વચનમ્ અબ્રવીત્

રાજા - રાજા

દુર્યોધન: - દુર્યોધન

આચાર્યમ્ - દ્રોણાચાર્ય

ઉપસંગમ્ય - પાસે જઈને

વચનમ્ - (આ) વચન

અબ્રવીત્ - બોલ્યો

પાણ્ડવાનીકમ્ - પાંડવોની સેના

વ્યૂઢમ્ - વ્યૂહમાં ગોઠવાયેલી

દૃષ્ટ્વા - જોઈ

તદા તુ - તે વખતે જ

તે વખતે વ્યૂહમાં ગોઠવાયેલી પાંડવોની સેના જોઈ રાજા દુર્યોધન દ્રોણાચાર્ય પાસે જઈ (આ) વચન બોલ્યો: (૨)

ભાવાર્થ

આ બીજા શ્લોકથી સંજય ધૃતરાષ્ટ્રના પ્રશ્નનો જવાબ આપે છે અને તેમાં દુર્યોધનને માટે "રાજા" શબ્દ વાપરે છે તે ધૃતરાષ્ટ્રને પ્રસન્ન કરવા માટે અને દુર્યોધનમાં રાજનીતિનિપુણતાનું સૂચન કરવા માટે છે.

યુદ્ધના પ્રથમ દિવસે ભીષ્મ પિતામહે કૌરવોની મહાસેનાનો "પતત્રિ" નામનો વ્યૂહ રચ્યો હતો. આ "પતત્રિ" વ્યૂહ એવો હોય કે તેમાં આકાર પક્ષીના જેવો હોય છે અને જે તરફ ઈચ્છા કરવામાં આવે તે તરફ તેનું મુખ રહે છે. જેથી બધી દિશાઓમાં એના ઉપર શત્રુએ હુમલો કરવો કઠિન બને છે.

પાંડવોની સેના કૌરવોની સેના કરતા ઓછી હતી. સેના થોડી હોય તો સંઘમાં હુમલો કરવો જોઈએ અને મોટી સેના હોય તો ફેલાઈ જઇને હુમલો કરવો જોઈએ. એ નિયમના આધારે પાંડવોનું સૈન્ય ઓછું હોવાથી "સૂચિમુખાકાર" વ્યૂહ રચીને અર્જુને પોતાની સેનાનો "વજ્ર" નામનો વ્યૂહ દ્રુપદરાજાના પુત્ર દ્વારા રચાવ્યો હતો. આ વ્યૂહ નોકદાર (અણીવાળો) હોવાથી પાંડવોની સેના થોડી હોવા છતાં પણ કૌરવોની મોટી સેનાને માટે પણ ભારે પડી જાય તેવી હતી. એટલે દુર્યોધન થોડીક ચિંતાથી વ્યગ્ર થઈને આવી પાંડવોની સેનાનો વ્યૂહ જોઈને (દૃષ્ટ્વા તુ પાણ્ડવાનીકમ્ વ્યૂઢમ્) આચાર્ય દ્રોણાચાર્ય પાસે જઈને કહેવા લાગ્યો કે:-