હે કૃષ્ણ ! વિજય, રાજ્ય અને સુખોને હું ઈચ્છતો નથી. હે ગોવિંદ ! અમારે રાજ્યથી શું ફળ છે? અથવા ભોગો કે જીવનથી પણ શું પ્રયોજન છે? (૩૨)
ભાવાર્થ
અર્જુન કહે છે કે મને આ યુદ્ધમાં સ્વજનોના નાશથી પ્રાપ્ત થનારા વિજયની તથા એવા વિજયથી પ્રાપ્ત થનારા રાજ્ય કે વિષયસુખની ઈચ્છા નથી. અજ્ઞાનવશ થઈને પરિવારના મોહના કારણે અર્જુન કહે છે કે મારે રાજ્યનું શું પ્રયોજન છે, સુખનું શું પ્રયોજન છે અને જીવતરનું શું પ્રયોજન છે? આ સમયે એના મનમાં આ વાત આવી ગઈ કે હું હવે જીવતો રહીને પણ શું કરું? (કિં જીવિતેન વા) મારા જીવતા રહેવાથી "પણ હવે શું લાભ છે?" એવા પ્રકારની ખેદજનક વિચાર પરંપરાના અંતમાં તેને ઝટ મરી જવાનું યોગ્ય લાગે છે. આવી ખેદ વિષાદમયી વિચારની પરંપરા કેટલી ઘાતક છે તે અહીં સ્પષ્ટ થાય છે.