Hindu deity with blue skin, wearing traditional attire and a crown, giving a blessing to a devotee in a devotional scene.

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧

અર્જુન વિષાદ યોગ

નિમિત્તાનિ ચ પશ્યામિ વિપરીતાનિ કેશવ ।
ન ચ શ્રેયોઽનુપશ્યામિ હત્વા સ્વજનમાહવે ॥ ૩૧॥

નિમિત્તાનિ ચ પશ્યામિ વિપરીતાનિ કેશવ

ન ચ શ્રેય: અનુપશ્યામિ હત્વા સ્વજનમ્ આહવે

આહવે - યુદ્ધમાં

સ્વજનમ્ - સગાને

હત્વા - મારીને

શ્રેય: - કલ્યાણ

ચ - પણ

ન અનુપશ્યામિ - જોતો નથી.

કેશવ - (વળી) હે કેશવ !

નિમિત્તાનિ - લક્ષણો

ચ - પણ

વિપરીતાનિ - વિપરીત (જ)

પશ્યામિ - જોઉં છું. (જેથી)

વળી હે કેશવ ! હું વિપરીત ચિહ્નો જોઉં છું. અને યુદ્ધમાં સ્વજનોને મારીને હું કલ્યાણ જોતો નથી. (૩૧)

ભાવાર્થ

હવે શ્લોક ૩૧ થી ૪૬ સુધી મોહગ્રસ્ત અર્જુન પોતાના મનની વ્યથા, વિષાદ, ખેદ ભગવાન આગળ પ્રદર્શિત કરે છે અને યુદ્ધના ભયંકર પરિણામોનું બયાન રજૂ કરે છે.

અર્જુન કહે છે : "હે કેશવ ! મને વિપરીત (અશુભ) નિમિત્તો (ચિન્હો) દેખાય છે. યુદ્ધમાં સ્વજનોને હણીને હું કાંઈ પણ કલ્યાણ જોતો નથી.

"કાંઈક ખરાબ થવાનું હોય ત્યારે અનિષ્ટસૂચક ચિન્હો દેખાય. Coming events cast their shadow before. હું અકાળ ગ્રહણ, ધરતીકંપ, આકાશમાંથી નક્ષત્રોનું પડવું, ડાબી આંખ ફરકવી વગેરે અશુભ ચિન્હો જોઉં છું.' ખરેખર તો આ બધા અશુભ ચિન્હો કૌરવોના અનિષ્ટસૂચક હતા પરંતુ વિષાદગ્રસ્ત અર્જુને મોહવશ થઈને આ બધા અશુભ ચિન્હો પાંડવોના કલ્યાણની વિરુદ્ધ માન્યા. અપશુકનો સાપેક્ષ હોય છે. રામના સૈન્યે રાવણની લંકા ઉપર ચઢાઈ કરી ત્યારે રામને શુકન થવા લાગ્યા અને રાવણને તે જ સમયે લંકામાં અપશુકન થવા લાગ્યા. દુષ્ટોના અનિષ્ટસૂચક ચિન્હો સાધુપુરુષના ઉત્કર્ષને બાધારૂપ થતા નથી.

અર્જુન આ શ્લોકમાં કહે છે કે 'મને બધા લક્ષણો - ચિન્હો વિપરીત દેખાય છે.' મન બગડવાથી હંમેશા આવું જ થાય. મન બગડવાથી આખા જગતમાં વિપરીત ભાવ જ દેખાય. મન બગડ્યું તો આખું જગત બગડી જાય છે. 'મનકે હરે હાર હૈ, મનકે જીતે જીત.' અર્જુનનું મન હારી ગયું હતું તેથી તેને સંપૂર્ણ જગતમાં અશુભ લક્ષણો દેખાતા હોય એવું લાગતું હતું. મનમાં ઉત્સાહ હોય તો આખા જગતમાં શુભ લક્ષણો દેખાય. આ બધો મનનો ખેલ છે. જગતમાં તો કોઈ ફરક પડતો નથી. જગત તો છે તેવું જ છે. પોતાનામાં ફરક પડવાથી જગત બિલકુલ જુદું માલુમ પડવા લાગે છે. માણસ મનનો જે ભાવ લઈને જગતની પાસે જાય તેવું જ જગત તેને દેખાવા માંડે. કમળાના રોગવાળાને આખું જગત પીળું દેખાય. અર્જુનને મોહરૂપી કમળાનો રોગ લાગુ પડ્યો છે. જગત તો એક અરીસો છે. તેમાં જે ભાવથી આપણે જોઈશું તેવું જ પ્રતિબિંબ એમાં દેખાશે.

અર્જુન કહે છે કે સ્વજનોને મારવાથી મને મારુ કાંઈ કલ્યાણ દેખાતું નથી. અહીં અર્જુનની ભૂલ થાય છે. અર્જુન પોતાના દુશ્મનોને સ્વજન મને છે. લોહીના સંબંધે સ્વજન અને પરજન એવા ભેદ ના પડાય. જે કૌરવોએ અર્જુનનું રાજ્ય કપટથી પડાવી લીધું છે, પાંડવોને દેશનિકાલ કર્યા છે, દ્રૌપદીની બેઈજ્જતી કરી છે, લાક્ષાગૃહમાં બાળવાની અને ઝેર ભેળવેલા લાડુ ખવરાવવાની કુચેષ્ટાઓ કરી છે, તેવા દુશ્મનોને સ્વજન ગણવામાં અર્જુનની ભૂલ થાય છે. પારિવારિક મોહના સંકુચિત વાયુમંડળને લીધે જ તે આવું - તેવું બોલી રહ્યો છે.