શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧

અર્જુન વિષાદ યોગ

તતઃ શ્વેતૈર્હયૈર્યુક્તે મહતિ સ્યન્દને સ્થિતૌ ।
માધવઃ પાણ્ડવશ્ચૈવ દિવ્યૌ શઙ્ખૌ પ્રદધ્મતુઃ ॥ ૧૪॥

તતઃ શ્વેતૈ: હયૈ: યુક્તે મહતિ સ્યન્દને સ્થિતૌ

માધવઃ પાણ્ડવ: ચ એવ દિવ્યૌ શંખો પ્રદધ્મતુઃ

માધવઃ - ભગવાન શ્રીકૃષ્ણ

ચ એવ - તેમ જ

પાણ્ડવ: - અર્જુને

દિવ્યૌ - અલૌકિક

શંખો - શંખો

પ્રદધ્મતુઃ - વગાડ્યા

તતઃ - તે પછી

શ્વેતૈ: - ધોળા (ચાર)

હયૈ: - ઘોડા

યુક્તે - જોડેલા

મહતિ - મોટા

સ્યન્દને - રથમાં

સ્થિતૌ - બેઠેલા

પછી ધોળા ઘોડા જોડેલા ઉત્તમ મોટા રથમાં બેઠેલા શ્રીકૃષ્ણ અને અર્જુને પણ દિવ્ય શંખો વગાડ્યા. (૧૪)

ભાવાર્થ

કૌરવોના યુદ્ધનાદ થયા પછી મોટા (પૂજ્ય પવિત્ર મહતિ) રથમાં બેઠેલા ભગવાન શ્રીકૃષ્ણે અને પાંડુપુત્ર અર્જુને એક જ વિજયધ્વનિ કરનારા અને દિવ્ય એવા પોતપોતાના શંખને વગાડ્યા.

આ અર્જુનનો નંદિઘોષ નામનો રથ સોનાથી મઢેલો, તેજોમય, પ્રકાશયુક્ત, મજબૂત, મોટો, સુંદર અને કોઈથી પણ ચલાયમાન ના થાય તેવો હતો. આ રથને ચિત્રરથ ગંધર્વે આપેલા સો ઘોડા પૈકી શૈબ્ય, સુગ્રીવ, મેઘપુષ્પ તથા બલાહક નામના ચાર સફેદ ઘોડા જોડવામાં આવ્યા હતા - આ ઘોડાઓ મૃત્યુ પામે છતાં તેની સંખ્યામાં ઘટાડો થતો ન હતો. આ રથ સમસ્ત પૃથ્વી, સ્વર્ગ વગેરે સ્થાનોમાં જઈ શકતો હતો (મહા ઉદ્યોગ - ૫૬). ખાંડવવન બાળ્યું ત્યારે અગ્નિદેવે પ્રસન્ન થઇ આ રથ અર્જુનને આપ્યો હતો. (મહા આદિ ૨૫૫ - ૧૦ - ૧૭)

જે રથમાં શાર્ઙ્ગ ધનુર્ધારી ભગવાન શ્રીકૃષ્ણ સારથી હોય, ગાણ્ડીવધનુર્ધારી અર્જુન રથમાં બિરાજમાન હોય, તથા સાક્ષાત શ્રી હનુમાનજી ધ્વજામાં સ્થિત હોય (ભીષ્મ - ૫૨ - ૧૮) તેનો પરાભવ કરવા કોણ સમર્થ છે?

ભીષ્મપિતામહના શંખનાદનું વર્ણન કૌરવસેનાના વર્ણનના પ્રસંગમાં શ્લોક ૧૨ માં કર્યું છે. એમાં દ્રોણાચાર્યના શંખનું વર્ણન નથી. કેટલાક મોટા કૌરવવીરોએ વિશેષ ઉત્સાહથી શંખનાદ કર્યો હોત તો તેનું વર્ણન અવશ્ય તેમાં કરવામાં આવ્યું હોત. પરંતુ જ્યાં અંદરથી પોતાનો ઉત્સાહ જ નથી, જે માત્ર પગાર -વેતન લેવા માટે જ યુદ્ધભૂમિમાં ઉભા થયા છે, અને જેઓમાંથી કેટલાય વીરો (ભીષ્મ, દ્રોણ પણ) સમજતા હતા કે પોતાનો પક્ષ અધર્મનો છે તેમના શંખનાદ વિશેષ વર્ણન કરવા યોગ્ય કદાપિ થતા નથી. જેમનો શંખ નાભિસ્થાનનાં જોરથી વાગે છે તેનો પ્રભાવ વિશેષ હોય છે. આવા પ્રકારના શંખ તો કૌરવો તરફથી વાગ્યા જ નહી.

પરંતુ પાંડવો તરફથી જોઈએ તો તેમાં એક એક વીરનું નામ લઈ લઈને તેઓ શંખ વગાડ્યાનું વર્ણન ૧૫ થી ૧૯ સુધી કર્યું છે. કેમ કે એવા જ વિશેષ બળથી પાંડવોના શંખ વાગ્યા હતા. પાંડવોની તરફેણના સર્વ વીરોનો નિશ્ચય થઇ ગયો હતો કે કાં તો અમે મટી જઈશું અથવા તો અમારું ગયેલું સ્વરાજ્ય પોતાની શક્તિ અથવા સંઘટનાથી પ્રાપ્ત કરીશું. આ બે સિવાય ત્રીજો કોઈ વિચાર જ તેમનામાં નહોતો.

બંને પક્ષના શંખનાદનો પ્રકાર જોવાથી જણાશે કે પાંડવોના વીરોમાં જેવો ઉત્સાહ દેખાતો હતો તેવો ઉત્સાહ કૌરવોના વીરોમાં હતો નહી.

પહેલો શંખનાદ પાંડવો તરફથી નહી પરંતુ કૌરવો તરફથી થાય છે. શ્રીકૃષ્ણ તો તેનો પ્રત્યુત્તર (response) દઈ રહ્યા છે. પાંડવ પક્ષમાં સૌ પહેલો શંખનાદ શ્રીકૃષ્ણ કરે છે. પાંડવો યુદ્ધને પરમાત્મા તરફથી આવેલી એક જવાબદારી સમજે છે. પાંડવો પોતે તો યુદ્ધ માટે ઉત્સુક પણ નથી અને ભયભીત પણ નથી. પરમાત્મા તરફથી આવેલા પોકારને માટે જ તેઓ તૈયાર છે. તેથી જ યુદ્ધની સ્વીકૃતિનો જવાબ પ્રથમ શ્રીકૃષ્ણ પોતે આપે છે.

પરમાત્માને સાથમાં લઈને લડીને હારવું શ્રેષ્ઠ છે પરંતુ પરમાત્માની વિરુદ્ધ લડીને જીતવું પણ વ્યર્થ છે.